સેન્સેક્સ 66656 વિક્રમ સર્જી અંતે 529 પોઈન્ટ ઉછળીને 66500ના નવા શિખરે

0
3

– નિફટી ૧૪૭ પોઈન્ટ વધીને ૧૯૭૧૧

– સ્મોલ કેપ, આઈટી, હેલ્થકેર શેરોમાં આકર્ષણ : FIIની રૂ.૭૩ કરોડની ખરીદી

ભારતીય શેર બજારો રોજ બરોજ જાણે કે નવા વિક્રમો સર્જવા ટેવાઈ ગયું હોય એમ વિક્રમી તેજીનો  દોર આગળ વધ્યો હતો. કોર્પોરેટ પરિણામોની સીઝનમાં આઈટી કંપનીઓના પરિણામો બાદ હવે બેંકિંગ જાયન્ટ એચડીએફસી બેંકના પ્રોત્સાહક રિઝલ્ટ જાહેર થતાં બેંકિંગ શેરોમાં શોર્ટ કવરિંગ સાથે લોકલ ફંડો, સંસ્થાઓની રોકેટ તેજી સાથે ચોમાસાની સારી પ્રગતિના પગલે ભારતીય શેર બજારોમાં ઐતિહાસિક તેજી આગળ વધી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં અવિરત ખરીદી ચાલુ રહી આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મોટાપાયે ખરીદી કરતાં સેન્સેક્સ ૬૭૦૦૦ તરફ અને નિફટી ૨૦૦૦૦ની  સપાટી ભણી આગળ વધી નવો ઈતિહાસ રચ્યો હતો. બેંકિંગ-ફાઈનાન્સ શેરો સાથે હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ, આઈટી શેરોમાં પસંદગીની લેવાલી જળવાઈ હતી. ઓટો શેરોમાં સિલેક્ટિવ પ્રોફિટ બુકિંગ થયું હતું. સેન્સેક્સ ૬૬૦૬૦.૯૦ સામે આજે આરંભથી જ તેજીમાં ઉપરમાં ૬૬૬૫૬.૨૧ નવી ઊંચાઈનો ઈતિહાસ રચી અંતે ૫૨૯.૦૩ પોઈન્ટ ઉછળીને ૬૬૫૮૯.૯૩ અને નિફટી સ્પોટ ૧૯૭૩૧.૮૫ની નવી ઐતિહાસિક ટોચ બનાવી અંતે ૧૪૬.૯૫ પોઈન્ટ વધીને ૧૯૭૧૧.૪૫ની નવી ઊંચાઈએ બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૫૬  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૬૮  અને ઘટનારની સંખ્યા ૧૬૦૬ રહી હતી.

બેંકેક્સ ૭૩૨ પોઈન્ટ ઉછળ્યો

બેંકિંગ-ફાઈનાન્સ ક્ષેત્રે ફંડોએ આજે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાનીએ આક્રમક તેજી કરી હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૬.૪૫ ઉછળીને રૂ.૬૦૦.૯૦ રહ્યો હતો. એચડીએફસી બેંક ત્રિમાસિક ચોખ્ખો નફો ૩૦ ટકા વધીને રૂ.૧૧,૯૫૧ કરોડ અને કુલ થાપણો ૧૯.૨ ટકા વધીને રૂ.૧૯.૧૩ લાખ કરોડ થતાં શેરમાં આક્રમક ખરીદીએ રૂ.૩૪ વધીને રૂ.૧૬૭૯.૨૦ રહ્યો હતો. ફેડરલ બેંક રૂ.૩.૧૦ વધીને રૂ.૧૩૨.૪૦, બેંક ઓફ બરોડા રૂ.૩.૨૦ વધીને રૂ.૨૦૧.૫૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૯.૮૫ વધીને રૂ.૧૮૯૮.૬૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૮ વધીને રૂ.૧૩૯૬.૨૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૦ વધીને રૂ.૯૭૧.૬૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૭૩૨.૩૩ પોઈન્ટ વધીને ૫૧૨૯૧.૯૫ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં ફરી ફંડો તેજીમાં આવ્યા 

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડો ફરી તેજીમાં આવી વ્યાપક ખરીદી કરી હતી. બ્લિસ જીવીએસ રૂ.૯.૯૬ ઉછળીને રૂ.૧૦૦.૫૭, પિરામલ ફાર્મા રૂ.૮.૮૬ વધીને રૂ.૧૦૧.૪૧, કેપલિન લેબ્સ રૂ.૧૦૮.૫૦ વધીને રૂ.૩૬૨૮.૦૫,  હેસ્ટર બાયો રૂ.૪૪.૧૦ વધીને રૂ.૧૭૨૪.૯૦, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૭.૪૦ વધીને રૂ.૨૯૧.૨૦, ડો. રેડ્ડીઝ લેબ રૂ.૧૩૩.૦૫ વધીને રૂ.૫૨૨૩.૪૦, ગુજરાત થેમીસ રૂ.૧૭.૩૫ વધીને રૂ.૭૭૭, નોવાર્ટિસ રૂ.૧૯.૨૫ વધીને રૂ.૮૭૯.૩૦, સ્ટ્રાઈડ ફાર્મા રૂ.૯  વધીને રૂ.૪૪૪.૮૦, ગ્લેક્સો રૂ.૨૬.૨૫ વધીને રૂ.૧૪૧૪ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૧૩.૧૪ પોઈન્ટ વધીને ૨૬૪૪૩.૦૮ બંધ રહ્યો હતો.

રિલાયન્સના ૨૧મીએ રિઝલ્ટ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ૩૦, જૂન ૨૦૨૩ના પૂરા થયેલા ત્રિમાસિક માટેના પરિણામ ૨૧, જુલાઈના જાહેર થનાર હોવા સાથે ફાઈનાન્શિયલ સર્વિસિઝ બિઝનેસનું જિયો ફાઈનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડ તરીકે ડિમર્જર થઈ રહ્યું હોવાના આકર્ષણે ફંડોની આક્રમક ખરીદી જળવાતાં શેર રૂ.૫૭.૫૦ ઉછળીને રૂ.૨૭૯૬.૪૦ બંધ રહ્યો હતો.

રોકાણકારોની સંપતિ  રૂ.૫.૦૭ લાખ કરોડ વધી

સેન્સેક્સ, નિફટી બેઝડ  ફંડોએ અવિરત વિક્રમી સાથે  ફંડો, મહારથીઓ, ઓપરેટરોએ શરોમાં  સતત ખરીદી કરતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૫.૦૭  લાખ કરોડ  વધીને રૂ.૨૩૦૩.૫૯ લાખ કરોડની નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયું હતું.

DIIની રૂ.૬૪ કરોડની ચોખ્ખી ખરીદી

એફઆઈઆઈઝ આજે-સોમવારે કેશમાં રૂ.૭૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની કેશમાં રૂ.૬૪.૩૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી.