‘કૉંગ્રેસમાંથી હાર્દિક પટેલનું રાજીનામું’: કૉંગ્રેસ નેતૃત્વને ગુજરાત અને ગુજરાતી પ્રત્યે નફરત

0
9
"છેલ્લા ત્રણ વર્ષથી મને માલુમ પડ્યું છે કે કૉંગ્રેસ પાર્ટી ફક્ત વિરોધની રાજનીતિ સુધી સીમિત રહી ગઈ છે, જ્યારે દેશના લોકોને એક એવા વિકલ્પની જરૂર છે"

ગાંધીનગર: યુવા નેતા હાર્દિક પટેલે કૉંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું ધરી દીધું છે. હાર્દિક પટેલે એક પત્ર લખીને કૉંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. હાર્દિક પટેલે ટ્વીટ કર્યું છે કે, “આજે હું હિંમત કરીને કૉંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને વિશ્વાસ છે કે મારા દરેક સાથીદારો અને ગુજરાતના લોકો મારા આ નિર્ણયનું સ્વાગત કરશે. હું માનું છું કે મારા આ પગલાં પછી હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરા અર્થમાં સકારાત્મક રીતે કામ કરી શકીશ.”છેલ્લા ત્રણ વર્ષથી મને માલુમ પડ્યું છે કે કૉંગ્રેસ પાર્ટી ફક્ત વિરોધની રાજનીતિ સુધી સીમિત રહી ગઈ છે, જ્યારે દેશના લોકોને એક એવા વિકલ્પની જરૂર છે, જે તેમના ભવિષ્યનું વિચારે અને દેશને આગળ લઈ જવાની ક્ષમતા ધરાવે. અયોધ્યામાં શ્રી રામનું મંદિર હોય, CAA-NRCનો મુદ્દો હોય, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો મુદ્દો હોય, GST લાગૂ કરવાનો નિર્ણય હોય, દેશ ખૂબ લાંબા સમયથી આ મુદ્દાઓનું સમાધાન ઇચ્છી રહ્યો હતો. કૉંગ્રેસ પાર્ટી આ વાતોમાં ફક્ત વિઘ્ન બનવાનું કામ કરતી રહી છે. ભારત દેશ હોય, ગુજરાત હોય કે મારો પટેલ સમાજ હોય, દરેક મુદ્દે કૉંગ્રેસ પાર્ટીનું સ્ટેન્ડ ફક્ત કેન્દ્ર સરકારનો વિરોધ કરવા પૂરતું સીમિત રહ્યું છે. દેશના દરેક રાજ્યના લોકોએ કૉંગ્રેસને જાકારો આપ્યાનું કારણ એવું છે કે, કૉંગ્રેસ પાર્ટી અને તેનું નેતૃત્વ લોકો સમક્ષ પ્રાથમિક રોડમેપ પણ રજૂ કરી શકી નથી.કૉંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતૃત્વનું કોઈ પણ મુદ્દા પ્રત્યે ગંભીર ન હોવું મોટો મુદ્દો રહ્યો છે. હું જ્યારે પણ કૉંગ્રેસના શીર્ષ નેતૃત્વને મળ્યો ત્યારે લાગ્યું કે નેતૃત્વનું ધ્યાન ગુજરાતના લોકો અને પાર્ટીની સમસ્યા સાંભળવાને બદલે મોબાઇલ અને અન્ય વસ્તુઓ પર હતું. જ્યારે દેશ સંકટમાં હતો અથવા કૉંગ્રેસને નેતૃત્વની સૌથી વધારે જરૂરિયાત હતી ત્યારે અમારા નેતા વિદેશમાં હતા. શીર્ષ નેતૃત્વનું ગુજરાત પ્રત્યે એવું વલણ રહ્યું છે કે જાણે તેમને ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે નફરત હોય. આવા કેસમાં કૉંગ્રેસ કેવી રીતે અપેક્ષા રાખી શકે કે ગુજરાતના લોકો તેમને વિકલ્પ તરીકે જુએ?