કોપનહેગન વિશ્વનું સૌથી સુરક્ષિત શહેર;ટોચનાં 50 શહેરમાં દિલ્હી-મુંબઈ, ડિજિટલ સુરક્ષામાં સિડની અને હેલ્થમાં ટોક્યો

0
26
ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટની દુનિયાનાં 60 સુરક્ષિત શહેરની યાદી
ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટની દુનિયાનાં 60 સુરક્ષિત શહેરની યાદી

ડેનમાર્કની રાજધાની કોપનહેગન દુનિયાનું સૌથી સુરક્ષિત શહેર છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેણે ટોક્યો, સિંગાપોર અને ઓસાકાને પાછળ છોડીને આ સિદ્ધિ હાંસલ કરી છે. બીજા નંબરે કેનેડાનું ટોરોન્ટો અને ત્રીજું સિંગાપોર છે. ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટે (ઈઆઈયુ) સેફ સિટીઝ ઈન્ડેક્સ 2021 હેઠળ દુનિયાનાં 60 સૌથી સુરક્ષિત શહેરની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ટોચનાં 50 શહેરની યાદીમાં દિલ્હી 48 અને મુંબઈ 50મા સ્થાને છે.અગાઉના ઈન્ડેક્સમાં દિલ્હીને 52મું અને મુંબઈને 45મું સ્થાન મળ્યું હતું. આ ઈન્ડેક્સ માટે દુનિયાભરનાં શહેરોનો વ્યાપક અભ્યાસ કરાય છે. આ યાદી તૈયાર કરવા ઈઆઈયુએ 76 માપદંડ રાખ્યા હતા, જેથી વૈશ્વિક શહેરી સુરક્ષાની સ્પષ્ટ તસવીર સામે આવી શકે. એમાં ડિજિટલ, હેલ્થ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યક્તિગત અને પર્યાવરણને લગતા માપદંડ સામેલ હતા. આ પાંચ માપદંડમાં તમામ શહેરને 100માંથી જુદો જુદો સ્કોર અપાયો છે. કોરોનાને ધ્યાનમાં રાખીને પહેલીવાર આ વર્ષે પર્યાવરણ સંરક્ષણનો મુદ્દો સામેલ કરાયો હતો.ઈન્ટરનેટની ઉપલબ્ધતા અને વૃક્ષોની સંખ્યા પણ મહત્ત્વની: આ યાદી તૈયાર કરવા શહેરી સુરક્ષાના અભ્યાસ માટે નક્કી માપદંડોમાં ઈન્ટરનેટ અને ટ્રી-કવર પણ સામેલ હતાં. એ માટે શહેરોની કેટલા ટકા વસતિને ઈન્ટરનેટ તેમજ સાયબર સુરક્ષા માટે સ્માર્ટસિટી પ્લાન અંગેની પણ માહિતી લેવાઈ હતી. આરોગ્યની સ્થિતિ તપાસવા તમામ શહેરના એક હજાર લોકો પર ડૉક્ટરોની મદદથી માહિતી ભેગી કરાઈ હતી.ઈન્ફ્રા સુરક્ષા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઈમર્જન્સી સિસ્ટમને નજરે રખાઈ હતી. વ્યક્તિગત સુરક્ષા માટે સામાજિક સહાયતા પર ખર્ચને આધાર મનાયો, જ્યારે પર્યાવરણ સુરક્ષા માટે શહેરમાં વૃક્ષોની કુલ સંખ્યા અને હવાની શુદ્ધતાને ધ્યાનમાં લેવાઈ. ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દર બે વર્ષે સેફ સિટીઝ ઈન્ડેક્સ પ્રકાશિત કરે છે. આ વર્ષે એની ચોથી આવૃત્તિ જાહેર કરાઈ હતી.ટોપ 10 શહેરમાં એશિયાનાં ફક્ત ત્રણ શહેર છે. 2017 અને 2019માં અવ્વલ રહેલું ટોક્યો આ વખતે પાંચમા સ્થાને આવ્યું. તાજા ઈન્ડેક્સમાં કોપનહેગનને 82.4 અંક, દિલ્હીને 56.1 અને મુંબઈને 54.4 અંક મળ્યા. ડિજિટલ સુરક્ષાના મામલામાં સિડની અને આરોગ્યમાં ટોક્યો આગળ રહ્યું. ઈન્ફ્રા સુરક્ષામાં હોંગકોંગનું પ્રદર્શન સારું રહ્યું. વ્યક્તિગત સુરક્ષામાં કોપનહેગન શ્રેષ્ઠ છે, જ્યારે પર્યાવરણ સુરક્ષામાં વેલિંગ્ટને બધાને પાછળ છોડ્યા. સેફ સિટીઝ ઈન્ડેક્સ પ્રોજેક્ટનાં ડિરેક્ટર પ્રતિમા સિંહે કહ્યું હતું કે પર્યાવરણને લઈને કોપનહેગન અને ટોરોન્ટોએ જબરદસ્ત કામ કર્યું છે.