આયશાને મરવા મજબૂર કરનાર ક્રૂર આરીફને આજે કોર્ટમાં રજૂ કરાશે

0
11
આપઘાત પહેલા આયેશાએ તેના માતાપિતા અને પતિ આરીફ સાથે લાંબી વાતચીત કરી હતી. આયેશાના આપઘાત બાદ તેનો પતિ ફરાર થઈ ગયો હતો.
આપઘાત પહેલા આયેશાએ તેના માતાપિતા અને પતિ આરીફ સાથે લાંબી વાતચીત કરી હતી. આયેશાના આપઘાત બાદ તેનો પતિ ફરાર થઈ ગયો હતો.

આરીફની મોં પર કોઇ રંજ દેખાતો નથી, આરીફને અન્ય મહિલા સાથે સંબંધ હતો: આયેશાના પિતા

અમદાવાદ: ઘણો જ ચર્ચિત આયેશા આપઘાત કેસમાં આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી લેવામાં આવી છે. આયેશાના પતિ આરિફ બાબુખાન ગફુરજીને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો છે. આજે બુધવારે આરિફને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રિવરફ્રન્ટ પોલીસની ટીમે રાજસ્થાનના પાલી ખાતેથી તેની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, આયેશાએ પતિ આરિફ, તેનાં માતાપિતા અને બહેન વિરુદ્ધ વટવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી એક વર્ષથી આયશા તેના પિતાના ઘરે જ રહેતી હતી.અમદાવાદ ખાતે લવાયા બાદ આરીફને જાણે તેની પત્ની આયેશાના મોતનું જરા પણ દુઃખ ન હોય તે રીતે તેણે હસતા મોઢે મીડિયા સામે પોઝ આપ્યો હતો. બીજી તરફ તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી દેશભરમાંથી માંગણી ઉઠી છે. પોલીસે આરીફની આઈપીસીની કલમ 306 (આપઘાત માટે ઉશ્કેરણી) હેઠળ ધરપકડ કરી છે. આ ઉપરાંત આરીફ અને તેના માતાપિતા સામે ઘરેલું હિંસાનો કેસ પણ ચાલી રહ્યો છે.સોમવારે આયેશાના પિતા લિયાકતઅલીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પાસે ન્યાયની માંગણી કરી છે. તેના પિતાનું કહેવું હતું કે, તેની દીકરી દુનિયામાં નથી રહી પરંતુ અન્ય કોઈ દીકરી સાથે આવું ન બને તે માટે આરીફને કડકમાં કડક સજા થાય તે જરૂરી છે. આ દરમિયાન એવા આક્ષેપ પણ થયા છે કે, આરીફને અન્ય મહિલા સાથે સંબંધ હતા. એટલું જ નહીં, તે આયેશાની સામે જ તેની મહિલા મિત્ર સાથે વાતચીત કરતો હતો. એટલું જ નહીં, તે આયેશાને ઘરમાંથી બહાર નીકળી જવા માટે દબાણ કરતો હતો.