શહેરોની ખાનગી સ્કલોમાં પ્રથમ દિવસે ૬૫થી૭૦ ટકા અને ઘણી સ્કૂલોમાં તો ૭૫ ટકાથી વધુ હાજરી નોંધાઈ

0
53
ધો.૧૦માં કુલ ૧૩૮૧ સરકારી સ્કૂલોમાંથી ૭૧૬ ખુલી હતી અને જેના ૩૧૭૨૮ વિદ્યાર્થીમંથી ૧૨૩૧૬ વિદ્યાર્થી હાજર રહ્યા હતા
ધો.૧૦માં કુલ ૧૩૮૧ સરકારી સ્કૂલોમાંથી ૭૧૬ ખુલી હતી અને જેના ૩૧૭૨૮ વિદ્યાર્થીમંથી ૧૨૩૧૬ વિદ્યાર્થી હાજર રહ્યા હતા

અમદાવાદ : કોરોનાકાળમાં અંતે ૨૯૦ દિવસ બાદ ગુજરાતમાં આજથી સ્કૂલો વિદ્યાર્થીઓ માટે ખુલી હતી અને ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓને સ્કૂલોમાં કલાસરૃમ શિક્ષણ માટે બોલાવવામા આવ્યા હતા.આટલા બધા દિવસો બાદ કલાસમમાં શિક્ષકો સામે રૃબરૃ ભણી અને મિત્રોને મળીને વિદ્યાર્થીઓના ચહેરા પર અનેરો આનંદ દેખાતો હતો જ્યારે શિક્ષકોને પણ વિદ્યાર્થીઓને રૃબરૃ ભણાવીને ભારે ખુશી થઈ હતી.વાલીઓમાં રાહતનો અહેસાસ અને સ્કૂલોમાં ઉત્સાહ દેખાયો હતો.પ્રથમ દિવસે રાજ્યમાં એકંદરે ૫૦ ટકાથી ઓછી સ્કૂલો ખુલી હતી અને વિદ્યાર્થીઓની હાજરી ૪૦ ટકાથી વધુ નોંધાઈ હતી.કોરોનાને લીધે ગત ૧૬ માર્ચથી રાજ્યમાં સ્કૂલો બંધ હતી.રાજ્યમાં કોરોનાની સ્થિતિ ઘણે અંશે કાબુમાં આવી જતા અને દૈનિક કેસોમાં પણ ભારે ઘટાડો નોંધાતા સરકારની મંજૂરી બાદ અંતે આજે ધો.૧૦-૧૨ની સ્કૂલો ખુલી હતી. ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાના હોવાથી તેમજ ફાઈનલ બોર્ડ પરીક્ષા પહેલા થોડુ કલાસરૃમ શિક્ષણ આપવુ પડે અને સાયન્સના સ્ટુડન્ટસને પ્રેક્ટિકલ કરાવવુ પડે તેમ હોવાથી સ્કૂલો ખોલવી પણ હવે જરૃરી હતી. વાલીઓમાં થોડો ખચકાટ હતો પરંતુ તેમ છતાં મોટા ભાગના અનેક વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવા સંમંતિ આપી હતી. અમદાવાદ,સુરત,રાજકોટ, વડોદરા સહિતના મોટા શહેરોની ખાનગી સ્કલોમાં ૬૫થી૭૦ ટકા અને ઘણી સ્કૂલોમાં તો ૭૫ ટકાથી વધુ હાજરી નોંધાઈ હતી. જો કે ઓવરઓલ રાજ્યની તમામ સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી  સ્કૂલોમાં ૪૦ ટકાથી વધુ હાજરી નોંધાઈ હતી. જ્યારે ૫૦ ટકાથી ઓછી સ્કૂલો આજે પ્રથમ દિવસે ખુલી હતી. સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ દિવસે તમામ જિલ્લામાંથી મંગાવાયેલા આંકાડના રિપોર્ટ મુજબ ધો.૧૦માં  કુલ ૧૩૮૧ સરકારી સ્કૂલોમાંથી  ૭૧૬ ખુલી હતી અને જેના ૩૧૭૨૮ વિદ્યાર્થીમંથી ૧૨૩૧૬ વિદ્યાર્થી હાજર રહ્યા હતા. ગ્રાન્ટેડમાં ૫૨૭૮માંથી ૨૪૧૧ સ્કૂલો ખુલી અને ૨૬૦૭૭૩ વિદ્યાર્થીમાંથી ૮૯૨૧૫ વિદ્યાર્થી હાજર રહ્યા હતા. ખાનગી સ્કૂલોમાં  રાજ્યની ૨૮૦૯ સ્કૂલોમાંથી ૪૮૬  ખુલી હતી અને  ૨૪૮૯૯ વિદ્યાર્થીમાંથી ૧૦૨૯૪ વિદ્યાર્થી  હાજર રહ્યા હતા. ધો.૧૨માં  નોંધાયેલી સરકારી ૧૩૮૧ સ્કૂલમાંથી૧૨૯૨ અને ગ્રાન્ટેડમાં ૫૨૭૮માંથી ૨૪૧૧ તથા ખાનગીમાં ૨૮૦૯માંથી ૪૮૬ સ્કૂલ ખુલી હતી. હાજરીમાં સરકારીમાં ૩૨૬૬૪માંથી ૧૩૬૮૫,ગ્રાન્ટેડમાં ૧૨૪૧૫ વિદ્યાર્થીમાંથી ૪૫૧૫૪ અને ખાનગીમાં ૨૩૭૦૭ વિદ્યાર્થીમાંથી ૯૫૯૬ વિદ્યાર્થી હાજર રહ્યા હતા ઓવરઓલ આજે રાજ્યની ૪ હજારથી વધુ સ્કૂલો ખુલી હતી અને ધો.૧૦માં ૧૧૧૮૨૫ તથા ધો.૧૨માં ૬૮૪૩૫ વિદ્યાર્થીઓ સહિત ૧.૮૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ૫૦ ટકાથી ઓછી સ્કૂલો ખુલી હતી અને ૪૦ ટકાથી વધુ હાજરી નોંધાઈ હતી.સરકારી-ગ્રાન્ટેડની સરખામણીએ ખાનગી સ્કૂલોમાં ઓછા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. પરંતુ મોટા શહેરની ઘણીખાનગી સ્કૂલોમાં ૭૦થી૮૦ ટકા હાજરી નોંધાઈ હતી.સ્કૂલોમાં થર્મલ ગન સ્કેનિંગ અને સેનેટાઈઝેશન સાથે વિદ્યાર્થીઓની ખાસ તકેદારી લવાઈ હતી તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વિદ્યાર્થીઓને આવવા અને જવા દેવાયા હતા. માત્ર ધો.૧૦-૧૨ના જ વિદ્યાર્થીઓ હોવાથી સ્કૂલો સારી રીતે મેનેજમેન્ટ પણ કરી શકી હતી.