દિવાળીનો તહેવાર સાવ નજીક છે, અને ધનવાનો ને તો જાણે રુપિયા વાપરવાનો મોકો મળ્યો હોય એમ પાણીની જેમ વહાવે છે! પણ ભારતીય સમાજની એક કડવી વાસ્તવિકતા એ છે 60% ઉપરની વસ્તી મિડલ ક્લાસમાં આવે છે અને તહેવારો આવે એટલે મન તો દરેક વર્ગના લોકોને થાય જ છે! કારણ કે મન તો બધાનાં સરખી જ ગતિ કરે છે, અને જમાનાની હવા તો સર્વત્ર ફેલાયેલી છે! અને એટલે કોઈ કોઈ શોખ કે ઈચ્છાથી નિતી ચૂકી જાય પણ બધાં એવાં નથી હોતાં એવો એક કિસ્સો.
વસુધા અને વિનય બંને એક સાવ સામાન્ય સ્થિતિનાં પણ સંતોષી દંપતી હતાં. દર આઠ દસ મહિના થાય એટલે ઘર બદલવું પડતું હોવાથી વસુધા ને પોતાનું ઘરનું ઘર કરવું હતું, એ માટે એ ખૂબ જ મહેનત કરતી હતી, અને લક્ષ્મીજી ને પ્રાર્થના કરતી હતી કે હે મહાલક્ષ્મી અમે સાવ સીધાસાદા અને સંસ્કારી અને સત્ય ઈમાનદારી ના માર્ગે ચાલવા વાળા છીએ ! છતાં તું કેમ અમારી સામે નથી જોતી! ,પણ આવકમાં ફેર પડતો નહોતો અને એમ ઘર થોડું આવે! વિનય જૂની જમીન જાયદાદનો એક કેસમાં પોતાને સારી એવી રકમ મળશે, અને પછી પોતે ઘર લેશે અને બાળક પણ કરશે, એવી વિનયની ઈચ્છા હતી. કુદરતનું કરવું અને વિનય એ કેસ હારી ગયો, વકીલને ફી ચૂકવવામાં, આજીવિકાનું સાધન સમી નાનકડી એવી દુકાન હતી, એ પણ કાઢી નાખવી પડી. વિનય હવે શેરીએ શેરીએ લારીમાં ફેરી કરતો હતો જ્યારે વસુધા શેમ્પૂ, હેન્ડ વોશ, સેનેટરી પેડ, વગેરે જે જે વસ્તુઓનું માર્કેટિંગ કરવાનું હોય એવી કંપનીમાં રોજ ઉપર કામ કરતી હતી, આમ બંનેનો સંસાર ચાલ્યો જતો હતો. વસુધાએ વિનયને કહ્યું કે દીવાળી આવે છે, એટલે તમારે પણ થોડી આવક થઈ છે, અને મારે પણ થઈ છે, તો આ વખતે એ બચતમાંથી કંઈક કરીને પ્લાનિંગ કરીને મંગળસૂત્ર લેવું છે.

આવતી કાલથી ધન તેરસ એમ તહેવાર શરૂ થશે! અને આજે વસુધા એની ચાર પાંચ ફ્રેન્ડ સાથે, એક દૂરની સોસાયટીમાં કંપનીની પ્રોડક્ટ વેંચવા ગઈ હતી. બધા પસાર થતાં હતાં ત્યાં એક ઝાડ નીચે એક ઘરડા ડોશીમા બેઠાં હતાં અને એ ખાવાનું માંગતાં હતા! બાકીની ફ્રેન્ડ હસી મજાક કરતી ત્યાંથી પસાર થઈ ગઈ, પરંતુ વસુધાના પગ જમીન પર જડાઈ ગયાં, અને એને એ ઘરડા ડોશીમા ને જોઈ પોતાનું કોઈ સ્વજન હોય એવી લાગણી થઈ, આજનુ ટિફિન આમપણ ખવાયુ નહોતું એટલે એણે પોતાનો ડબ્બો કાઢ્યો, અને એ ડોશીમાને આપતા કહ્યું મા બહુ વધારે તો નથી, પણ જેટલું છે, એટલું તમે આજે ખાઈ લ્યો!; આમ તો થોડી મિનિટનો જ ફેર પડ્યો હશે, પરંતુ વસુધાની બધી ફ્રેન્ડ કંઈ બાજુ ગઈ! એનો ખ્યાલ એને આવતો જ નહોતો! થોડીવાર ઊભી રહ્યાં, પછી એ જમણી બાજુ ચાલવા લાગી. એ રસ્તો થોડો એકાંત વાળો હતો, પરંતુ સામે એક મોટી સોસાયટી દેખાતી હતી, અને વસુધાને આશા હતી, કે અહીં એને ઘણાં ઘરાક મળશે.
વસુધા થોડુંક ચાલી ત્યાં એને એક પર્સ મળ્યું! એને થયું લઉં કે ન લઉં! પછી તરત જ વિચાર આવ્યો કે હું નહીં લઉં તો કોઈક બીજું લઈ લેશે, એટલે એણે એ પર્સ લઈ લીધું, અને કદાચ ને કોઈ શોધવા આવે તો એમ વિચારી થોડીવાર ત્યાં ને ત્યાં ઉભી રહી!; પરંતુ લગભગ 20 મિનિટ થઈ છતાં કોઈ આવ્યું નહીં એટલે વસુધાએ આગળ ચાલવાં માંડ્યું! પણ માનવ સહજ કુતુહલ થયું, કે એ પર્સમાં શું હશે! કદાચ ને કોઈ આઈડેન્ટિટી મળી આવે તો, આ પર્સ એનાં સુધી પહોંચાડી દેવું જોઈએ. વસુધાએ પર્સ ખોલ્યું તો એમાં સોનાના દાગીના હતાં, અને ઉપરાંત પચ્ચીસ ત્રીસ હજાર જેવાં રોકડા રૂપિયા પણ હતાં. આટલી હેવી જ્વેલરીને જોઈને વસુધા ને ગભરામણ થઇ! અને થયું કે જ્યાંથી લીધું છે ત્યાં જ પાછું મુકી આઉં! ત્યાં પર્સમાં એને કોઈ આઈડેન્ટિટી કાર્ડ જેવું દેખાયું, એણે જોયું તો કોઈ અરુંધતી અગ્રવાલ નું નામ લખ્યું હતું, અને બીજું કાર્ડ એમાં એનું એડ્રેસનું પણ હતું! જે આ બાજુનો જ એરિયા હતો.
એણે આકાશમાં જોયું તો હવે સાંજ ઢળવા આવશે!; એટલે લાંબુ વિચાર્યા વગર ઉબેર કરી લીધી, અને એ એડ્રેસ પર પહોંચી ગઈ! એણે ડોર બેલ વગાડવા હાથ ઉંચો કર્યો! એનું દિલ ધક ધક થતું હતું! અને એમ પણ થતું હતું કે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે, ત્યારે હું મોઢું ધોવા જાઉં છું! પર્સ પાછું આપવાં પહેલાં એકવાર વિનય સાથે વાત કરી લઉં! પણ તરત જ એણે કમજોરી પર કાબુ મેળવ્યો, અને ડોર બેલ વગાડી. થોડીવારમાં એક મહિલા એ બારણું ખોલ્યું! એ કોઈ ગંભીર રોગથી પીડાતી હશે, એવું લાગતું હતું! એની વાત સાચી પડી એ તરત જ વોશરૂમ તરફ ગઈ, વસુધા પણ શું થયું! અને મદદનાં ઇરાદાથી એની પાછળ ગઈ, એ મહિલાને લોહીની ઉલટી થઈ! વસુધા એને બહાર સુધી દોરી આવી! અને પુછ્યુ કે હું 108 ને ફોન કરું? એણે ના કહી! અને કહ્યું મારી પાસે સમય નથી. વસુધા એ કહ્યું કે આપનું નામ અરુંધતી છે! એણે હકાર માં માથું હલાવ્યું. વસુધાએ પર્સ એની તરફ લંબાવીને કહ્યું કે મને આ પર્સ મળ્યું અને એમાં તમારાં નામનું આઇડેન્ટી કાર્ડ અને એડ્રેસ કાર્ડ પણ હતું એટલે હું આપવા આવી છું! એટલી વારમાં અંદર રુમમાંથી એક બાળકનાં રડવાનો અવાજ આવ્યો! એણે બેબસ નજરે વસુધા સામે જોયું વસુધા અંદર ગઈ, અને એક છ કે આઠ મહિનાની દીકરી રડતી હતી, એણે એને પ્રેમથી ઉંચકી લીધી. વસુધા ની સૂતેલી મમતા પણ જાગી ગઈ, અને એણે એને ખૂબ વહાલ કર્યું! એ તેને લઈને બહાર આવી! અરુંધતીએ કહ્યું કે આ મારી દીકરી અનન્યા છે, મારા સિવાય આ દુનિયામાં કોઈ નથી! મને લાગે છે ઈશ્વરે જ તને અહીં મોકલી છે, કારણકે હું હવે જીવીશ નહીં! મારી અંતિમ ઘડી આવી ગઈ છે! વસુધા એ કહ્યું દીદી એવું શું કામ બોલો છો? એણે વિનયને ફોન કર્યો અને આ એડ્રેસ પર આવવાં કહ્યું. થોડીવારમાં વિનય આવી ગયો, અરુંધતીએ ના પાડી પણ એમણે ડોક્ટરને ફોન કર્યો, અને ડોક્ટર આવ્યાં! એમણે કહ્યું કે હવે કંઈ થઈ શકે એમ નથી. અરુંધતી એ વસુધા ને પાસે બેસાડીને કહ્યું કે તે મને દીદી કહ્યું છે, તો તારી દીદી શાંતિથી આ દેહ છોડી શકે! એવું ઈચ્છે છે? તું મારી અનન્યાને દીકરી જેમ ઉછેરીશ? વસુધાએ હાં પાડી. એણે તાત્કાલિક વકીલને બોલાવી અને અનન્યા તથા પોતાનું ઘર અને બધી સંપત્તિ વસુધાને નામે કરી દીધી, અને અનન્યા ને વસુધાનાં ખોળામાં રમતી જોઈ,અરુંધતી એકદમ નિશ્ચિત થઈ ગઈ, અને ભગવાન સામે આભારથી જોઈ, આંખો બંધ કરી દીધી.
વસુધાની ઈમાનદારી એ તેને અને વિનયને જે એક નાના ઘરની અને બાળકની ઈચ્છા હતી, એ પૂરી કરી, અને ઉપરથી એક મંગળસૂત્રની બદલે આટલી સંપત્તિ પણ મળી!: અને આ ધન તેરસે તેને સાચે જ લક્ષ્મીની કૃપા થઇ.
ભાવના ભાટી (અમદાવાદ)
