પૂર્વ મેયર પારૂલબેનને પોલીસે લાફા ઝીંકી લાકડીથી ફટકાર્યા

0
20

અમદાવાદ, તા.૨૩
ભાવનગરના પૂર્વ મેયર અને કોંગ્રેસના કોર્પોરેટર પારૂલબેન ત્રિવેદીને પોલીસે લાફા ઝીંકી લાકડી વડે માર માર્યાની ઘટના સામે આવતાં આજે સ્થાનિક રાજકારણ જારદાર રીતે ગરમાયું હતું. બીજીબાજુ, પારૂલબેનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તેઓ હાલ કાન,નાક અને ગળાના વિભાગમાં ઓપીડીમાં સારવાર હેઠળ છે. એકબાજુ, પારૂલબહેન અને તેમના પરિવારજનો પોલીસ દ્વારા તેમને ગંભીર માર મરાયાનો આક્ષેપ કરી રહ્યા છે, તો બીજીબાજુ, પોલીસ એવો બચાવ કરી રહી છે કે, દબાણ હટાવવાની કામગીરી દરમ્યાન ધક્કો વાગતાં તેમને ઇજા પહોંચી છે. આમ, હવે સમગ્ર મામલે જારદાર વિવાદ વકર્યો છે. પારૂલબહેન ત્રિવેદી બ્લોક નં. ૬ બી, રૂમ નં ૧૦૧, ગવર્નમેન્ટ ક્વાર્ટસ, પાનવાડી, ભાવનગરમાં રહે છે.
તેઓ મેયર હતા ત્યારે ભાજપમાં હતા. શહેરના જેલ રોડ પર આવેલી શ્રમનિકેતન સોસાયટીમાં આજે એક વાગ્યા આસપાસ કોમન પ્લોટ બાબતે માથાકૂટ થઇ હતી. આથી સ્થાનિક રહીશોએ આ જ વિસ્તારમાં રહેતા પારૂલબેનને બોલાવ્યા હતા. પારૂલબેને લોકોની આગેવાની લઇ કોમન પ્લોટ મામલે પોલીસ સાથે વાતચીત કરી હતી. આ દરમ્યાન મહિલા કોન્સ્ટેબલે ઉશ્કેરાઇ જઇને પારૂલબેનના હાથ, કાનના ભાગે માર મારી ઇજા પહોંચાડી હતી. પારૂલબેનના પુત્ર કૃણાલે જણાવ્યું હતું કે, મારા મમ્મીને લોકોએ બોલાવ્યા હતા. કોમન પ્લોટ મામલે પોલીસને રજૂઆત કરી હતી. ત્યારે એક લેડી પોલીસે માર માર્યો હતો. હાલ મારા મમ્મી સારવાર હેઠળ છે. જ્યારે આ સમગ્ર મામલે ભાવનગરના એસપી જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, દબાણ હટાવવાની કામગીરી દરમ્યાન ઘર્ષણ થતાં કોંગ્રેસના કોર્પોરેટર પારૂલબેન ત્રિવેદીને ધક્કો લાગતા ઈજા થઈ હતી. આમ, હવે બંને પક્ષે આક્ષેપ-પ્રતિઆક્ષેપને લઇ સ્થાનિક રાજકારણ ગરમાયું છે અને આખોય વિવાદ વકર્યો છે.