યુક્રેન અને રશિયા વચ્ચે એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, દરરોજ તોપમારો, ગોળીબાર થતા રહે છે. એવામાં પૂર્વ યુક્રેનના કોસ્તિયાનતિનિવકામાં રશિયા દ્વારા તોપમારો કરવામાં આવ્યો હતો જેમાં છ લોકો માર્યા ગયા હતા. જ્યારે ૧૦ જેટલા લોકો ઘવાયા હતા.
યુક્રેનના કોસ્ત્યાંનિવિકા શહેર પર રશિયા છેલ્લા આઠ મહિનાથી કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે પણ હજુસુધી સફળ નથી થઇ શક્યું. તાજેતરમાં ફરી રશિયાએ આ શહેરને નિશાન બનાવીને હુમલા શરૂ કરી દીધા છે, જેનો ઉદ્દેશ્ય શહેર પર કબજો કરવાનો હોવાનું યુક્રેનના નિષ્ણાતોએ જણાવ્યું હતું. રશિયાએ આ શહેર પર હાલમાં કરેલા વધુ એક હુમલામાં છ લોકો માર્યા ગયા છે. સાથે જ ૧૬ એપાર્ટમેંટ, આઠ ઘર અને એક સરકારી ઇમારતને ભારે નુકસાન પહોંચ્યું છે. આ હુમલાની તસવીરો પણ જાહેર કરવામાં આવી છે. યુક્રેને જણાવ્યું હતું કે રશિયાએ આમ નાગરિકોના રહેણાંકી વિસ્તારોને નિશાન બનાવીને મિસાઇલો, રોકેટમારો કર્યો હતો. જેમાં એક નર્સરી સ્કૂલને પણ તોડી પાડવામાં આવી છે. આ હુમલા માટે રશિયાએ એસ-૩૦૦ મિસાઇલ અને યુરાગન રોકેટનો ઉપયોગ કર્યો હતો. રશિયા ડોનેટસ્ક પ્રાંત પર કબજો કરવાની નજીક જ પહોંચી ગયુ છે. હાલ જે શહેર પર હુમલો કર્યો તેના પર કબજો જમાવતાની સાથે જ આ આખો પ્રાંત રશિયાના હાથમાં આવી જશે. બીજી તરફ રશિયાએ હથિયારોનું ઉત્પાદન પણ ઝડપી બનાવી દીધુ છે.
કેમ કે અનેક હથિયારો આ યુદ્ધમા વપરાઇ ગયા હોવાથી હાલ અછત જેવી સ્થિતિ છે.