ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર આજે મતદાન થશે.

0
105

(જી.એન.એસ)ગાંધીનગર,તા.૨૨
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે રાજ્યની તમામ ૨૬ લોકસભા બેઠકો અને ચાર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે આવતી કાલે સવારે ૭ થી સાંજના ૬ કલાક સુધી મતદાન યોજાશે. ચૂંટણી પંચે મતદાન અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. રાજ્યનાં તમામ ૫૧,૮૫૧ મતદાન મથકો પર ઈવીએમ વીવીપેટ સહિત મતદાનને લગતી ૧૨૫ જેટલી સામગ્રીઓ પહોંચાડી દેવામાં આવી છે.
લોકસભાની કુલ ૨૬ બેઠક માટે કુલ ૩૭૧ ઉમેદવારો અને વિધાનસભાની પેટા ચૂંટણીની ચાર બેઠકો માટે ૪૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. લોકસભા બેઠકમાં સૌથી વધુ ઉમેદવારો ૩૧ સુરેન્દ્રનગર બેઠક અને સૌથી ઓછા ૬ ખેડા બેઠક પરથી લડી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ્યાંથી લડી રહ્યા છે તે ગાંધીનગર બેઠક પર ૧૭ ઉમેદવાર છે. રાજ્યમાં કુલ ૪,૫૧,૨૫,૬૮૦ મતદારો નોંધાયા છે. જે પૈકી પુરુષ મતદારોની સંખ્યા ૨,૩૪,૨૮,૧૧૯ છે જયારે સ્ત્રી મતદારોની સંખ્યા ૨,૧૬,૯૬,૫૧૭ ટ્રાંસજેંડર ૯૯૦ મતદાર છે જ્યારે ૧,૧૦,૮૮,૫૫૫ યુવા મતદારો છે જેઓ પહેલીવાર મતદાન કરી રહ્યા છે.
સામાન્ય વર્ગની બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી સહિત ૨૦ બેઠકો છે. અનુસૂચિત જાતિની કચ્છ અને અમદાવાદ પૂર્વ બેઠક છે. જયારે અનુસૂચિત જનજાતિની દાહોદ, છોટા ઉદેપુર,બારડોલી અને વલસાડ એમ ચાર બેઠકો છે. ઊંઝા, ધ્રાંગધ્રા, જામનગર ગ્રામ્ય અને માણાવદરની વિધાનસભા બેઠક પર આવતી કાલે મતદાન યોજાશે. રાજ્યમાં કુલ ૫૧,૭૦૯ મતદાન મથકો પર મતદાન થશે. ૩ લાખ કર્મચારી ચૂંટણી ફરજ નિભાવે છે.
દિવ્યાંગ અને વિકલાંગ અને સિનિયર સિટીઝન મતદાતાઓ માટે રેમ્પ અને વ્હીલચેર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. મતદાતાને મળેલી મતદાન અંગેની સ્લિપથી મતદાન થઈ શકશે નહીં. મતદાતાએ તેની સાથે ફોટો આઈડી જેમકે આધાર કાર્ડ, વોટર કાર્ડ કે પાન કાર્ડ સહિતનો કોઈ એક પુરાવો સાથે રાખવો પડશે. પ્રજ્ઞાચક્ષુ ઉમેદવાર માટે બ્રેઈલ લિપીની વ્યવસ્થા કરાઈ છે. દરેક વિધાનસભા ક્ષેત્રમાં બે મહિલા મતદાન મથકની વ્યવસ્થા કરાઈ છે. જેનો તમામ સ્ટાફ મહિલાઓ હશે એટલું જ નહીં. દરેક મતદાન મથકની બહાર હેલ્પ ડેસ્ક હશે. જ્યાં મતદાતા પોતાના વોટર આઈ ડી સહિત મતદાર યાદીમાં તેમના નામની ચકાસણીની મદદ મેળવી શકશે.
વડાપ્રધાન મોદી સવારે માતા હીરાબાના આશિષ લઇને રાણીપની નિશાન હાઇસ્કૂલમાં મતદાન કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ અંકુર ચાર રસ્તા પાસેની નારણપુરા સબ ઝોનલ ઓફિસ, કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી એસજી હાઇવે પરની ચીમનભાઇ પટેલ ઇનસ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ, દેશના પૂર્વ નાયબ વડા પ્રધાન એલ.કે. અડવાણી ખાનપુર અને રાજ્યનાં પૂર્વ મુખ્યપ્રધાન અને મધ્યપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ શીલજ ગામ ખાતે મતદાન કરશે. રાજ્યભરના મતદાન કેન્દ્ર પર પોલીસે લોખંડી સુરક્ષા ગોઠવી દીધી છે.