
નેશનલ એસેમ્બલીમાં વિપક્ષી નેતા રાજા રિયાઝ અહમદ ખાને ઇમરાનને જાહેરમાં ફાંસી આપવાની માગણી કરી છે. તેમણે કહ્યું કે તેને જાહેરમાં ફાંસી આપવી જોઈએ તેને બદલે કોર્ટે તેનું સ્વાગત કરી રહી છે કે જાણે કે તે તેમનો જમાઈ હોય.
ઇમરાન ખાનની મુકિતના વિરોધમાં પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટ (પીડીએમ) સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રદર્શન કરી રહી છે. પીડીએમ તે વિવિધ રાજકીય પક્ષોનું સંગઠન છે. જેમાં સત્તાધારી પક્ષ પાકિસ્તાન મુસ્લીમ લીગ (નવાઝ), જમીયત ઉલેમા એ ઇસ્લામ ફઝલ (જેયુઆઈએફ) પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) સહિત ઘણી પાર્ટીઓ સામેલ છે. તેમણે દેશના મુખ્ય ન્યાયાધિશ વિરુદ્ધ પણ નારા બાજી કરી હતી.
તે સર્વ વિદિત છે કે ઇમરાનની ધરપકડ પછી સમગ્ર દેશમાં તોફાનો ફાટી નીકળ્યા છે. તેમાં લાહોરમાં તો અસામાન્ય તોફાનો ફાટી નીકળ્યા હતા. (લાહોર ઇમરાનનું વતનનું શહેર છે) ત્યાં તો ૭ દિવસ સુધી કલમ ૧૪૪ લાગુ કરાઈ છે.
બીજી તરફ ઇમરાન ખાનને તુર્ત જ મુકત કરવાનો આદેશ આપનાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ઉમર યાતા બંદીયાલ વિરુદ્ધ પણ નારાબાજી થઈ હતી. નેશનલ એસેમ્બલીમાં પણ એક પ્રસ્તાવ પસાર કરાયો છે કે જેમાં કોર્ટના જજો વિરુદ્ધ રેફરન્સ (સંદર્ભ) તૈયાર કરવા માટે પાંચ સભ્યોની સમિતિ રચવા માગણી કરાઈ છે. બંદીયાલનાં તે ચુકાદા પછી પાકિસ્તાન સરકાર ખુલ્લે આમ તેની વિરુદ્ધ થઈ ગઈ છે અને તેઓ વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવવા નિર્ણય કરાયો છે.
પાકિસ્તાનની સત્તા રૂઢ ગઠબંધન સરકારે ન્યાયપાલિકા ઉપર પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનનો પક્ષ લેવાનો રાજકારણમાં સામેલ થવાનો અને હુમલા કરનાર હુમલાખોરોનું સમર્થન કરવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.