કોંગ્રેસને ‘રામ રામ’: 37 વર્ષ બાદ જયરાજસિંહ પરમારે કોંગ્રેસ છોડી

0
17
ચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વાયદો આપ્યા બાદ ટિકિટ ન આપતાં કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે
ચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વાયદો આપ્યા બાદ ટિકિટ ન આપતાં કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે

ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે પક્ષની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈ પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. ચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વાયદો આપ્યા બાદ ટિકિટ ન આપતાં કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ બે-ત્રણ દિવસમાં ભાજપમાં જોડાશે એમ ભાજપનાં સૂત્રોનું કહેવું છે. તેમજ રાજીનામું આપ્યા બાદ તેમણે સોશિયલ મીડિયા પર એક પત્ર પણ પોસ્ટ કર્યો છે.

ઉત્તર ગુજરાતના ક્ષત્રિય સમાજનો ચહેરો
ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરતા ક્ષત્રિય નેતા જયરાજસિંહ પરમારને ટિકિટ મેળવવાના સતત પ્રયાસ છતાં નિરાશા સાંપડતાં છેવટે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઉત્તર ગુજરાતના તેમના ટેકેદારો મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર, બેચરાજી તાલુકા કોંગ્રેસપ્રમુખ વાઘુભા જાડેજા, બેચરાજીના પૂર્વ પ્રમુખ રણુભા ઝાલા,બેચરાજી તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ જશુ પ્રજાપતિ સહિતના 150 જેટલા આગેવાનોને ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.

ટ્વિટર પરથી કોંગ્રેસના હોદ્દાઓ હટાવ્યા
​​​​​​​આ ઉપરાંત જયરાજસિંહે આજે સવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી કોંગ્રેસ પક્ષ પરના પોતાના મુખ્ય પ્રવક્તા સહિતના તમામ હોદ્દાઓ દૂર કરી દીધા છે. માત્ર મહેસાણા જિલ્લાના પૂર્વ પ્રમુખ અને વિપક્ષના નેતાનો જ હોદ્દો રાખ્યો છે. ટ્વિટર એકાઉન્ટ પરથી હોદ્દાઓ દૂર કરવાનો મતલબ તેમણે કોંગ્રેસ પક્ષ છોડ્યો છે.

શું લખ્યું પત્રમાં
​​​​​​​​​​​​​​
મારા સાથી કાર્યકર્તાઓ અને શુભેચ્છકો, આપસૌ સાક્ષી છો કે કોંગ્રેસ પક્ષને હું હંમેશાં મારો પ્રથમ પરિવાર સમજતો હતો. દિલ અને દિમાગ બન્નેથી હું 24×7 પક્ષ માટે લડ્યો પણ છું અને જીવ્યો પણ છું. પક્ષે શું આપ્યું એની પરવા કર્યા સિવાય મેં પક્ષને મારું સર્વસ્વ સોંપી દીધું હતું. જયરાજસિંહનો ઉપયોગ ઢાલ તરીકે કરવો કે તલવાર તરીકે, એનો નિર્ણય મે પક્ષના સેનાપતિઓ પર છોડી એક વફાદાર સૈનિકનું કર્તવ્ય નિભાવ્યું. વિદ્યાર્થી કાળે રાજકારણમાં પગ મુક્યો ત્યારથી આજ દિન સુધી વૈચારિક સ્તરે હવાની ઉલટી દિશામાં પતંગ ચગાવવા જેવી કપરી કામગીરી પૂરી શક્તિ અને ક્ષમતાથી કરતો રહ્યો છું.વૈચારિક ધરાતલ પર હાથવગું હથિયાર લઈ મેદાને પડી જવામાં મેં ક્યારેય ખચકાટ અનુભવ્યો નથી. કોંગ્રેસ પક્ષની ઢાલ બનીને સડકથી લઈ મીડિયા અને સોશિયલ મીડિયા સુધી દિવસ-રાત જોયા સિવાય ઝઝૂમતો રહ્યો છું. પક્ષ સાચો હોય કે ખોટો, એનો બચાવ કરવામાં પાછું વળીને જોયું નથી. વિરોધીઓના ઘા સામી છાતીએ અને પોતાના લોકોના ઘા પીઠ પર ઝીલતો રહ્યો, પણ હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી. જિંદગીના મહામૂલાં 37 વર્ષ કોંગ્રેસ પક્ષ માટે ખપાવી દીધાં. યુવાવસ્થાની મસ્તી, પત્ની અને પુત્ર સમેત પરિવાર સાથે વિતાવવાનો સમય તથા વ્યાવસાયિક ઉદ્દેશ બધા કરતા કોંગ્રેસને પ્રાથમિકતા આપી. જીવન માણવા અને જીવવાના વિકલ્પ પૈકી પક્ષને જીવતો રાખવા જાતને ખપાવી દેવાનું મુનાસિબ માન્યું, પણ મિત્રો, હવે તમારો ભાઈ થાક્યો છે, લડવાથી નહીં, પણ લડવા નહિ માગતા નેતાઓની નિષ્ક્રિયતાથી થાક્યો છે.મારા અને તારા વચ્ચે ખુવાર થતી સારા કાર્યકરોની વફાદારી જોઈ થાક્યો છે. પરાજય પસંદ નેતાઓની હારને ગળે વળગાડી પક્ષની જીત માટે ઝઝૂમતા કાર્યકરોને અળગા કરી દેતી માનસિકતાએ મને થકવ્યો છે. પક્ષના નેતૃત્વને સંગીત ખુરશીની રમત બનાવી દઈ ” વારા પછી વારો, તારા પછી મારો “ના સ્વાર્થીપણાનો ભાર હવે થકવી રહ્યો છે.કોંગ્રેસ પક્ષને પોતાની અંગત મિલકત સમજી વરસોથી કબજો જમાવી બેઠેલા લોકોના માલિકી હક્ક સામે જ્યારે જરૂર પડી ત્યારે મેં અનેક વખત અળખા થઈને પણ અવાજ ઉઠાવ્યો છે. પક્ષને સત્તામાં આવતો જોવાની જિજીવિષા લઈને નહિ, પણ પક્ષ જીવતો રહે એની બેચેની સાથે એમાં પ્રાણ પૂરવાના અથાક પ્રયત્નો મેં કર્યા છે. વ્યક્તિગત નુકસાન ઉઠાવીને પણ સાચું કહેવામાં પાછીપાની નથી કરી. ગુજરાતમાં છેલ્લાં 27 વર્ષથી કોંગ્રેસ સત્તાની બહાર છે છતાં આજેય પક્ષે હારેલા ઘોડાઓ પર દાવ લગાડવાની પરિપાટી જાળવી રાખી છે. ગુજરાતનો કોઈપણ જિલ્લો કે શહેર જોઈ લો, તમને જાજમનો છેડો દબાવીને બેઠેલા એના એ જૂના પુરાણા ચહેરાઓ નજરે પડશે.જુદી જુદી સમિતિઓ બનાવવાની હોય, નિરીક્ષકો નીમવાના હોય, ચૂંટણી લડનારાઓની યાદી બનાવવાની હોય તો હંમેશાં વર્ષો સુધી જૂની યાદીની ઝેરોક્સ કરાવી માથે મરાય છે. હા, જવાબદારીઓ બદલાય, પણ બદલાયેલા સ્થાને ચહેરા તો એ જ સામે આવે. જે નેતાઓ પોતાની જમીન સાચવી શક્યા નથી તેમને જ જમીનદાર બનાવી કોંગ્રેસને પાંચ-પચીસ લોકોની જાગીર બનાવી દેવાઈ છે.