જૂનાગઢ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ, માણાવદરમાં 4 ઇંચ ખાબકતાં ચારેબાજુ પાણી પાણી

0
7
વંથલીમાં 3, માળિયા હાટીના-માંગરોળમાં 2 ઇંચ વરસાદ વરસ્યો
ગઈકાલે આખો દિવસ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરી વરસાદી માહોલમાં અષાઢી ઝાપટાંરૂપે હેત વરસાવ્યા હતા.

જૂનાગઢ જિલ્લાના નવેય તાલુકામાં અષાઢીબીજના દિવસે ધીમી ધારે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. એ બાદ આજે બીજા દિવસે સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી ફરી મેઘરાજાએ પધરામણી કરી. અનરાધાર વરસાદ પડી રહ્યો છે, જેમાં માણાવદરમાં ત્રણેક કલાકમાં 4 ઈંચ, વંથલીમાં 3 ઈંચ અને જૂનાગઢ શહેર-પંથકમાં 2 ઈંચ વરસાદ વરસાવી દેતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.આજનો વરસાદ ખેતરોમાં વાવણી કરાયેલી સૂકી મોલતોને નવજીવન મળવા સમાન હોવાથી ખેડૂતો ગેલમાં આવી ગયા છે. તો શહેરોની બજારોમાં પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો હોવા છતાં વરસાદી માહોલની મજા માણી રહ્યા હતા.ગઈકાલે આખો દિવસ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરી વરસાદી માહોલમાં અષાઢી ઝાપટાંરૂપે હેત વરસાવ્યા હતા. એ બાદ આજે બીજા દિવસે પણ સવારથી જ જિલ્લાના નવેય તાલુકાના આકાશમાં કાળાં ડિબાંગ ઘટાટોપ વાદળોનું સામ્રાજ્ય છવાઈ ગયા બાદ ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. એમાં અમુક તાલુકાઓમાં અનરાધાર તો અમુક તાલુકાઓમાં ધીમી ધારે વરસી રહ્યો હતો, જે બપોરે પણ અવિરત ચાલુ જોવા મળી રહ્યો છે.જૂનાગઢ જિલ્લામાં આજે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં કયા તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો એના પર નજર કરીએ તો માણાવદરમાં 103 મિમી (4 ઈંચ), વંથલીમાં 72 મિમી (3 ઈંચ), જૂનાગઢમાં 47 મિમી (2 ઈંચ), માળિયાહાટીનામાં 52 મિમી (2 ઈંચ), માંગરોળમાં 31 મિમી (1 ઈંચ), વિસાવદરમાં 23 મિમી (1 ઈંચ), મેંદરડામાં 13 મિમી (અડધો ઇંચ), કેશોદમાં 12 મિમી (અડધો ઈંચ), ભેંસાણમાં 15 મિમી (અડધો ઈંચ) વરસાદ વરસ્યો છે.ગઈકાલે માણાવદર શહેરમાં દિવસભર વરસાદી માહોલમાં એકાદ ઈંચ વરસ્યા બાદ આજે સવારે સાતેક વાગ્યા આસપાસ મેઘરાજાએ ફરી મુકામ કરી મેઘસવારી શરૂ કરી હતી, જેમાં સવારે નવેક વાગ્યાથી ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયા બાદ ત્રણેક કલાકમાં અનરાધાર 103 મિમી એટલે 4 ઈંચ જેટલો વરસાદ વરસાવી દેતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું, જેના પગલે શહેરની બજારોમાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગતાં વાહનચાલકો અને રાહદારી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. માણાવદર શહેરમાં શાક માર્કેટ, કોર્ટ વિસ્તાર, બાલાસરા શેરી મોચીગલી, બહારપરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા હતા. બપોરે મેઘરાજાએ વિરામ લેતાં પાણી ઓસરવા લાગતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. માણાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનરાધાર વરસેલા વરસાદના પગલે નદી- નાળાઓમાં નવા નીર વહેતા જોવા મળતા હતા.આવી જ રીતે વંથલી, માળિયા હાટીના, માંગરોળ સહિતના તાલુકાઓમાં પણ આજે સવારથી શરૂ થયેલી મેઘસવારી અવિરત હેત વરસાવી રહી છે, જેમાં વંથલીમાં 3 ઈંચ, માળિયા હાટીનામાં 2 અને માંગરોળમાં 1 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે, જેને પગલે રસ્તાઓ પર અને નદી-નાળાંમાં વરસાદી પાણી ધસમસતા વહેતા થયા હતા. માળિયા હાટીના તથા માંગરોળ પંથકમાં ગત રાતથી વરસાદ અવિરત ધીમી ધારે વરસી રહ્યો છે. એમાં ચોરવાડ, ઝુજારપર, વિષણવેલ, સમઢિયાળા, ખોરાસા, બરુલા, જાનુડા, શાંતિપરા, માળિયાના ઝડકા, ભડુરી, ગળોદર, રામવાવ પાટિયા, પાણીધ્રા, પીખોર, જુથળ, ગાગેચા, લાઠોદ્રા તથા માંગરોળ પંથકના સકરાણા, વિરપુર, ચોટલી વિડી, લંબોરા, નવા-જૂના કોટડા, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી ધીમી પણ ધીંગી ધારે અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.