
અમદાવાદ: અમદાવાદ DCB પોલીસ દ્વારા વર્ષ 2019માં ઝડપાયેલા ગાંજા કૌભાંડ કેસમાં NDPSની વિશેષ અદાલતે કડક ચુકાદો આપ્યો છે. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPS વિશેષ અદાલતના જજ વી.બી. રાજપૂતે ચાર આરોપીઓને 15 વર્ષની સખત કેદ અને પ્રતિ આરોપી 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.આ કેસ ઓગસ્ટ 2019માં નોંધાયો હતો. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતા અબ્દુલ ઈમરાન શેખ અને નૌમાન શેખ તેમજ ઓરિસ્સાના સુનિલ મલિક અને સુશાંત બિસ્વાલ સામે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.કેસની વિગતો આપતા સરકારી વકીલ દિલીપસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે, પોલીસે આરોપીઓને રોપડા-વટવા રોડ પરથી કાર સાથે ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન ગાડીમાંથી અંદાજે 9.22 લાખ રૂપિયાની કિંમતનો કુલ 30.75 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીઓ સુરતથી અમદાવાદ તરફ ગાંજો લઈ જઈ રહ્યા હતા. પોલીસે વધુ પૂછપરછ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપીઓને સાથે રાખીને સુરતના માંગરોળ વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં દરોડો પાડતા ત્યાંથી 99.60 લાખ રૂપિયાની કિંમતનો 332 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે, આ જથ્થો ઓરિસ્સાથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં સંગ્રહ કરી ગુજરાતના વિવિધ શહેરોમાં સપ્લાય કરવાની તૈયારી હતી. ટ્રાયલ દરમિયાન દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓના આધારે તેમજ સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોરની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવી કડક સજા ફટકારી છે.


