ન્યૂયોર્ક સિટી પોલીસ ટ્રમ્પ ટાવરની આસપાસ મેટલ બેરિયર્સ લગાવી દીધા છે
ટ્રમ્પના સમર્થનમાં ન્યૂયોર્કમાં વિરોધ પ્રદર્શન થઇ શકે છે
અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરી શકે છે. ટ્રમ્પ ગઈકાલે મોડી રાત્રે ન્યૂયોર્ક પહોંચ્યા હતા. આ પહેલા મેનહટન પોલીસે સુરક્ષા વ્યવસ્થા કરી હતી. પોલીસે 35 હજાર અધિકારીઓને તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે.
કોર્ટહાઉસ પાસે રસ્તાઓ બ્લોક કરી દેવાયા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને આપવામાં આવેલી રકમના મુદ્દે ધરપકડથી બચવા માટે આત્મસમર્પણ કરશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ શક્યતાને ધ્યાને લઇ ન્યૂયોર્ક સિટી પોલીસ ટ્રમ્પ ટાવરની આસપાસ મેટલ બેરિયર્સ લગાવી દીધા છે. મેનહટન ક્રિમિનલ કોર્ટહાઉસ પાસે રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે. પોલીસના માનવા મુજબ ટ્રમ્પના સમર્થકો તેમની હાજરી પહેલા કોર્ટની આસપાસ વિરોધ પ્રદર્શન કરી શકે છે. ગ્રાન્ડ જ્યુરી તપાસે તેની સામે આરોપ મંજૂર કર્યો. ટ્રમ્પ ગઈકાલે પોતાના પ્રાઈવેટ વિમાનમાં ન્યૂયોર્ક પહોંચ્યા હતા. આજે કોર્ટમાં સુનાવણી બાદ તે ફ્લોરિડા રિસોર્ટમાં પરત ફરી રાત્રે પોતાના સમર્થકોને સંબોધિત કરી શકે છે.
ટ્રમ્પના સમર્થનમાં ન્યૂયોર્કમાં વિરોધ પ્રદર્શન થઇ શકે છે
રિપબ્લિકન કોંગ્રેસવુમન ટેલર ગ્રીન સહિતના ટોચના સમર્થકો ટ્રમ્પના સમર્થનમાં વિરોધ કરવા માટે આજે ન્યૂયોર્ક આવી શકે છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ માર્જોરી ટેલર ગ્રીનને ટ્રમ્પના કટ્ટર સમર્થક માનવામાં આવે છે. ન્યૂયોર્ક યંગ રિપબ્લિકન ક્લબ પણ ટ્રમ્પ પર થઈ રહેલી કાર્યવાહીનો વિરોધ કરવા જઈ રહી છે. ક્લબના સભ્યો કોર્ટહાઉસથી આજુબાજુના પાર્કમાં વિરોધ પ્રદર્શન કરી શકે છે. કોર્ટ પરિસરની પાસે પોલીસની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.