ગ્રીષ્માને ન્યાય: હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવારને મળી સાંત્વના પાઠવી કહ્યું, માતા-પિતાને આપેલો વાયદો પૂર્ણ થયો

0
3
ગ્રીષ્માના પરિવારે શ્રદ્ધાસુમન આપવા સાથે અધિકારીઓના સન્માનનો કાર્યક્રમ યોજ્યો
ગ્રીષ્માના પરિવારે શ્રદ્ધાસુમન આપવા સાથે અધિકારીઓના સન્માનનો કાર્યક્રમ યોજ્યો

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનારા ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ગુરુવારે કોર્ટે આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી હતી. આથી ગ્રીષ્માને ન્યાય મળતાં આજે પરિવાર દ્વારા રામધૂન સહિત પોલીસ અધિકારીઓના સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો. એમાં તમામ કાર્યક્રમ પડતા મૂકીને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતાં. તેમણે ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ આપી હતી, સાથે તેનાં માતા-પિતાને મળીને સાંત્વના આપી હતી અને કહ્યું હતું, રાજ્યમાં અપરાધીઓ સામે કડક હાથ કામ લેવાશે. ગ્રીષ્માનાં માતા પિતાને આપેલો વાયદો આજે પૂર્ણ થતાં તેમને સાંત્વના પાઠવી છે, સાથે જ ભવિષ્યમાં આવું કોઈ સાથે ન બને એ માટે સરકાર પ્રયત્નપૂર્વક કામ કરશે.હર્ષ સંઘવીએ ગ્રીષ્માનાં પરિવારજનોની આંખનાં આંસુ લૂંછી કહ્યું, બહેન-દીકરીઓ પર નજર બગાડનારને છોડવામાં આવશે નહીં. તેમની રક્ષા કરવા માટે ગુજરાત પોલીસ સક્ષમ છે. કોઇપણ ફરિયાદ હોય તો સમાજની ચિંતા કર્યા વગર સીધો પોલીસનો સંપર્ક કરજો. કોઈપણ વાત બહાર નહીં આવે, તમામ માહિતી ગુપ્ત રાખીને કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે મારી તમામ વાલીઓને નમ્ર વિનંતી છે કે તેઓ ધ્યાન રાખે તેમના દીકરાઓ શું કરે છે. કોને મળે છે. દિવસભર કઈ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. એના પર પણ ધ્યાન આપવાની ખાસ જરૂર છે.તેમણે જણાવ્યું હતું કે ટૂંકા દિવસોમાં જ ગ્રીષ્માના હત્યારાને ફાંસીના માચડે ચડાવાયો એ એક નવો ઈતિહાસ છે. ગુનેગારો સામે સરકારની લાલ આંખ જ રહેશે. આ પ્રકારના ગુનેગારો ગુજરાતમાં આવી હરકત ન કરી શકે એવો ચુકાદો આવ્યો છે, જેથી આવનારા દિવસોમાં આવા કેસો ન બને એ માટે ગુજરાત પોલીસ ભગીરથ પણે લાલ આંખ સાથે કામ કરતી રહેશે. હું આજે ગ્રીષ્માનાં માતા-પિતાને જે વાયદો આપેલો એ પૂર્ણ કરવા આવ્યો છું. મેં કહેલું, ફરી ત્યારે જ આવીશ, જ્યારે ગ્રીષ્માને ન્યાય મળશે.