વિદેશમાં MBBS ભણી આવેલા વિદ્યાર્થીઓ દેશમાં ‘ફેલ’, પાછલાં 3 વર્ષમાં માત્ર 21% જ પ્રેક્ટિસ માટે લાઇસન્સ મેળવી શક્યા

0
26
વિદેશમાં MBBS ભણેલાને દેશમાં પ્રેક્ટિસ માટે લાઇસન્સ આપવા FMGE પરીક્ષા લેવાય છે
વિદેશમાં MBBS ભણેલાને દેશમાં પ્રેક્ટિસ માટે લાઇસન્સ આપવા FMGE પરીક્ષા લેવાય છે

જો તમે માનતા હોવ કે વિદેશમાં મેડિકલનો અભ્યાસ ભારત કરતાં શ્રેષ્ઠ અથવા ત્યાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ એડવાન્સ હોય છે, તો તમારી ધારણા ખોટી છે, જેની સાબિતી પાછલાં વર્ષોની ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન (FMGE)ની પરીક્ષાનાં પરિણામ આપી રહ્યાં છે. ભારતમાં મેડિકલમાં પ્રવેશ ન મેળવી શકનારા ઘણા વિદ્યાર્થીઓ વિદેશમાં ડૉક્ટરનો અભ્યાસ કરવા જતા હોય છે અને તેમણે દેશમાં પરત ફરી પ્રેક્ટિસ કરવા માટે FMGEની પરીક્ષા આપવી પડે છે, જોકે આ એક્ઝામનાં પરિણામ ઘણાં જ નિરાશાજનક રહ્યાં છે.પાછલાં 3 વર્ષમાં 6 સેશનમાં FMGEની પરીક્ષાનાં પરિણામના આંકડા પર નજર કરવામાં આવે તો કુલ 85,722 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 17,812 વિદ્યાર્થીને પરીક્ષા પાસ કરી લાઇસન્સ મેળવવામાં સફળતા મળી છે, એટલે કે માત્ર 21% પરીક્ષાર્થીઓ જ આ પરીક્ષા પાસ કરી શક્યા છે. આ આંકડા વિદેશમાં અભ્યાસ કરી આવેલા વિદ્યાર્થીઓની ગુણવત્તા સામે સવાલો ઊભા કરે એવા છે અને દેશના મેડિકલ શિક્ષણ જગતમાં ચિંતા વધારી છે. ગુજરાત યુનિવર્સિટી મેડિકલ ફેકલ્ટીના ડિન રશ્મિકાંત દવેનું કહેવું છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓ એક કરતાં વધુ ટ્રાયલ આપતા હોય છે, જ્યારે નવા ફ્રેશ વિદ્યાર્થીની સંખ્યા ઓછી હોય છે, કારણ કે વિદેશની કેટલીક મેડિકલ કોલેજમાં સ્ટાન્ડર્ડ નથી જળવાતું.રશિયામાં MBBS કર્યા બાદ બી.જે. મેડિકલ કોલેજમાં પીજીમાં પ્રવેશ મેળવનાર નરેન્દ્ર કુમારનું કહેવું છે કે પહેલા અટેમ્પ્ટમાં ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટની પરીક્ષા પાસ કરવી મોટો પડકાર છે. આ પરીક્ષાનું સ્ટાન્ડર્ડ પણ ઊંચું હોય છે, જે જરૂરી પણ છે. સ્થિતિ એવી છે કે વિદેશમાં ભણ્યા બાદ આ પરીક્ષા માટે પણ કોચિંગ લેવું પડે છે. વર્ષ 2020ના પહેલા સેશનની પરીક્ષામાં માત્ર 11.62% પરિણામ નોંધાયું હતું. જેમાં 17,198 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને માત્ર 1,999 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે સૌથી ઊંચું પરિણામ વર્ષ 2019માં ડિસેમ્બર સેશનમાં લેવાયેલી પરીક્ષાનું નોંધાયું, જેમાં 15,663 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જૈ પૈકી 4,444 વિદ્યાર્થી પાસ થયા હતા.