ઝાયડસે કોરોના વેક્સિન બનાવવા દોઢ વર્ષમાં રૂ. 500 કરોડ ખર્ચ્યા,પંકજ પટેલની સંપત્તિ રૂ. 900 કરોડ વધી

0
21
પંકજ પટેલ અત્યારે ભારતના અમીરોની યાદીમાં 22મા સ્થાને
પંકજ પટેલ અત્યારે ભારતના અમીરોની યાદીમાં 22મા સ્થાને

ગુજરાતની અગ્રણી ફાર્મા કંપની ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન ZyCoV-Dને 20 ઓગસ્ટે મોડી સાંજે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) તરફથી ઇમર્જન્સી યુઝ ઓથોરાઇઝેશન (EUA)મળતાંની સાથે ઝાયડસ ગ્રુપના ચેરમેન પંકજ પટેલની સંપત્તિમાં રૂ. 919 કરોડ (124 મિલિયન ડોલર)નો વધારો થયો છે. ફોર્બ્સ બિલિયોનેર ઈન્ડેક્સના રિયલ ટાઈમ ડેટા મુજબ પંકજ પટેલની નેટવર્થ એક જ દિવસમાં વધીને રૂ. 44.48 હજાર કરોડ (6 અબજ ડોલર) પર પહોંચી ગઈ છે.હાલની સ્થિતિએ કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન પંકજ પટેલ ભારતના 22મી સૌથી અમીર વ્યક્તિ છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સ મુજબ, વૈશ્વિક સ્તરે તેઓ 495મા નંબર પર છે. ભારતના ફાર્મા સેક્ટરમાં કેડિલા ફાર્માનો ટોચની 10 કંપનીમાં સમાવેશ થાય છે.ઝાયડસ કેડિલાના મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલે શનિવારે જણાવ્યું હતું કે કોરોનાની વેક્સિન ડેવલપમેન્ટ અને એના ઉત્પાદન પાછળ કંપનીએ અત્યારસુધીમાં આશારે રૂ. 450-500 કરોડનું રોકાણ કર્યું છે. કંપની આવનારા સમયમાં વેક્સિન સંદર્ભે વધુ ઇન્વેસ્ટમેન્ટ પણ કરશે. ટૂંક સમયમાં ZyCoV-Dનું પ્રોડક્શન શરૂ કરવામાં આવશે અને સપ્ટેમ્બરના બીજા સપ્તાહ બાદથી અમારી રસી બજારમાં મળતી થઈ જશે. પ્રારંભિક તબક્કે સપ્ટેમ્બર અંત સુધીમાં 30-40 લાખ ડોઝનું ઉત્પાદન કરવાનો પ્લાન છે.વેક્સિનને મંજૂરી મળી એ દિવસે પંકજ પટેલે કહ્યું હતું કે ZyCoV-D બનાવવી એ અમારા માટે ઐતિહાસિક સિદ્ધિ છે. ભારતીય ઇનોવેશનમાં માનવીના ઉપયોગ માટે વિશ્વની પ્રથમ ડીએનએ વેક્સિન બની છે તથા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને સપોર્ટ કરે છે. અમને ખુશી છે કે અમારી રસી કોવિડ-19 સામેની લડાઇમાં યોગદાન આપશે તેમજ વિશેષ કરીને 12-18 વર્ષના વયજૂથની વિશાળ જનસંખ્યાનું રસીકરણ કરશે. હું તમામ સંશોધકો, ક્લિનિકલ ટ્રાયલ ઇન્વેસ્ટિગેટર્સ, સ્વયંસેવકો અને નિયમનકારોનો આભારી છું કે જેમણે આ પ્રયાસમાં સહયોગ કર્યો છે.નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ડેટા મુજબ, કેડિલા હેલ્થકેરના શેરમાં 23 ઓગસ્ટે 2.06 કરોડ શેરનું ટ્રેડિંગ વોલ્યુમ જોવા મળ્યું હતું. આગલા ટ્રેડિંગ દિવસ 20 ઓગસ્ટે વોલ્યુમ 51.12 લાખ શેર નોંધાયું હતું. આ હિસાબે ટ્રેડિંગ વોલ્યુમ આશારે 4 ગણું વધ્યું હતું. મૂલ્યની દૃષ્ટિએ જોઈએ તો સોમવારે રૂપિયા 1150 કરોડના શેરોમાં લે-વેચ થઈ હતી. શુક્રવારે આ મૂલ્ય રૂપિયા 274 કરોડ હતું.