પાણીજન્ય રોગચાળો વકર્યો: પ્રદૂષિત પાણી-વાસી ખાદ્યપદાર્થ અને ગરમી કારણભૂત

0
7
છેલ્લા નવ દિવસમાં તાવની ફરિયાદ લઇ આવેલાં લોકોની સંખ્યા આઠ હજાર જેટલી નોંધાઇ
છેલ્લા નવ દિવસમાં તાવની ફરિયાદ લઇ આવેલાં લોકોની સંખ્યા આઠ હજાર જેટલી નોંધાઇ હતી,

એપ્રિલનાં પ્રથમ બે સપ્તાહમાં જ ઝાડાઉલ્ટી, કમળો અને ટાઇફોઇડનાં કેસોમાં ગત વર્ષ કરતાં વધારો

શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે પ્રદૂષિત પાણી પીવાથી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થનું બેરોકટોક વેચાણ થવાથી પાણીજન્ય ગણાતાં કમળો, ઝાડા-ઉલ્ટી અને ટાઇફોઇડનાં કેસોમાં ગત વર્ષની સરખામણીએ સતત વધારો નોંધાઇ રહ્યો છે, તેમ છતાં મ્યુનિ.સત્તાધીશોનાં પેટનું પાણી હલતું નથી.

ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવતાં સેમ્પલનાં રિપોર્ટ પૈકી મોટાભાગનાં રિપોર્ટ મિસ બ્રાન્ડેડને લગતાં જ હોય છે. બાકીનાં અનસેફ રિપોર્ટ સાવ નજીવા હોય છે. મોટરીંગ કરવાનાં કારણે પીવાનાં પાણીમાં ધૂળ-કચરો અને ગટરનાં પાણી પણ ખેંચાઇ આવતાં પીવાનું પાણી પ્રદૂષિત બની નાગરિકોને કમળો અને ઝાડા-ઉલ્ટી જેવા રોગનો ભોગ બનાવી રહ્યું છે.

શહેરીજનોને દરેક વિસ્તારમાં પીવાનું પાણી શુધ્ધ મળે છે કે નહિ તેની ચકાસણીની જવાબદારી દરેક વોર્ડનાં પીએચએસ-સેનેટરી સબ ઇન્સ્પેકટર વગેરે ઉપર લાદવામા આવી છે, તેમ છતાં હજુ પણ પાણીનાં નમૂના કોણ લે તેના મામલે હેલ્થ-સોલીડ વેસ્ટ ખાતાનાં કર્મચારીઓ અને સેન્ટ્રલ લેબોરેટરીનાં કર્મચારીઓ વચ્ચે વિવાદ છેડાયો છે. તેમ છતાં ૮મી એપ્રિલે ૪૮ વોર્ડમાંથી ૧૬૪ સેમ્પલ લેવાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

શહેરમાં વિવિધ પ્રકારનાં રોગચાળાને ડામવાનું અને અંકુશમાં રાખવાની કામગીરી કરતાં હેલ્થ ખાતાને હાલ મચ્છરજન્ય રોગચાળાને લઇ ઘણી રાહત છે. ગરમીનાં કારણે મચ્છરની ઉત્પત્તિ સાવ ઘટી ગઇ હોવાથી તાવનાં કેસ નહિવત નોંધાઇ રહ્યાં છે. છેલ્લા નવ દિવસમાં તાવની ફરિયાદ લઇ આવેલાં લોકોની સંખ્યા આઠ હજાર જેટલી નોંધાઇ હતી, તેની સામે ગત વર્ષનાં એપ્રિલમાં ૮૪ હજારથી વધુ તાવની ફરિયાદો ઉઠવા પામી હતી.

રોગચાળાનાં આંકડા (9મી સુધીનાં)

ઝાડા-ઉલ્ટી 205
કમળો 54
ટાઇફોઇડ 50
મેલેરિયા 08
ડેન્ગ્યુ 05
ચિકનગુનિયા 03