લોહીનો ધંધો કરનારા પર સકંજો કસતાં કેન્દ્રનો મોટો નિર્ણય, બ્લડ બેન્કો ફક્ત પ્રોસેસિંગ ફી લઈ શકશે

0
11
નવા નિયમ અનુસાર ખાનગી બ્લડ બેન્કો કે હોસ્પિટલે મનફાવે તેવા પૈસા નહીં વસૂલી શકે

નવી દિલ્હી : દરેક વ્યક્તિ લોહીની કિંમત જાણે જ છે કે જીવનમાં જીવવા માટે તે કેટલો જરૂરી છે. જ્યારે બીજી બાજુ હવે લોહીના વેચાણનો ધંધો બંધ થશે. એટલે કે હવે દેશમાં લોહી વેચી નહીં શકાય. તેનાથી ફાયદો એ થશે લોહી ન મળતાં કોઈએ જીવ ગુમાવવાનો વારો પણ નહીં આવે. કેમ કે લોહી માટે હોસ્પિટલ કે પછી ખાનગી બ્લડ બેન્ક કોઈ ભારે ભરખમ રકમ ઉઘરાવી નહીં શકે કેમ કે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે.  કેન્દ્ર સરકારના નિર્ણય અનુસાર બ્લડ બેન્ક કે હોસ્પિટલો હવે લોહી આપવા માટે ફક્ત પ્રોસેસિંગ ફી જ વસૂલી શકશે. આ ઉપરાંત જે ચાર્જ વસૂલાતા હતા તે હવે વસૂલી નહીં શકાય. સરકાર તરફથી જાહેર કરાયેલી એડવાઈઝરી તમામ હોસ્પિટલો અને બ્લડ બેન્કોને જારી કરી દેવામાં આવી છે. નવા નિયમોનું કડક રીતે પાલન કરવા નિર્દેશ અપાયો છે.  CDSCO વતી જારી કરાયેલા લેટરમાં જણાવાયું છે કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ડ્રગ્સ કન્સલ્ટેટિવ કમિટીની 62મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો કે હવે લોહી વેચી નહીં શકાય. હોસ્પિટલ અને બ્લડ બેન્ક લોહી માટે ફક્ત પ્રોસેસિંગ ફી ઉઘરાવી શકશે. આમ તો હોસ્પિટલ અને બ્લડ બેન્ક આશરે 2થી 6 હજાર રૂપિયા પ્રતિ યૂનિટ વસૂલે છે. લોહીની અછત કે દુર્લભ બ્લડ ગ્રૂપ હોય તો ફી વધુ થાય છે પણ નવા નિયમો અનુસાર હવે ફક્ત પ્રોસેસિંગ ફી જ વસૂલી શકાશે જે 250થી 1550 રૂપિયાની વચ્ચે થાય છે. પ્લાઝ્મા તથા પ્લેટલેટ માટે 400 રૂપિયા પ્રતિ પેકની ફી લેવાશે.  બ્લડ માટેની ફીને લઈને સરકારે જે નિર્ણય લીધો છે તે દર્દીઓ માટે મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને થેલેસેમિયા પીડિતો માટે સંજીવની છે જેમને વર્ષમાં અનેકવાર લોહી બદલવું પડે છે. દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો અને ગંભીર બીમારીઓની સર્જરી કરનારા લોકોને પણ ગમે ત્યારે લોહીની જરૂર પડે છે એવામાં લોહી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો જીવ બચાવવો સરળ બની જાય છે.