બૉલીવૂડના સંગીત જગતમાં દાયકાઓ સુધી રાજ કરનાર કોકીલકંઠી ગાયિકા લતા મંગેશકરની ગાયિકીના તાજેતરમાં૭૯ વર્ષ પૂરાં થયાં. તેમણે ૭૯ વર્ષ પહેલાં ૧૬મી ડિસેમ્બર, ૧૯૪૧માં પ્રથમ વખત રેડિયો પર ગીતો ગાવાની શરૂઆત કરી હતી.તેમણે પોતે જ ટ્વિટર પર આ જાહેરાત કરીને તેમના ચાહકોને જાણ કરી છે. તેમણે જ્યારે રેડિયો પર પ્રથમ વખત ગાયું ત્યારે તેમના પિતા દીનાનાથ મંગેશકરે શું પ્રતિભાવ આપ્યો હતો તેની પણ વાત કરી હતી. રેડિયો પર તે દિવસે તેમણે બે ગીતો ગાયા હતા.આથી જાણીતા શાસ્ત્રીય ગાયક અને થિયેટર અભિનેતા એવા તેમના પિતા દીનાનાથે તેમની પુત્રીના ગીતો સાંભળીને લતાજીના માતાને કહ્યું કે તેઓ લતાના ગીતોથી બહુ ખુશ થયા છે અને હવે તેમને તેમની પુત્રીના ભવિષ્યની ચિંતા નથી. અને તેમને જાણે અગમવાણી થઇ હોય તેવું જ બન્યું.તેમને ૧૯૪૮માં મજબૂર ફિલ્મમાં પ્રથમ બ્રેક મળ્યો અને તેમાં તેમણે ‘દિલ મેરા તોડા’ ગીત ગાયું હતું. પરંતુ તેમને ખરેખરી લોકપ્રિયતા તો ૧૯૪૯માં આવેલી ફિલ્મ ‘મહલ’ના ગીત ‘આયેગા આનેવાલા’થી મળી. તે પછી તો તેમણે હિન્દી સહિત ૩૬થીયે વધારે ભારતીય ભાષાઓમાં હજારો ગીતો ગાયા અને તેમને ભરપૂર લોકપ્રિયતા મળી.તેઓ ભારતના નંબર વન ગાયિકા કહેવાયા.