- ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ વધુ છે, ત્યારે જાહેર આરોગ્ય અને સરકારી આવક બંનેના રક્ષણ માટે તમાકુ પરના કરવેરા સાથે કડક અમલીકરણ પણ જરૂરી છે.
ગેરકાયદે તમાકુના વેપારમાં થયેલા વધારા બાદ માલદીવ્સે સિગારેટની આયાત જકાતમાં ૫૦%નો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સરકારે તમાકુ પરના ટેક્સ અને તેના કડક અમલીકરણ વચ્ચે કેવી રીતે સંતુલન જાળવવું તે અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. જાહેર આરોગ્ય અને નીતિ વિષયક નિષ્ણાતોનું કહેવું છે કે આ ઘટના ભારત માટે એક મહત્વપૂર્ણ પાઠ આપે છે: તમાકુ પરનો કરવેરા ત્યારે જ સૌથી વધુ અસરકારક સાબિત થાય છે જ્યારે તેને કડક અમલીકરણ, મજબૂત સપ્લાય-ચેઇન મોનિટરિંગ અને ગેરકાયદે વેપાર સામે સતત કાર્યવાહીનો સપોર્ટ મળે.
માલદીવ્સે તાજેતરમાં જ સિગારેટ પરની આયાત જકાત પ્રતિ પેક ૮ એમવીઆર થી ઘટાડીને ૪ એમવીઆર કરી દીધી છે. સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, અગાઉ ટેક્સમાં કરાયેલા વધારાને કારણે ગેરકાયદે તમાકુના બજારને પ્રોત્સાહન મળ્યું હતું, જેનાથી કાનૂની વેચાણ અને સરકારી આવક બંને ઘટી ગયા હતા. આ નિર્ણય તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચાયું છે કારણ કે માલદીવ્સને તમાકુ નિયંત્રણના ઉપાયો મજબૂત કરવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા ‘૨૦૨૪ વર્લ્ડ નો ટોબેકો ડે એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યું હતું.
માલદીવ્સના નાણાં અને આયોજન મંત્રી મૂસા ઝમીરે સંસદમાં બોલતા જણાવ્યું હતું કે, આ નિર્ણય ડબ્લ્યુએચઓ સાથેની ચર્ચા બાદ લેવામાં આવ્યો છે અને તેનો હેતુ વધતા ગેરકાયદે તમાકુના બજારને અટકાવવાનો છે, કારણ કે અગાઉ ટેક્સ વધવાથી ગ્રાહકો ગેરકાયદે પ્રોડક્ટ્સ તરફ વળ્યા હતા.
માલદીવ્સ એવા દેશોની યાદીમાં જોડાયું છે જેમણે આવી જ પડકારોનો સામનો કરવો પડ્યો છે. ભુતાને પણ વ્યાપક સ્મગલિંગને કારણે તમાકુ પરના પોતાના લાંબા સમયના પ્રતિબંધમાં છૂટછાટ આપવી પડી હતી. આ સિવાય, ઓસ્ટ્રેલિયામાં વિશ્વમાં સૌથી વધુ તમાકુ ટેક્સ હોવા છતાં, તે સંગઠિત અપ્રાધ સાથે જોડાયેલા ગેરકાયદે તમાકુના બજાર અને એક્સાઇઝ ટેક્સના મોટા નુકસાન સામે સતત લડી રહ્યું છે.
વિશ્વના સૌથી મોટા તમાકુ બજારોમાંથી એક એવા ભારત માટે આ અનુભવ એ વાત પર ભાર મૂકે છે કે ટેક્સ નીતિઓની સાથે અસરકારક અમલીકરણ હોવું અત્યંત જરૂરી છે. નિષ્ણાતો નોંધે છે કે ગેરકાયદે તમાકુ ઉત્પાદનો ટેક્સની ચોરી કરે છે, નિયમ મુજબની પેકેજિંગ અને આરોગ્ય ચેતવણીના નિયમોનું ઉલ્લંઘન કરે છે, અને ઘણીવાર કાનૂની ઉત્પાદનો કરતાં ખૂબ સસ્તા દરે વેચાય છે, જે જાહેર આરોગ્યના પ્રયાસો અને ટેક્સ પાલન બંનેને નબળા પાડે છે.
નવી દિલ્હીની મૌલાના આઝાદ મેડિકલ કોલેજના કમ્યુનિટી મેડિસિન વિભાગના પૂર્વ ડીન અને ડિરેક્ટર પ્રોફેસર ડૉ. નંદિની શર્માએ જણાવ્યું કે, “આંતરરાષ્ટ્રીય પુરાવા સતત દર્શાવે છે કે તમાકુનો વપરાશ ઘટાડવા માટે તમાકુ પરનો ટેક્સ એ સૌથી અસરકારક જાહેર આરોગ્ય પગલાંમાંથી એક છે. જોકે, ટેક્સ ત્યારે જ સૌથી વધુ અસરકારક નીવડે છે જ્યારે તેની સાથે કડક અમલીકરણ, સપ્લાય-ચેઇનનું નિરીક્ષણ અને ગેરકાયદે વેપાર સામે સમન્વયિત કાર્યવાહી કરવામાં આવે. એક વ્યાપક નીતિગત માળખાએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ગેરકાયદે બજારોને વધવાની તક આપ્યા વિના જાહેર આરોગ્યના લક્ષ્યો પ્રાપ્ત થાય.”
નિષ્ણાતો ભારપૂર્વક જણાવે છે કે ગેરકાયદે વેપારનો સામનો કરવા માટે ગુપ્ત માહિતી આધારિત કડક અમલીકરણ, મજબૂત સરહદી નિયંત્રણો, અસરકારક ટ્રેક-એન્ડ-ટ્રેસ સિસ્ટમ્સ અને તપાસ એજન્સીઓ વચ્ચે વધુ સારા સંતોષકારક સમન્વયની જરૂર છે.
નોઇડાની એપોલો હોસ્પિટલના ફેમિલી ફિઝિશિયન અને જાહેર આરોગ્ય નિષ્ણાત ડૉ. મીનાક્ષી એન. એ જણાવ્યું કે, “માલદીવ્સનો અનુભવ દર્શાવે છે કે તમાકુ પરનો ટેક્સ પુરાવા પર આધારિત હોવો જોઈએ અને તેને અસરકારક અમલીકરણનો ટેકો હોવો જોઈએ. જ્યારે ગેરકાયદે બજારોને ખીલવાની મંજૂરી આપવામાં આવે છે, ત્યારે તે જાહેર આરોગ્યના લક્ષ્યો અને સરકારી આવક બંનેને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, તમાકુ નિયંત્રણના પગલાંના હેતુઓ સિદ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે ટેક્સની સાથે અમલીકરણ મજબૂત કરવું એ નીતિગત પ્રાથમિકતા હોવી જોઈએ.”
દરેક દેશનું નીતિગત વાતાવરણ અલગ હોય છે, પરંતુ તાજેતરનો આંતરરાષ્ટ્રીય અનુભવ એક સામાન્ય સિદ્ધાંત પર ભાર મૂકે છે: માત્ર કરવેરાથી તમાકુ નિયંત્રણના શ્રેષ્ઠ પરિણામો મેળવી શકાતા નથી. ભારત માટે આ પ્રગતિ જાળવી રાખવા માટે યોગ્ય કરવેરા, કડક અમલીકરણ, નિયમોનું પાલન અને ગેરકાયદે વેપાર સામે નિર્ણાયક કાર્યવાહીને જોડતો એક સર્વગ્રાહી અભિગમ જરૂરી બનશે.
