શ્રી કૃષ્ણના જીવનનો પાવન મહિમા

0
128

શ્રી કૃષ્ણ એ માનીતા આરાધ્ય દેવ છે. ભારતના ગામેગામ શ્રી કૃષ્ણની અને રાધા-કૃષ્ણની વિવિધ અંગ ભંગી વાળી સુંદર મુતીઓ અને રંગીન આકર્ષક ફોટાઓભક્તિભાવથી પૂજાય છે. મહાભારતના યુદ્ધ વખતે કુરૂક્ષેત્રની ભૂમિમાં અર્જુનને થયેલ સમ્મોહને દુર કરીને એને યુદ્ધ માટે તૈયાર કરવા માટે તેમણે ગીતાનું જે જ્ઞાન આપ્યું એ શ્રીમદ ભગવદ ગીતા તરીકે વિશ્વમાં અમર થઇ ગયું.

ગીતા તમામ વેદો અને ઉપનિષદોનો સાર છે.સમગ્ર મહાભારતનું નવનીત મહર્ષિ વેદ વ્યાસે ગીતાના કુલ સાતસો શ્લોકો દ્વારા અર્જુનને નિમિત્ત બનાવીને વિશ્વને પીરસ્યું છે.ગીતા એ જીવન યોગ છે.જીવનના મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ ગીતાના સંદેશમાંથી મળી રહે છે.જીવન કેમ જીવવું એની કળા ગીતા આપણને શીખવે છે.

દરેક મનુષ્યની અંદર એક શંકાશીલ અર્જુન છુપાઈને બેઠેલો હોય છે.જ્યારે અર્જુન તત્વમાં યોગેશ્વર કૃષ્ણનું તત્વ ભળે એટલે જે જીવન સંગીતનું ગાન પ્રગટે એ જ ગીતા.કુરુક્ષેત્રના મેદાનની વચ્ચે રથ ઉભો રાખીને સારથી બનેલા શ્રી કૃષ્ણે સખા અર્જુનની શંકાઓનું નિવારણ કરતાં કરતાં અર્જુનને નિમિત્ત બનાવીને વિશ્વની માનવ જાતને જીવન જીવવા માટેની કળા માટેનો એક અણમોલ અને પ્રેરક સંદેશ આપ્યો છે.આવી રત્નાકર જેવી ગીતાની અંદર ડૂબકી મારી ઊંડેથી રત્નો પ્રાપ્ત કરીને એનું ગાન કરીએ અને જીવન સંગીત પ્રગટાવીએ.