નજીવી બાબતે બે ભાઈએ એક યુવકને જીવતો સળગાવી દીધો

0
31
ઇસનપુરમાં બનાવ બાદ ગંભીર બનેલા યુવાનને સારવાર માટે એલજીમાં ખસેડાયો : બનાવથી ફેલાયેલી સનસનાટી

અમદાવાદ, તા.૨૫
ઇસનપુરમાં આવેલી એક સોસાયટીમાં યુવકે બે ભાઈઓને બાઈકમાંથી પેટ્રોલ કાઢવા બાબતે ઠપકો આપતા બંને ભાઇઓ ઉશ્કેરાઇ ગયા હતા અને આવેશમાં આવીને યુવક પર કેરોસીન છાંટી તેને જીવતો સળગાવી દીધો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેની હાલત ગંભીર મનાઇ રહી છે. ઇસનપુર પોલીસે બે સગા ભાઈ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જા કે, બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ઇસનપુર વિસ્તારમાં ઉજાલા સોસાયટીમાં રહેતો પંકજ પાટીલ (ઉ.વ.૨૦) નામનો યુવાન શનિવારે રાતે તેની સોસાયટીની બહાર પાર્ક કરેલી બાઈક પાસે ગયો હતો. બાઈક ઉપર બાજુની નિર્મલકુંજ સોસાયટીમાં રહેતા પ્રદીપ અમરસિંગ કોરી અમે નરેશ અમરસિંગ કોરી નામના બે ભાઈ બેઠા હતા અને પેટ્રોલ કાઢતા હતા. બાઈકમાંથી પેટ્રોલ કેમ કાઢ્યું તેમ કહેતા બંને ભાઈઓએ બાજુની બાઈકમાંથી પેટ્રોલ કાઢવા કહ્યું હતું. પંકજે પ્રદીપને લાફો મારતા બને ભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને મારામારી ચાલુ કરી હતી. પંકજના પરિવારના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા. એ દરમ્યાન પ્રદીપ કેરોસીનનું ડબલુ લઈ આવ્યો હતો અને પંકજ પર છાંટી દિવાસળી ચાંપી દીધી હતી. આગથી પંકજ સળગવા લાગતા લોકોએ માટી અને ધાબળાથી આગ બુઝાવી ૧૦૮માં સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડ્‌યો હતો. પંકજનું ૮૫ ટકા શરીર દાઝી ગયું હોવાનું ડોકટરોએ જણાવ્યું હતું. બીજીબાજુ, બનાવની જાણ થતાં ઇસનપુર પોલીસે સમગ્ર મામલે જરૂરી ગુનો નોંધી બંને ભાઈઓને ઝડપવા તજવીજ શરૂ કરી છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.