હોસ્પિટલ ક્ષેત્રમાં માત્ર વિસ્તરણ અથવા કદ વધારવાથી જ વિકાસ થતો નથી, પરંતુ દર્દીઓને આપવામાં આવતી સારવાર કેટલી જટિલ અને ઉચ્ચ સ્તરની છે તે પણ એટલું જ મહત્વનું છે. પારસ હેલ્થકેરે તેની ક્લિનિકલ કામગીરીને કાર્ડિયાક સાયન્સીસ, ઓન્કોલોજી, ન્યૂરોસાયન્સીસ, ગેસ્ટ્રો સાયન્સીસ, ઓર્થોપેડિક્સ અને સ્પોર્ટ્સ ઇન્જરી તેમજ રેનલ સાયન્સિસ જેવી છ ઉચ્ચ વિશિષ્ટતા ધરાવતી સારવાર સેવાઓ પર આધારિત બનાવી છે. આ તમામને સામૂહિક રીતે CONGOR તરીકે ઓળખવામાં આવે છે.
આ તમામ સ્પેશિયાલિટી કંપનીની ટર્શિયરી અને ક્વાટર્નરી કેર વ્યૂહરચનાનો મુખ્ય આધારસ્તંભ છે અને છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષ દરમિયાન કામગીરીમાંથી મળતી કુલ આવકમાં સતત 70 ટકાથી વધુ યોગદાન આપતી રહી છે.
આ બાબત કંપનીની આવકની રચનામાં પણ સ્પષ્ટપણે જોવા મળે છે. નાણાંકીય વર્ષ 2026 દરમિયાન CONGOR સ્પેશિયાલિટીઓમાંથી રૂ. 11,996.35 મિલિયનની આવક થઈ હતી, જે કામગીરીમાંથી પ્રાપ્ત કુલ આવકના 74.70 ટકા જેટલી હતી. તેમાં ઓન્કોલોજી સૌથી મોટું યોગદાન આપતી સ્પેશિયાલિટી રહી હતી, જેનો હિસ્સો કુલ આવકમાં 21.63 ટકા હતો. ત્યારબાદ ન્યૂરોસાયન્સીસનો 13.03 ટકા, કાર્ડિયાક સાયન્સીસનો 12.78 ટકા, ઓર્થોપેડિક્સ અને સ્પોર્ટ્સ ઇન્જરીનો 10.75 ટકા, ગેસ્ટ્રો સાયન્સીસનો 8.30 ટકા અને રેનલ સાયન્સીસનો 8.21 ટકાનો હિસ્સો રહ્યો હતો. આ વિતરણ દર્શાવે છે કે કંપની કોઈ એક જ સારવાર ક્ષેત્ર પર નિર્ભર રહેવાને બદલે વિવિધ સ્પેશિયાલિટીઓ પર આધારિત મજબૂત માળખું ધરાવે છે.
કંપનીના જણાવ્યા મુજબ, આ સફળતાનું મુખ્ય કારણ જટિલ સર્જરીઓ અને અદ્યતન સર્જિકલ કાર્યક્રમો પર આપવામાં આવેલું વિશેષ ધ્યાન છે. તેના કારણે વધુ ગંભીર અને જટિલ દર્દીઓની સારવાર શક્ય બને છે અને તેના પરિણામે એવરેજ રેવન્યુ પર ઓક્યુપાઇડ બેડ (ARPOB)માં વધારો થાય છે. કંપનીના જણાવ્યા અનુસાર, ગુરુગ્રામ સ્થિત હોસ્પિટલમાં રોબોટિક સર્જરી, પ્રેશરાઇઝ્ડ ઇન્ટ્રાપેરીટોનિયલ એરોસોલ કીમોથેરાપી (PIPAC), એડવાન્સ્ડ ન્યૂરોસર્જરી અને આસિસ્ટેડ રીપ્રોડક્ટિવ ટેક્નોલોજી જેવી સેવાઓ વધુ આવક મેળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
પારસ હેલ્થકેર તેના સમગ્ર હોસ્પિટલ નેટવર્કમાં CONGOR ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા માટે નિષ્ણાંત ડોક્ટરોની ટીમનું પણ વિસ્તરણ કરી રહી છે. છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષ દરમિયાન કંપનીએ તેની વિવિધ હોસ્પિટલોમાં અનેક ઉચ્ચ સ્તરીય ક્લિનિકલ કાર્યક્રમો શરૂ કર્યા છે. જ્યાં દર્દીઓની માંગ છે અને સારવાર સંબંધિત ખામી જોવા મળે છે, ત્યાં નવી સ્પેશિયાલિટીઓ અને ક્લિનિકલ કાર્યક્રમો શરૂ કરવાની યોજના પણ કંપની ધરાવે છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે કંપનીએ શ્રીનગર સ્થિત હોસ્પિટલ માટે અદ્યતન નિદાન અને સ્ક્રીનિંગ સાધનો પૂરા પાડવા એક જાપાની મેડિકલ ડિવાઇસ ઉત્પાદક કંપની સાથે પણ ભાગીદારી કરી છે, જેથી તેની ક્લિનિકલ ક્ષમતાઓ વધુ મજબૂત બને.
કંપની વિશિષ્ટ સારવાર માટે જરૂરી ક્લિનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત રોકાણ પણ કરી રહી છે. નાણાંકીય વર્ષ 2025 અને 2026 દરમિયાન કંપનીએ નવા રેડિયેશન ઓન્કોલોજી કાર્યક્રમો શરૂ કર્યા હતા. તેના ભાગરૂપે રાંચી અને ઉદયપુર હોસ્પિટલોમાં LINAC મશીન સ્થાપિત કરવામાં આવ્યા હતા, જ્યારે પટના હોસ્પિટલમાં એક વધારાનું LINAC અને PET-CT સુવિધા શરૂ કરવામાં આવી હતી. કંપનીએ નાણાંકીય વર્ષ 2027 દરમિયાન શ્રીનગર હોસ્પિટલમાં પણ LINAC સ્થાપિત કરવાની યોજના જાહેર કરી છે.
બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, સોલિડ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન જેવી ક્વાટર્નરી કેર સેવાઓ હાલમાં કંપનીની પસંદગીની હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. ક્લિનિકલ માંગને આધારે તબક્કાવાર રીતે આ સેવાઓનું વિસ્તરણ કરવાની પણ યોજના છે. આ સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે કંપનીએ તેની ક્રિટિકલ કેર ક્ષમતામાં પણ વધારો કર્યો છે. 31 માર્ચ, 2024થી 31 માર્ચ, 2026 દરમિયાન આઈસીયુ બેડની સંખ્યા 425થી વધીને 559 થઈ હતી, જેના કારણે કંપની વધુ ગંભીર અને જટિલ દર્દીઓની સારવાર કરવાની ક્ષમતા વધુ મજબૂત બનાવી શકી છે.
