બાઈડેનના કારણે દુનિયામાં પરમાણુ યુદ્ધ ફાટી નીકળશે : ડોનાલ્ડ ટ્રમ્પ

0
5

– ટ્રમ્પ સામે ન્યૂયોર્કમાં આરોપો ઘડાયા પછી ફ્લોરિડામાં પહેલું નિવેદન

– બાઈડેનના શાસનમાં ડોલર વૈશ્વિક પ્રભુત્વ ગુમાવી રહ્યો છે, જે 200 વર્ષમાં આપણો સૌથી મોટો પરાજય : ડોનાલ્ડ ટ્રમ્પ

પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ગુપચુપ રીતે નાણાં ચૂકવવાના કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ ફોજદારી આરોપોનો સામનો કરનારા અમેરિકાના પહેલાં પૂર્વ પ્રમુખ બની ગયા છે. આ કેસમાં મંગળવારે ન્યૂયોર્કની મેનહટન ક્રિમિનલ કોર્ટમાં હાજર રહ્યા પછી ફ્લોરિડા પહોંચી ડોનાલ્ડ ટ્રમ્પે બાઈડેન તંત્રની ઝાટકણી કાઢી હતી. બાઈડેન પર અમેરિકાને બરબાદ કરવાનો આક્ષેપ કરતાં ટ્રમ્પે બાઈડેનના શાસનકાળ હેઠળ દુનિયાએ ત્રીજા વિશ્વ યુદ્ધનો સામનો કરવો પડી શકે છે, જેમાં પરમાણુ શસ્ત્રોનો પણ ઉપયોગ થશે તેવો દાવો કર્યો હતો.

અમેરિકાની વર્ષ ૨૦૨૪ની પ્રમુખપદની ચૂંટણી માટે દાવો કરનારા ૭૬ વર્ષીય રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્કથી પાછા ફર્યા પછી ફ્લોરિડા સ્થિત તેમની માર-એ-લાગો રિસોર્ટમાં જણાવ્યું હતું કે, આજે અનેક દેશ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની અમેરિકાને ખુલ્લી ધમકી આપી રહ્યા છે જ્યારે તેમના શાસનકાળમાં કોઈ દેશે ક્યારેય તેનો ઉલ્લેખ કર્યો નહોતો.

ટ્રમ્પે ઉમેર્યું કે, બાઈડેન સરકારના નબળા નેતૃત્વના કારણે દુનિયા પરમાણુ શસ્ત્ર આધારિત ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ આગળ વધી રહી છે. તમે માનો કે ના માનો, વિશ્વ યુદ્ધથી આપણે બહુ દૂર નથી. વધુમાં ડેમોક્રેટ નેતાના કારણે આપણું અર્થતંત્ર ભાંગી પડયું છે. મોંઘવારી બેકાબૂ છે. રશિયાએ ચીન સાથે હાથ મીલાવી લીધા છે. શું તમે વિશ્વાસ કરશો કે સાઉદી અરબે ઈરાન સાથે હાથ મિલાવ્યા છે?

ટ્રમ્પે કહ્યું કે, ચીન, રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયાએ સાથે મળીને ‘વિનાશક ગઠબંધન’ બનાવી લીધું છે. હું અમેરિકન પ્રમુખ હોત તો આવું ક્યારેય થઈ શક્યું ન હોત. એટલું જ નહીં રશિયાએ પણ યુક્રેન પર હુમલો ના કર્યો હોત. માર્યા ગયેલા લોકો જીવતા હોત. સુંદર શહેરોનો વિનાશ ના થયો હોત. ટ્રમ્પે ઉમેર્યું કે, આપણા ચલણ ડોલરનું મહત્વ ઘટી રહ્યું છે અને ટૂંક સમયમાં જ તે વૈશ્વિક માપદંડને અનુરૂપ નહીં રહે, જે ૨૦૦ વર્ષમાં આપણો સૌથી મોટો પરાજય હશે. દુનિયામાં ડોલરનું પ્રભુત્વ જ આપણને મહાશક્તિ બનાવતું હતું. તેમણે બાઈડન પર દેશને બરબાદ કરવાનો આરોપ મૂકતા કહ્યું કે, અમેરિકાના સૌથી ખરાબ પાંચ પ્રમુખોએ ભેગા મળીને પણ અમેરિકાને એટલું નુકસાન નહીં પહોંચાડયું હોય, જેટલું બાઈડેને એકલાએ પહોંચાડયું છે. વધુમાં ટ્રમ્પે કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે અમેરિકામાં આવું કંઈક થઈ શકે છે. મારો એકમાત્ર ગૂનો મારા દેશનું નિડરતાથી રક્ષણ કરવાનો છે. 

દરમિયાન અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ગુપચુપ રીતે નાણાં ચૂકવવા માટે નાણાકીય ગેરરીતિ કરવાના કેસમાં મેનહટનની ક્રિમિનલ કોર્ટમાં હાજર થયા પછી મેનહટન  ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રેગે જણાવ્યું હતું કે, ‘તમે કોઈપણ હોવ ન્યૂયોર્ક રાજ્ય નાણાકીય ગેરરીતિના ગંભીર આરોપોને સામાન્ય નહીં બનવા દે.’ બ્રેગે ઉમેર્યું હતું કે, ‘ન્યૂયોર્ક રાજ્યના કાયદા હેઠળ છેતરપિંડી કરવાના ઈરાદા સાથે અને અન્ય ગૂનાને છૂપાવવાના આશયથી ખોટા વ્યાવસાયિક રેકોર્ડ્સ ઊભા કરવા એ ગંભીર ગૂનો ગણાય છે. આ કેસ પણ એવો જ છે. અન્ય ગૂનાઓને છુપાવવા માટે ૩૪ ખોટા બિઝનેસ સ્ટેટમેન્ટ્સ બનાવાયા હતા.’

વધુમાં કોર્ટમાં સુનાવણી ચાલતી હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ન્યાયાધીશ સમક્ષ માત્ર છ વખત જ બોલ્યા હતા, જેમાં તેમણે પોતે દોષિત નહીં હોવાનું નિવેદન પણ કર્યું હતું.