‘નામ? બોન્ડ, જેમ્સ બોન્ડ’: પહેલીવાર હોલિવૂડ ફિલ્મ ગુજરાતી ભાષામાં રિલીઝ થશે..

0
42
જેમ્સ બોન્ડ: નો ટાઇમ ટુ ડાઇમાં ફિલ્મ 30 સપ્ટેમ્બરે ભારતના પસંદગીના શહેરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ અલગ અલગ ભાષા સાથે ગુજરાતીમાં પણ રિલીઝ થવાની છે.
જેમ્સ બોન્ડ: નો ટાઇમ ટુ ડાઇમાં ફિલ્મ 30 સપ્ટેમ્બરે ભારતના પસંદગીના શહેરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ અલગ અલગ ભાષા સાથે ગુજરાતીમાં પણ રિલીઝ થવાની છે.

વર્ષોથી ફેન્સ સાંભળતા આવ્યા છે, ‘નેમ, બોન્ડ, જેમ્સ બોન્ડ’. આ ડાયલોગનો હવે અંદાજ તો એ જ રહેશે પરંતુ ભાષા બદલાશે. જી હા પહેલીવાર કોઈ હોલિવૂડ ફિલ્મ ગુજરાતી ભાષામાં પણ રિલીઝ થવા જઈ રહી છે. ભારતમાં જેમ હિન્દી, તમિલ અને અન્ય ભાષામાં ફિલ્મો રિલીઝ થતી હતી એ રીતે હવે જેમ્સ બોન્ડ સિરીઝની આગામી ફિલ્મ નો ટાઇમ ટુ ડાઇ ગુજરાતીમાં પણ ડબ થઇ છે.હવે ફેમસ ડાયલોગ કંઇક આ અંદાજમાં સાંભળવા મળશે. ‘નામ? બોન્ડ, જેમ્સ બોન્ડ’. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું ગુજરાતી ટ્રેલર ગયા વર્ષે એટલે કે 28 ફેબ્રુઆરી 2020 માં રિલીઝ કરવામાં આવ્યું હતું. જે બાદ તે ખુબ ચર્ચાનો વિષય બન્યું હતું. ઘણા લોકોએ આ ટ્રેલરમાં બોલાયેલા ગુજરાતી ડાયલોગને વધાવ્યા હતા. તો ઘણા ફેન્સે વાંધો ઉઠાવ્યો હતો. ખરેખરમાં ટ્રેલરમાં ગુજરાતી સંવાદમાં ફેન્સને કેટલીક ભૂલ અને તે ફીલિંગ ના આવતા અમુકે આ ટ્રેલરને ટ્રોલ પણ કર્યું હતું.તમને જણાવી દઈએ કે ડેનિયલ ક્રેગે છેલ્લીવાર જેમ્સ બોન્ડ: નો ટાઇમ ટુ ડાઇમાં, બોન્ડ 007 તરીકે ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે ભારતના પસંદગીના શહેરોમાં રિલીઝ થવાની છે. યુનિવર્સલ પિક્ચર્સ દ્વારા તાજેતરમાં તેની જાહેરાત અને પુષ્ટિ કરવામાં આવી હતી કે તે ભારતના થિયેટરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘નો ટાઇમ ટુ ડાઇ’ માત્ર ગુજરાતી જ નહીં અંગ્રેજી, હિન્દી, કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ, પંજાબી, ભોજપુરી, બંગાળીમાં રિલીઝ થશે. સત્તાવાર 007 ટ્વિટર એકાઉન્ટએ ફિલ્મનું અંતિમ આંતરરાષ્ટ્રીય ટ્રેલર પોસ્ટ કર્યું અને રિલીઝની તારીખ જાહેર કરી. 2 મિનિટ 24 સેકન્ડના ટ્રેલરને કેપ્શન આપવામાં આવ્યું હતું, “રાહ પૂરી થઈ. હેશટેગ ‘નો ટાઈમ ટુ ડાઈ’ નું અંતિમ આંતરરાષ્ટ્રીય ટ્રેલર. ફિલ્મ 30 સપ્ટેમ્બરે થિયેટરોમાં હિટ થશે.”આ ફિલ્મ જેમ્સ બોન્ડ ફિલ્મ ફ્રેન્ચાઇઝીનો 25 મો ભાગ છે. તેમાં, ક્રેગ પાંચમી અને કથિત રીતે છેલ્લીવાર 007 નો રોલ કરી રહ્યો છે. ઘણા સમાયથી આ ફિલ્મ તૈયાર છે પરંતુ કોવિડ -19 રોગચાળાને કારણે ગયા વર્ષે નવેમ્બરમાં તેની રજૂઆત પાછળ ધકેલી દેવામાં આવી હતી. બાદમાં રિલીઝની તારીખ બદલીને એપ્રિલ, 2021 કરવામાં આવી. પરંતુ એ પણ તારીખ બદલીને હવે 30 સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ કરવામાં આવશે.ગુજરાતી ભાષામાં ડબ કરીને રિલીઝ કરવાનું મોટું સાહસ મેકર્સ દ્વારા કરવામાં આવ્યું છે. હવે જોવું રહ્યું કે દર્શકો જે વર્ષોથી અંગ્રેજી અને હિન્દીમાં આ ફિલ્મના સંવાદ સાંભળવા ટેવાયેલા છે તે આ સાહસને વધાવશે કે નહીં.