ભાજપે શિવસેના સામે સવાલ કર્યા- આતંકીને આટલું સન્માન કેમ? કબર પર લાઇટિંગ-મારબલ કેમ?

0
7
ભાજપના નેતા રામ કદમે સોશિયલ મીડિયા પર એની તસવીરો પણ જાહેર કરી છે.
મુંબઈ બ્લાસ્ટના દોષી યાકુબ મેમણની કબરને લઈને મહારાષ્ટ્રમાં રાજકીય લડાઈ શરૂ થઈ ગઈ છે. ભાજપનો આરોપ છે કે ઉદ્ધવ સરકારના કાર્યકાળમાં કબરની આસપાસ માર્બલ અને LED લાઈટો લગાવવામાં આવી હતી.

મુંબઈ : મુંબઈ બ્લાસ્ટના દોષી યાકુબ મેમણની કબરને લઈને મહારાષ્ટ્રમાં રાજકીય લડાઈ શરૂ થઈ ગઈ છે. ભાજપનો આરોપ છે કે ઉદ્ધવ સરકારના કાર્યકાળમાં કબરની આસપાસ માર્બલ અને LED લાઈટો લગાવવામાં આવી હતી. ભાજપના નેતા રામ કદમે સોશિયલ મીડિયા પર એની તસવીરો પણ જાહેર કરી છે. જોકે રામ કદમના સવાલ કર્યા બાદ મુંબઈ પોલીસે કબર પરથી LED હટાવી દીધી છે. રામ કદમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને કહ્યું- ગુનેગાર યાકુબની કબરને કેમ શણગારવામાં આવી છે? જે માણસ સેંકડો લોકોનાં મોત માટે જવાબદાર હતો તેની કબરને આટલું સન્માન કેમ આપવામાં આવી રહ્યું છે? યાકુબને 1993ના બોમ્બવિસ્ફોટ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટે તેને ફાંસીની સજા ફટકારી હતી.સામાન્ય રીતે 18 મહિના પછી કબરને ખોદવામાં આવે છે, પરંતુ યાકુબની કબર 5 વર્ષ પછી પણ ખોદવામાં આવી નથી. ભૂતકાળમાં પણ યાકુબની કબર બાબતે સવાલો ઊભા થયા હતા. તેના પિતરાઈ ભાઈ મોહમ્મદ અબ્દુલ રઉફ મેમણે 2020માં એલટી માર્ગ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. રઉફે આરોપ લગાવ્યો હતો કે ટ્રસ્ટીઓએ કબ્રસ્તાનના યાકુબ મેમણના કબ્રસ્તાનને 5 લાખ રૂપિયામાં વેચી દીધું હતું.1993ના મુંબઈ બોમ્બબ્લાસ્ટનો દોષી યાકુબ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો. તે વિસ્ફોટોના કાવતરામાં સામેલ હતો. CBIની ચાર્જશીટ મુજબ યાકુબ દાઉદ ઈબ્રાહિમ અને ટાઈગર મેમણના આતંકવાદી સંગઠનનું ફાઈનાન્શિયલ કામકાજ સંભાળતો હતો. 1994માં CBIએ યાકુબની નવી દિલ્હી રેલવે સ્ટેશન પરથી ધરપકડ કરી હતી. 2013માં સુપ્રીમ કોર્ટે તેને દોષિત જાહેર કર્યો હતો અને ફાંસીની સજા સંભળાવી હતી, એ બાદ 2015માં નાગપુર જેલમાં યાકુબને ફાંસી આપવામાં આવી હતી. 12 માર્ચ, 1993ના રોજ મુંબઈમાં 12 ભીડવાળાં સ્થળોએ થયેલા વિસ્ફોટોમાં 257 લોકો માર્યા ગયા હતા અને 700થી વધુ લોકો ઘાયલ થયા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ની 28 માળની ઈમારતના ભોંયરામાં પણ બ્લાસ્ટ થયો હતો, જેમાં 50 લોકોનાં મોત થયાં હતાં.