‘રશિયા-ટુડે”ના મુખ્ય સંપાદિકા, માર્ગારીટા સીમોનિયાનાએ લખ્યું છે કે જો નાટો નહી સમજે તો પુતિન ”એન્ડ-ગેઈમ” શરૂ કરી દેશે. એક દિવસ આપણે જાગીશું ત્યારે જાણવા મળશે કે પુતિને રાત્રે જ ”અલ્ટીમેટમ” આપી દીધું છે.
એક વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહેલા આ મહાયુદ્ધમાં હવે યુક્રેનની સેના રશિયા ઉપર ભારે પડી રહી છે. કીવ અને બખમુન જેવા મોટા શહેરો કે જ્યાં પહેલા રશિયન સેનાનો હાથ ઉપર હતો. ત્યાં યુક્રેની સેનાનો હાથ ઉપર આવી રહ્યો છે. યુક્રેની સેના તે વિસ્તારો પાછા મેળવી રહી છે; તેટલું જ નહીં પરંતુ, તે વળતા હુમલા પણ કરી રહી છે. આ જાણી રશિયામાં પણ હડકંપ મચી ગયો છે. તેમ યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે.
રશિયન મીડીયા સતત દાવો કરી રહ્યું છે કે ”નાટો” દેશોની મદદથી યુક્રેનને વિસ્ફોટકો (દારૂગોળો) અને શસ્ત્રો મળી રહ્યા છે. તેને લીધે જ તે રશિયન સેના પર હુમલા કરી રહ્યું છે પરંતુ હવે નાટો સમજશે નહીં તો વ્લાદીમીર પુતિન ”એન્ડ-ગેઈમ” શરૂ કરી દેશે. એક સવારે આપણે જાગીશું ત્યારે જાણવા મળશે કે પુતિને રાત્રે જ ”અલ્ટીમેટમ” આપી દીધું છે.
ન્યૂઝ-વીકના જણાવ્યા પ્રમાણે ”રશિયા-ટુડે”ના મુખ્ય સંપાદિકા માર્ગારીટા સીમોનિયાનાનું કહેવું છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન યુક્રનને મદદ કરવા માટે ”નાટો” દેશો સામે તત્કાલ હુમલા કરવાનો આદેશ આપી શકશે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ફેબુ્રઆરી મહિનામાં જ્યારે રશિયાએ યુક્રેન ઉપર આક્રમણ શરૂ કર્યું ત્યારથી ”નાટો” રાષ્ટ્રો સહિત પશ્ચિમના દેશો રશિયાની સામે મેદાને પડી ગયા છે. તેમણે રશિયા અને પુતિન પર કેટલાયે પ્રતિબંધો મુક્યા છે. રશિયાના સરકારી મીડીયાના માર્ગારીટા સીમોનિયાના જણાવે છે કે હવે ટુંક સમયમાં જ પુતિન યુક્રેનને મળતી મદદ અંગે ”અલ્ટીમેટમ” આપી દેશે.
પુતિનને લાગે છે કે ”યુક્રેનને શસ્ત્રો આપવા તે રશિયા સામે જ યુદ્ધમાં ઉતરવા સમાન છે. એક સવારે જાગીશું ત્યારે જાણવા મળશે કે રાત્રે જ પુતિને અલ્ટીમેન્ટમ આપી દીધું છે. જે વિમાન મથકોએથી તેમજ બંદરોએથી શસ્ત્રો મોકલાય છે. તેને ટાર્ગેટ બનાવાશે.”
આ સાથે તેઓએ ભારપૂર્વક કહ્યું હતું કે કોઈ અલ્ટીમેટમ આપ્યા સિવાય પણ તે ઘોષણા કરવાનો રશિયાને અધિકાર છે. નાટો દેશો રશિયાના નિશાન ઉપર છે.
આ માહિતી યુક્રેનના આંતરિક બાબતોના મંત્રીના સલાહકાર એન્ટોન ગેરાશ્યેન્કોએ ટ્વિટર ઉપર આપી હતી.
બીજી તરફ માર્ગારીટા યુદ્ધના પ્રારંભથી જ આવી વાતો કરી રહ્યા છે. યુક્રેનના ”પૂર્ણ-વિનાશ” અને ”પરમાણુ હુમલા”ની પણ તેમણે વકીલાત કરી હતી.