રાજ્યમાં વધુ એક વખત પેપર ફૂટતા જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી

0
11
ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ
9 વર્ષમાં 13 પેપર ફૂટ્યા:GPSC ચીફ ઓફિસરથી લઈ જુનિયર ક્લાર્ક સુધી...દર વખતે સરકારના દાખલા બેસાડવાના દાવા, છતાં પેપર લીક થાય છે

વડોદરા : રાજ્યમાં વધુ એક વખત પેપર ફૂટતા જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. જોકે, આ પહેલી વખત પેપર ફૂટ્યું નથી. વર્ષ 2014માં GPSCના ચીફ ઓફિસરથી લઈ તલાટી, ટેટ અને હેડ ક્લાર્ક સહિતની પરીક્ષાઓના મળી 13 પેપર લીક થયા છે. આજે ફરી પેપર ફૂટતા વિદ્યાર્થીઓને માત્ર નિરાશા જ હાથ લાગી છે 9.53 લાખથી વધુ ઉમેદવારોની બે વર્ષની મહેનત પણ પાણી ફરી વળ્યું. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ-3 જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે. જોકે, આવું કંઈ પહેલીવાર બન્યું હોય તેવું નથી. ગુજરાતમાં આ પહેલા 12 વખત પેપર લીક થઈ ચુક્યા છે અને આ 13મી વખત પેપર લીક થયું. સરકાર દર વખતે દાખલો બેસાડે તેવી તપાસના દાવા કરે છે, પણ તેમ છતાં કોઈ અસર થતી નથી અને ફરીથી પેપર લીક થઈ જાય છે.10 મહિના પહેલા જ લેવાયેલી વનરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયું હતું. હાઇસ્કૂલના શિક્ષકે તેના ગામના જ 3 પરીક્ષાર્થીઓને પાસ કરાવવા ઘડેલું ષડયંત્ર હોવાનો ખૂલાસો પોલીસ તપાસમાં થયો હતો. આ મામલે ઓબ્ઝર્વરે રવિવારે મોડી રાત્રે ઉનાવા પોલીસ મથકમાં કુલ 8 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે શાળાના શિક્ષક, સુપરવાઇઝર, પટાવાળા અને 4 પરીક્ષાર્થીઓ સહિત 8 આરોપીની ધરપકડ કરી હતી.12 ડિસેમ્બર-2021ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. ત્યાર બાદ ગૃહ રાજ્યમંત્રીએ પણ પેપર લીક થયું હોવાનો સ્વીકાર કર્યો હતો. આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે 14 આરોપીની ધરપકડ થઈ ગઈ છે તેમજ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે. તે સમયે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ઘટનાના પ્રથમ દિવસથી જ તટસ્થ પારદર્શી તપાસના આદેશો આપી દીધા હતા. અત્યાર સુધી પેપર લીક માટે ષડયંત્ર રચનાર સામે ક્યારેય પગલા ન લેવાયાં હોય તેવા કડક પગલાં લઇ, ભવિષ્યમાં કોઇ પેપર ફોડવાની કે પેપર ખરીદવાની હિંમત ન કરે તેવો દેશ ભરમાં દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.2021માં જ સરકારી ભરતીની પરીક્ષામાં ત્રણ પેપર ફૂટ્યા હતા. જેમાં જુલાઈ માસમાં લેવાયેલી DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી પરીક્ષાના પેપર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયું હતું. આ બાદ ઓક્ટોબરમાં ગૌણ સેવા પસંદગી મંડળની યોજાયેલી સબ-ઓડિટરની પરીક્ષામાં યુથ કોંગ્રેસ દ્વારા પેપર લીક થયું હોવાના આક્ષેપો કર્યાં હતા. જ્યારે ડિસેમ્બર મહિનામાં યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પણ સરકારે જ પેપર લીક થયું હોવાનું સ્વીકાર્યું હતું અને પરીક્ષા રદ કરી હતી.બિન સચિવાલય પેપર લીક કાંડમાં આરોપીઓ પ્રવિણદાન ગઢવી, એમએસ સ્કૂલના પ્રિન્સિપાલ વિજેન્દ્રસિંહ વાઘેલા, ફકરુદ્દીન ઘડીયારી, મહમદ ફારુક અબ્દુલ વહાબ કુરેશી, દીપક જોષી, રામભાઈ ગઢવી અને લખવિંદર સિંહ હતા. પેપર લીકનું આખું ષડયંત્ર દાણીલીમડાની એમએસ સ્કૂલમાં ઘડાયું હતું. આ સ્કૂલમાંથી પેપરલીક થયું હતું. લખવિંદર સિંહ નામનો આરોપી કોંગ્રેસનો કાર્યકર હતો. પ્રવીણદાન ગઢવી પેપરલીક કાંડનો મુખ્ય સૂત્રધાર હતો. વોટ્સએપ અને ટેલિગ્રામ પર પેપર મોકલવામાં આવ્યું હતું. તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ વિજયસિંહ વાઘેલાની પણ સંડોવણી હતી. સ્કૂલ સંચાલકો મારફતે આખું કૌભાંડ થયું હતું અને આજ સ્કૂલના ફકરુદ્દીને કટર વડે પેપર કાઢ્યું હતું. ફારૂકે પેપરનું સીલ તોડ્યુ હતું અને પેપર પ્રવીણદાન ગઢવીને આપ્યું હતું. આ પછી પ્રવીણદાને પેપરના ફોટા પાડીને પાછું સીલ કરી દીધું હતું.આ પહેલા વર્ષ 2018માં LRDની ભરતી પ્રક્રિયા દરમિયાન પેપર લીક થવાની ઘટના બની હતી. જેમાં દિલ્હીની ગેંગે કર્ણાટકના સાગરિતોની મદદથી ઉડુપીની પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપરની લીક થઈ ગયું હતું. તે વખતે ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય હતા. આ બાદ લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન તરીકે હસમુખ પટેલને મૂકવામાં આવ્યા હતા.