80 વર્ષનાં આ દાદીનાં પેઇન્ટિંગ્સ ઇટલીના એક્ઝિબિશનમાં મુકાયાં

0
23

મધ્ય પ્રદેશના ઉમરિયા જિલ્લાના લોઢા ગામમાં રહેતાં ૮૦ વર્ષનાં જોધૈયાબાઈ બૈગાએ બનાવેલાં ચિત્રોનું એક્ઝિબિશન ઇટલીના મિલાન શહેરમાં યોજાયું છે. માજીએ હજી અગિયાર વર્ષ પહેલાં જ આશીષ સ્વામી નામના ગુરુ પાસેથી તાલીમ લેવાની શરૂ કરેલી. જોધઇયા બાઈ કશું જ ભણ્યાં નથી, પરંતુ હાલમાં તેમના ચિત્રોનું પ્રદર્શન વિદેશો અને ખાસ તો ફૅશન અને કળા માટે જાણીતા ઇટલીના મિલાન શહેરમાં પહોંચ્યું છે. આ એક્ઝિબિશન ૧૧ ઑક્ટોબર સુધી ચાલવાનું છે. નવાઈની વાત એ છે કે આ એક્ઝિબિશનમાં બીજાં પણ ઘણા કલાકારોના ચિત્રો રજૂ થવાનાં છે અને એની આમંત્રણ પત્રિકાના લેટરના કવર પેજ પર આ દાદીનું ચિત્ર મૂકવામાં આવ્યું છે.

૪૦ વર્ષ પહેલાં તેમણે પતિનો સાથ ગુમાવ્યો એ પછી પરિવારનો નિભાવ ખર્ચ કરવાની તેમની પાસે કોઈ જોગવાઈ નહોતી. કોઈકે તેને કહ્યું કે પારંપરિક ‌ચિત્રો બનાવવાનું કામ કરીને પણ તે પૈસા કમાઈ શકશે અને બાળકોને સંભાળી શકશે. બસ, તેણે હાથમાં પેઇન્ટિંગ બ્રશ ઉઠાવી લીધું. તેને જે સૂઝ્યું એ ચીજોના ચિત્રો બનાવવા શરૂ કર્યાં. જંગલી પશુઓ, કુદરતી દૃશ્યો, રોજબરોજમાં જોવા મળતી ઘટનાઓ એમ તેણે પોતાની કલ્પનાને ચિત્ર રૂપે કંડારવાનું શરૂ કર્યું. એ પછી તેણે આશીષ સ્વામી પાસે જઈને શીખવાનું પણ શરૂ કર્યું. હવે તો તેઓ આખો દિવસ પેઇન્ટિંગ સિવાય કશું જ કરતાં નથી.

ઇન્ટરનૅશનલ સ્તરે તેનાં ચિત્રો વખણાઈ રહ્યા છે એ માટે બહેન ખુશખુશાલ છે. આ માજીને જોઈને આદિવાસીઓ માટે કાર્યરત કાર્યકરોનું કહેવું છે કે હજીયે આદિવાસીઓ પાસે પૂરતું શિક્ષણ નથી, પરંતુ તેમની પાસે જે કળા છે એ કાબિલેદાદ છે. આ દાદીને જોઈને સમાજના બીજા લોકોને પણ પ્રેરણા મળશે એવી આશા છે.