લાંબા સમય સુધી ભાડાના મકાનમાં રહેવાની અપેક્ષા ધરાવતી પેઢી હવે વહેલા ઘર ખરીદી રહી છેઃ મોટે ભાગે 30 વર્ષની ઉંમર પહેલાં જ તેઓ આવું કરે છે
કોટક મહિન્દ્રા બેંકના ડેટા અનુસાર ભારતીયો જે ઉંમરે તેમનું પ્રથમ ઘર ખરીદે છે તેમાં ઘટાડો થઈ રહ્યો છે અને હોમ લોન માર્કેટમાં ‘જનરેશન Z’ (Gen Z) સૌથી ઝડપથી વિકસતો વર્ગ બનીને ઊભરી રહ્યો છે.
બેંકના ડેટા દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2024 અને 2026 વચ્ચે 25 થી 30 વર્ષની ઉંમરના હોમ લોન લેનારાઓની સંખ્યામાં 86%નો વધારો થયો છે, જે 1,234થી વધીને 2,290 થઈ છે. બે વર્ષમાં કોટકના વ્યક્તિગત હોમ લોન લેનારાઓમાં જનરેશન Zનો હિસ્સો 6%થી વધીને 9% થયો છે (જે તેમના યોગદાનમાં 50%નો વધારો દર્શાવે છે), જેનાથી તેઓ બેંકની હોમ લોન બુકમાં સૌથી ઝડપથી વિકસતો યુવા વર્ગ બન્યા છે. તેની સરખામણીમાં આ જ સમયગાળા દરમિયાન 30-45 વર્ષની ઉંમરના હોમ લોન લેનારાઓની સંખ્યામાં 26%નો વધારો થયો છે.
આ વલણ યુવા ભારતીયોના ઘરની માલિકી અંગેના અભિગમમાં આવેલા બદલાવને સૂચવે છે. જે લક્ષ્યને અગાઉની પેઢીઓ ઘણી વાર જીવનના ઉત્તરાર્ધમાં હાંસલ કરતી હતી તે હવે ઘણી વહેલી ઉંમરે પ્રાપ્ત થઈ રહ્યું છે.
વર્ષો સુધી એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે જનરેશન Z લાંબા સમય સુધી ભાડાના મકાનમાં રહેશે, મોટી નાણાકીય જવાબદારીઓ લેવામાં વિલંબ કરશે અને જીવનશૈલીમાં ફ્લેક્સિબિલિટીને પ્રાધાન્ય આપશે. જોકે ડેટા સૂચવે છે કે જ્યારે ઘરની વાત આવે છે ત્યારે ઘણા યુવા ભારતીયો અપેક્ષા કરતાં વહેલા લાંબા ગાળાના નિર્ણયો લઈ રહ્યા છે.
કોટક મહિન્દ્રા બેંકના હોમ લોન વિભાગના પ્રમુખ નકુલ સક્સેનાએ જણાવ્યું હતું કે, “ભારતીય પરિવારોમાં ઘરની માલિકીનું સ્થાન વિશેષ રહ્યું છે. બદલાવ એ ઉંમરમાં આવી રહ્યો છે કે જ્યારે લોકો આ નિર્ણય લે છે. અમે જોઈ રહ્યા છીએ કે યુવા લોન લેનારાઓ પહેલાં કરતાં વધુ સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ સાથે બજારમાં પ્રવેશી રહ્યા છે.”
ઘણા પરિવારોમાં યુવા વ્યાવસાયિકો એવી ઉંમરે ઘર ખરીદી રહ્યા છે જ્યારે તેમનાં માતા-પિતા હજુ ઘર માટે બચત કરી રહ્યાં હતાં. કેટલાક કિસ્સાઓમાં સંતાનો પોતાની કમાણી દ્વારા માતા-પિતાની ઘરની માલિકીની ઈચ્છાઓ પૂરી કરવામાં મદદ કરી રહ્યા છે. અન્ય કિસ્સાઓમાં બેવડી આવક ધરાવતા પરિવારો એવા નિર્ણયોને ઝડપી લઈ રહ્યા છે જેને અગાઉની પેઢીઓએ કદાચ વર્ષો સુધી મુલતવી રાખ્યા હોત.
એવું જણાય છે કે ઘર અંગેની પ્રાથમિકતાઓને નવો આકાર આપવામાં મહામારીએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ઘરમાં લાંબો સમય વિતાવવાને કારણે ઘણા યુવા પરિવારોએ જગ્યા, પ્રઈવસી, હવાઉજાશ, બાંધકામની ગુણવત્તા અને સામુદાયિક જીવનશૈલીને વધુ મહત્ત્વ આપવાનું શરૂ કર્યું છે. ઘર માત્ર રહેવાની જગ્યા કરતાં કંઈક વિશેષ બની ગયું છે; તે રહેવા, કામ કરવા અને ભવિષ્ય ઘડવા માટેનું એક સ્થળ બની ગયું.
આ બદલાવ માનસિકતામાં આવેલા વ્યાપક પરિવર્તનને પણ દર્શાવે છે. કોયડાના તમામ ટુકડાઓ યોગ્ય રીતે ગોઠવાય તેની રાહ જોવાને બદલે ઘણા યુવા ખરીદદારો તેમની આકાંક્ષાઓને વહેલી તકે સાકાર કરવાનો નિર્ણય લઈ રહ્યા છે. અગાઉની પેઢીઓ માટે ઘરની માલિકી ઘણી વાર કારકિર્દી અને આર્થિક પ્રગતિનાં વર્ષો પછી મળતી હતી. આજે ઘણા યુવા ભારતીયો ઘરને એવી વસ્તુ તરીકે જુએ છે જે સ્થિરતા લાવવામાં મદદ કરી શકે છે, નહીં કે એવી વસ્તુ જેના માટે સંપૂર્ણ સ્થિરતા પ્રાપ્ત થાય ત્યાં સુધી રાહ જોવી પડે.
આ સાથે ઉચ્ચ શિક્ષણનો સ્તર, કારકિર્દીમાં વહેલી પ્રગતિ અને આવકમાં વૃદ્ધિ ઘણા યુવા ભારતીયોને અગાઉની પેઢીઓની સરખામણીમાં વહેલા ઘરના માલિક બનવામાં મદદ કરી રહ્યા છે.
“અમે વધુ દ્રઢ નિશ્ચય જોઈ રહ્યા છીએ. યુવા ખરીદદારો જીવનમાં વહેલાસર તેમની આકાંક્ષાઓને અમલમાં મૂકવાનો આત્મવિશ્વાસ દર્શાવી રહ્યા છે, તેના બદલે કે તેઓ સંપૂર્ણ રીતે સ્થાયી થવાની રાહ જુએ,” એમ સક્સેનાએ કહ્યું. “કોટકમાં તે દ્રઢ નિશ્ચયને કાર્યમાં પરિવર્તિત કરવામાં મદદ કરીને તેમની આ સફરમાં તેમને ટેકો આપતા અમને ગર્વ છે.”
આ વલણ યુવા ખરીદદારોના હાઉસિંગ માર્કેટમાં પ્રવેશવાની રીતને પણ બદલી રહ્યું છે. મોટા ‘ફોરેવર હોમ’ ખરીદવાની રાહ જોવાને બદલે ઘણા લોકો તેમના વર્તમાન બજેટ અને જીવનના તબક્કાને અનુરૂપ ઘર ખરીદી રહ્યા છે અને પ્રથમ ખરીદીને ભવિષ્યની આર્થિક વૃદ્ધિ તરફના એક મહત્ત્વપૂર્ણ પગલાં તરીકે જોઈ રહ્યા છે.
કોટકના જણાવ્યા અનુસાર યુવા લોન લેનારાઓની સંખ્યામાં વધારો ભારતના હાઉસિંગ માર્કેટમાં વ્યાપક પરિવર્તન તરફ નિર્દેશ કરે છે.
‘જનરેશન ઝેડ’ના વધતા જતા વર્ગ માટે આ તેમના દ્વારા લેવામાં આવતા પ્રથમ મોટા નાણાકીય નિર્ણયમાંનો એક બની રહ્યો છે. ઘરની માલિકી એ ઊંડી આકાંક્ષા છે, પરંતુ યુવા ખરીદદારો અગાઉની પેઢીઓ કરતાં અલગ રીતે તેને પ્રાપ્ત કરી રહ્યા છે. સંપૂર્ણ ક્ષણની રાહ જોવાને બદલે ઘણા લોકો વહેલું પ્રથમ પગલું ભરવાનું પસંદ કરી રહ્યા છે અને ઘરની માલિકીનો ઉપયોગ સ્થિરતા લાવવા, લાંબા ગાળાની સંપત્તિનું સર્જન કરવા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે કરી રહ્યા છે.
ફલેક્સિબિલિટી અને સતત પરિવર્તન સાથે સંકળાયેલી પેઢી માટે ઘરની માલિકી સ્થિરતાના પ્રારંભિક સંકેત તરીકે ઊભરી રહી છે અને હકીકતમાં તે પહેલાં કરતાં વહેલી પ્રાપ્ત થઈ રહી છે.
