
ભારતની અગ્રણી ટેનિસ-બોલ T10 ટુર્નામેન્ટ ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) એ જાહેરાત કરી છે કે સિઝન 3 માટે ખેલાડીઓની હરાજી 9 ડિસેમ્બરે મુંબઈમાં યોજાશે. આ સાથે જ વધુ એક બ્લોકબસ્ટર સિઝન માટે ઉત્સાહ અને અપેક્ષા વધી રહી છે. લીગની વધુ મોટી, વધુ સારી અને બોલ્ડ એડિશન માટે આઠ ફ્રેન્ચાઇઝી તેમની ટીમો બનાવવાની તૈયારી કરી રહી છે ત્યારે 101 શહેરોમાં 408 ખેલાડીઓ હરાજી હેઠળ આવશે. સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં સિઝન 3 યોજાશે જે 9 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી, 2026 સુધી શરૂ ચાલશે.
આકરી પરીક્ષાઓ બાદ કુલ 400 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 30 જેટલા અંડર-19 પ્રતિભાશાળી ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આઠ ટીમોમાંથી દરેક ટીમ હરાજીમાં સામેલ થવા માટે હાલના સિઝન 3 રજિસ્ટર્ડ પૂલમાંથી એક ખેલાડીને સ્કાઉટ પિક તરીકે પસંદ કરશે, જેનાથી કુલ પૂલ સાઇઝ 408ની થશે.
ખેલાડીઓને છ કેટેગરીઝમાં વિભાજિત કરવામાં આવશે: અંડર-19, પશ્ચિમ ઝોન, પૂર્વ ઝોન, મધ્ય ઝોન, દક્ષિણ ઝોન અને ઉત્તર ઝોન. દરેક ખેલાડી રૂ. 3 લાખની બેઝ પ્રાઇઝ સાથે હરાજીમાં પ્રવેશ કરશે. એક મોટો વધારો એ છે કે પર્સ રૂ. 1 કરોડથી વધારીને રૂ. 1.5 કરોડ કરવામાં આવ્યું છે, જ્યારે ટીમની સાઇઝ 16થી વધારીને 18 કરવામાં આવી છે. વધુ વ્યૂહાત્મક ગહનતા ઉમેરતા, ફ્રેન્ચાઇઝીઓ “ગુગલી પાવર” નો ઉપયોગ કરી શકશે, જે એક અનોખી વીટો પદ્ધતિ છે જેમાં હાઇ-ઇન્ટેન્સિટી ધરાવતા બિડીંગના જંગ દરમિયાન રૂ. 1 લાખની એકાએક બોલી વધારી શકાશે. ગત સિઝનની છ ટીમો પાસે બે આરટીએમ કાર્ડ હશે, જેનાથી તેઓ તેમની સિઝન 2ના ખેલાડીઓ પર સૌથી વધુ બોલી સાથે મેચ કરી શકશે અને હરાજી દરમિયાન તેમને ફરીથી મેળવી શકશે.
ફ્રેન્ચાઇઝ માલિકો કોઈપણ ખેલાડી માટે મહત્તમ મર્યાદા વિના બોલી લગાવી શકે છે અને દરેક ટીમે દરેક ઝોનમાંથી ઓછામાં ઓછા બે ખેલાડીઓ પસંદ કરવા પડશે જેમાં રિટેન કરેલા ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. સ્ક્વોડમાં ઓછામાં ઓછા બે અંડર-19 ખેલાડીઓ હોવા જોઈએ, જેમાં દરેક મેચમાં એક અંડર-19 ખેલાડી અને દરેક ઝોનમાંથી એક ખેલાડી પ્લેઇંગ ઇલેવનનો ભાગ હોવો જરૂરી છે. વધુમાં, સિઝન 3 દરમિયાન તમામ 18 સ્ક્વોડ સભ્યોએ ઓછામાં ઓછી એક મેચ રમવી આવશ્યક છે.


