ગુજરાતમાં ન્યૂ યર પર લોકોએ બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, 108 સ્થળોએ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ, PMએ કહી આ વાત

0
12
મહેસાણા ખાતે આશરે 3000 જેટલાં લોકોએ સૂર્યનમસ્કાર કર્યા હતા
પીએમ મોદીએ પણ આ મામલે એક્સ પર ટ્વિટ કરતાં લખ્યું કે ગુજરાતે એક ઉલ્લેખનીય સિદ્ધી સાથે 2024નું સ્વાગત કર્યું

નવી દિલ્હી : સૂર્ય નમસ્કારને વિશ્વસ્તરે લઈ જવા માટે ગુજરાત રાજ્યના યોગ બોર્ડ અને રમતગમત, યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગે સૂર્ય નમસ્કાર મહાઅભિયાન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. રાજ્યભરમાં 108 જગ્યાએ આ કાર્યક્રમ આયોજિત કરાયું હતું.  2024ના આગમન સાથે પહેલા દિવસે જ જગપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્યકક્ષાનો સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લગભગ 3000 જેટલાં લોકોએ સૂર્યનમસ્કાર કર્યા હતા. આ સાથે રાજ્યના પ્રસિદ્ધ 108 જેટલાં સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો હતો. મહેસાણામાં શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિરે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વર્ચ્યુઅલી જોડાયા હતા.  પીએમ મોદીએ પણ આ મામલે એક્સ પર ટ્વિટ કરતાં લખ્યું કે ગુજરાતે એક ઉલ્લેખનીય સિદ્ધી સાથે 2024નું સ્વાગત કર્યું. 108 સ્થળોએ એકસાથે સૌથી વધુ લોકો દ્વારા સૂર્ય નમસ્કાર કરવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સર્જવાનો પ્રયાસ કરાયો. જેવું કે આપણે બધા જાણીએ છીએ, આપણી સંસ્કૃતિમાં જ 108ના આંકડાનું વિશેષ મહત્ત્વ છે પીએમ મોદીએ આગળ કહ્યું કે આયોજન સ્થળોમાં પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર પણ સામેલ છે જ્યાં અનેક લોકો જોડાયા હતા. આ ખરેખર તો યોગ અને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાનો સાચો પુરાવો છે. હું તમને સૌને આગ્રહ કરું છું કે સૂર્ય નમસ્કારને તમારી દિનચર્યાનો હિસ્સો બનાવો, ઘણાં ફાયદા થશે.