મુંબઇ : શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી ટૂ’નાં પોસ્ટરમાં અમેરિકી સીરિઝ ‘સ્ટ્રેન્જર થિંગ્સ ટૂ’ની બેઠી નકલ કરાઈ હોવાનું લોકોએ શોધી કાઢ્યું છે. આ પછી બંને પોસ્ટર બાજુ બાજુમાં મૂકીને લોકો બેફામ ટીકાઓ કરી હતી. અમેરિકી સીરિઝ ૨૦૧૭માં રીલિઝ થઈ હતી. લોકોએ તરત જ તેનું પોસ્ટર રજૂ કરીને ટીકા કરી હતી કે ‘સ્ત્રી ટૂ’ના સર્જકો આઇડિયાની કોપી કરવા માટે સાત વર્ષ પાછળ ગયા છે. કેટલાક લોકોએ એવી ટીકા પણ કરી હતી કે પોસ્ટરમાં કોપી થઈ છે હવે વાર્તા કે કોઈ સીનમાં પણ ક્યાંકથી કોપી ન થઈ હોય તેવી અપેક્ષા રાખીએ. બોલીવૂડમાં હોલીવૂડનાં પોસ્ટર્સની નકલ કરવાનો સિલસિલો બહુ જૂનો છે. કેટલીય ફિલ્મોમાં બેઠે બેઠા સીન પણ તફડાવાતા હોય છે. જોકે, હવે સોશિયલ મીડિયાના કારણે ચકોર દર્શકો આ ચોરી તરત જ પકડી પાડે છે.