હોળીના દિવસે જ ગાજવીજ સાથે વરસાદ, વાતાવરણે ‘રંગ’ બદલ્યો

0
10

વરસાદથી હોલિકા દહનના રંગમાં ભંગ પડયો

-ધૂળની ડમરી સાથે પવન ફૂંકાયો : ધૂળેટી વખતે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરતમાં વરસાદની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી અમદાવાદ સહિત રાજ્યભરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ફાગણી પૂનમ નિમિત્તે હોલિકા દહનની તૈયારીઓ અંતિમ તબક્કામાં હતી તો ક્યાંક હોલિકા દહન થઇ પણ ગયું હતું ત્યાં જ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. હોળીના તહેવાર વખતે જ વરસાદ પડયો હોય તેવું વર્ષો બાદ બન્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૩ દિવસ માવઠાની સંભાવના છે.

અમદાવાદમાં આજે બપોર સુધી સામાન્ય વાતાવરણ હતું. પરંતુ  સાંજ પડતાં જ વાતાવરણમાં નાટયાત્મક પરિવર્તન આવ્યું હતું. જેના કારણે બપોરે ઉનાળો અને સાંજે ચોમાસું એમ કુદરતે સ્વિચ પાડીને વાતાવરણ બદલ્યું હોય તેવું ચિત્ર ઉભું થયું હતું. હોળીના પર્વ નિમિત્તે હોળાષ્ટકની તૈયારીઓ પણ પૂર્ણ થઇ ગઇ હતી અને ત્યાં જ વાતાવરણ પલટાયું હતું. જેના કારણે અનેક લોકોને છત્રી રાખીને હોળીના દર્શન કરવા પડયા હતા. હોળી પ્રગટાવાઇ હતી ત્યાં  ઠેકઠેકાણે પાણી પણ ભરાયા હતા. વરસાદ પડતાં કેટલાક સ્થળોએ છાણા પલળી જતાં હોલિકા દહનનું આયોજન બીજા દિવસ માટે સ્થગિત કરવાની પણ ફરજ પડી હતી.

અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ૩૭.૬ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો થયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદમાં ૩૫થી ૩૭ ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન રહેવાની સંભાવના છે. જોકે, ૧૧ માર્ચથી ગરમીમાં ખૂબ જ વધારો થવાની સંભાવના છે. આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૫૨ ટકા નોંધાયું હતું. આજે ૩૮.૩ ડિગ્રી સાથે ભૂજમાં સૌથી વધારે ગરમી નોંધાઇ હતી  જ્યારે રાજકોટમાં ૩૮.૨ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. મંગળવારે  બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, જુનાગઢ, દીવ, ડાંગ, સુરત, તાપી, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. માવઠાને લીધે કેરી, ઘઉં સહિતના પાકને ખૂબ જ નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે.

આગામી ૩ દિવસ ક્યાં વરસાદની આગાહી?

૭ માર્ચ : બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, જુનાગઢ, દીવ, ડાંગ, સુરત, તાપી, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી.

૮ માર્ચ : અમદાવાદ, ગાંધીનગર, ડાંગ, સુરત, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર.

૯ માર્ચ : અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, ડાંગ.