વેપારી પરિવારે ઘર છોડ્યું, યુવકે ઝેરી દવા પીધી

0
339
the-businessman-left-the-house-the-youth-drank-poisonous-medicine
the-businessman-left-the-house-the-youth-drank-poisonous-medicine

પૂર્વ વિસ્તારમાં જેસીપી દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કડક પગલાં ભરી ફરિયાદ નોંધવા આદેશ અપાય છે અને ગુના પણ નોંધાયા છે છતાં વ્યાજખોરો બેફામ બન્યા છે. વસ્ત્રાલ વિસ્તારમાં વ્યાજખોર પાસેથી રૂ. પાંચ લાખ ઉછીના લેનાર વેપારીના ઘરે વ્યાજખોર દ્વારા તોડફોડ તેમજ પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતાં વેપારી પરિવાર સાથે ઘર છોડી જતો રહ્યો છે.

જયારે બીજા બનાવમાં રૂ. ૨૦ હજાર ઉછીના લેનાર યુવક પાસે વ્યાજખોરે મૂડી અને વ્યાજ સહિત રૂ. એક લાખ માગતા યુવકે મચ્છર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રામોલ પોલીસે બંને વ્યાજખોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ વસ્ત્રાલ રોડ પર મહાદેવનગરમાં આવેલા તારાનગરમાં રક્ષાબહેન સોની (ઉ.વ.૫૫) રહે છે. તેમના મોટા પુત્રનું બીમારીના કારણે અવસાન થઇ ગયું છે. જયારે બીજો પુત્ર હિતેશ (ઉ.વ.૩૫) વસ્ત્રાલ રોડ પર ભવાનીનગરમાં તેના પરિવાર સાથે રહે છે. હિતેશ ઘરેથી જ સ્ક્રેપનો વ્યવસાય કરે છે.

પાંચેક વર્ષ પહેલા હિતેશે વસ્ત્રાલના રીટાનગરમાં રહેતા રાજેશ નારાયણભાઈ ચૌહાણ પાસેથી ટુકડે ટુકડે ૧૦ ટકાના વ્યાજે રૂ. પાંચ લાખ ઉછીના લીધા હતા. દર મહિને તેને રૂ. ૫૦ હજારનું વ્યાજ ચૂકવતા હતા. ઘંઘામાં ખોટ જતાં હિતેશ પૈસા આપી શક્યો નહોતો.

પૈસા આપવાનું બંધ થતાં રાજેશ રક્ષાબહેનના ઘરે પહોંચી ગયો હતો. તેણે જણાવ્યું હતું કે તમારા દીકરાએ ૧૦ ટકાના વ્યાજે રૂ. પાંચ લાખ ઉછીના લીધા છે. જેનું વ્યાજ અને મૂડી રૂ. ૨૦ લાખ જેટલી થાય છે. પૈસા ન હોવાથી રક્ષાબહેને ચેક આપ્યા હતા.

બાકીના નીકળતા ૨૦ હજાર પણ રક્ષાબહેને રાજેશને આપ્યા છતાં ૧૦ ટકા લેખે રૂ. ૧૭ લાખ લેવાના નીકળે છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. ધમકીઓના પગલે દસ દિવસ પહેલાં હિતેશ તેના પરિવાર સાથે ઘર છોડી જતો રહ્યો હતો. ત્રણ દિવસ પહેલાં રાજેશ રક્ષાબહેનના ઘરે આવી ગાળાગાળી કરી અને તોડફોડ કરી હતી. જે મામલે રક્ષાબહેને પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.

હિતેશે વ્યાજે લીધેલા રૂપિયા પરત આપી દીધા હોવા છતાં રાજેશ હિતેશની માતાના ઘરે આવી ૧૦ ટકાના લેખે રૂ. ૧૭ લાખ લેવાના નીકળે છે કહી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. ફરિયાદી રક્ષાબહેનના જણાવ્યા મુજબ ધમકીઓથી કંટાળી જઈ હિતેશે તેના પરિવાર સાથે સામૂહિક આપઘાત કરવાનું કહ્યું હતું. જો કે તેવું ન કરવાનું સમજાવ્યું હતું. વ્યાજના ચક્કરમાં હિતેશે પોતાનું મકાન પણ વેચી દીધું હતું.

બીજા બનાવમાં વસ્ત્રાલની તારાનગર સોસાયટીમાં રહેતા અને ભુલાભાઇ પાર્ક સોસાયટીમાં નોકરી કરતા દિનેશ ભદોરિયા (ઉ.વ.૩૨)એ વસ્ત્રાલની જલપરી સોસાયટીમાં રહેતા બિરેન્દ્રસિંહ કુશવાહ પાસેથી એક વર્ષ પહેલાં રૂ. ૨૦ હજાર દસ ટકા વ્યાજે લીધા હતા. દર મહિને તેનું વ્યાજ પણ દિનેશ ભરતો હતો.

ગત મહિનાથી બિરેન્દ્રસિંહ તેની પાસે વ્યાજ અને મૂડી પેટે રૂ. એક લાખની માગ કરતો હતો. ત્રણ દિવસ પહેલાં બિરેન્દ્રસિંહ દિનેશને મળ્યો હતો અને જો તે પૈસા નહીં આપે તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. ધમકીના પગલે ટેન્શનમાં આવી ગયેલા દિનેશે ઘરે મચ્છર મારવાની દવા પી લીધી હતી.

તેની પત્નીને જાણ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં તેની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. બંને બનાવમાં રામોલ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ગુના નોંધ્યા છે. જો કે હજી સુધી તે મામલે રામોલ પોલીસે કોઈ આરોપીની ધરપકડ ન કરી હોવાનું જાણવા મળ્યું છે.