– પાંચ વર્ષમાં ચીનની મુલાકાત લેનારા પહેલા નેતા
– ચીન-અમેરિકાના દ્વિપક્ષીય સંબંધો સુધારવા અને તંગદિલી ઓછી કરવા વિવિધ સ્તરે સંવાદ શરૂ રાખવા બંને નેતાઓ સહમત
ચીનની મુલાકાતે ગયેલા અમેરિકન વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે બંને દેશોના સંબંધો સુધારવા માટે સહમતી થઈ હતી. તાઈવાન મુદ્દે ચીન કોઈ બાંધછોડ નહીં કરે એવું પણ ચીનના પ્રમુખે અમેરિકન વિદેશ મંત્રીને સ્પષ્ટ કહ્યું હતું. બંને દેશોના નેતાઓ વચ્ચે કરારો થયા હતા, પરંતુ એ બાબતે વધુ માહિતી જાહેર કરવામાં આવી ન હતી.
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કન ચીનની મુલાકાતે પહોંચ્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં ચીનની મુલાકાતે જનારા બ્લિન્કન પ્રથમ નેતા છે. અગાઉ તેમની ચીન મુલાકાત યોજાવાની હતી, પરંતુ ચીનની સ્પાય બલૂન અમેરિકામાં તોડી પડાયા તે વખતે ફેબુ્રઆરીમાં યાત્રા રદ્ થઈ હતી. ચીનની મુલાકાત દરમિયાન બ્લિન્કને ચીનની વિદેશ મંત્રી કિન ગોંગ સાથે સાડા સાત કલાક લાંબી ચર્ચા કરી હતી. તાઈવાન, દ્વિપક્ષીય વેપાર, માનવ અધિકાર અને સાઈબર સુરક્ષા સહિતના વિવિધ મુદ્દે થયેલી ચર્ચા બાદ અમેરિકન વિદેશ મંત્રીની મુલાકાત ચીનની પ્રમુખ શિ જિનપિંગ સાથે થઈ હતી.
જિનપિંગે કહ્યું હતું કે બાલીમાં બાઈડેન સાથે જે મુલાકાત થઈ હતી અને એમાં બંને પક્ષે જે સમજૂતિ થઈ હતી એ પ્રમાણે જ ચીન આગળ વધી રહ્યું છે. કેટલાક મુદ્દે બંને દેશો વચ્ચે તંગદિલી અને ગૂંચ છે તે ઉકેલવાના પ્રયાસો શરૂ થયા છે. બે દેશો વચ્ચેનો સંવાદ હંમેશા ગંભીરતાથી અને સન્માનથી થવો જોઈએ. મને આશા છે કે બ્લિન્કનની ચીન યાત્રાથી બંને દેશોના સંબંધોમાં હકારાત્મક અસર થશે.
ચીને તાઈવાન મુદ્દે કોઈ જ બાંધછોડ ન કરવાની સ્પષ્ટતા કરી હોવાનું પણ અહેવાલોમાં કહેવાયું હતું. ચીને વન ચાઈના પૉલિસીને વળગીને સંબંધો સુધારવા પર ભાર મૂક્યો હતો. અમેરિકન વિદેશ મંત્રીએ બંને દેશોના સંબંધો સુધારવાને પ્રાથમિકતા આપી હતી. બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં વેપાર અને આયાત-નિકાસને નવી ઊંચાઈએ પહોંચાડવાની કટિબદ્ધતા અમેરિકાએ રજૂ કરી હતી. બંને પક્ષે દ્વિપક્ષીય સંબંધોમાં તંગદિલી ઘટાડીને સંબંધો સુધારવા પર વિશેષ ભાર અપાયો હતો.
બીજી તરફ બ્રિટનના સુરક્ષા મંત્રીએ તાઈવાનના ડિજિટલ મંત્રી સાથે કરેલી વાતચીતથી ચીન છંછેડાયું છે. બ્રિટન સ્થિત ચીની દૂતાવાસે ચીન-તાઈવાનના મંત્રીઓ વચ્ચે થયેલી વાતચીતનો વિરોધ નોંધાવ્યો હતો અને તેને આંતરરાષ્ટ્રીય સંબંધોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. ચીનના ડિજિટલ મંત્રી ઓડ્રે ટેંગ બ્રિટનની મુલાકાતે આવ્યા છે અને એ દરમિયાન એની મુલાકાત બ્રિટનના સુરક્ષા મંત્રી ટોમ તુર્ગેદત સાથે થઈ હતી. બંને નેતાઓ વચ્ચે સુરક્ષાના બાબતે અને તાઈવાનના સાર્વભૌમત્વ બાબતે ચર્ચા થઈ હતી. તેનાથી ચીન લાલઘૂમ થયું હતું.
ચીનના વડાપ્રધાન લી કિયાંગ જર્મની અને ફ્રાન્સની મુલાકાતે
ચીનના નવા પ્રીમિયર (વડાપ્રધાન) લી કિયાંગનો યુરોપપ્રવાસ શરૂ થયો હતો. પ્રીમિયર બન્યા બાદ પહેલી વખત વિદેશયાત્રાએ ગયેલા લી કિયાંગ જર્મનીના બર્લિનમાં પહોંચ્યા હતા. ક્લાઈમેટ ચેન્જ ઉપરાંત તાઈવાન, યુક્રેન જેવા મુદ્દે લી કિયાંગ જર્મની અને ફ્રાન્સના નેતાઓ સાથે ચર્ચા કરશે. લીની સાથે ચીનના વિદેશ મંત્રીઓનો કાફલો જર્મનીથી ફ્રાન્સ જશે. યુરોપ ચીન પરની નિર્ભરતા ઘટાડવા પ્રયાસો કરે છે એ દરમિયાન યોજાયેલી લી કિયાંગની મુલાકાત બહુ મહત્ત્વની બની રહેશે. જર્મની અને ફ્રાન્સ સાથે દ્વિપક્ષીય વેપાર સંબંધો વધુ મજબૂત બનાવવા માટે કેટલાક કરારો થાય એવી પણ શક્યતા છે. લી કિયાંગ બંને દેશોમાં સરકારના સર્વોચ્ચ વડા સહિતના ટોચના નેતાઓ સાથે સાત બેઠકો કરશે. લી કિયાંગે માર્ચમાં ચીનના પ્રીમિયરનો ચાર્જ સંભાળ્યો હતો. ચીનમાં પ્રમુખ પછી પ્રીમિયર બીજા નંબરનો મહત્ત્વનો હોદ્દો ગણાય છે. તે વડાપ્રધાનના સમકક્ષ દરજ્જો છે.