ઉત્તરાયણ પર ફ્લેટના ધાબા પર ભીડ ભેગી થશે તો ચેરમેન જવાબદાર : હાઈકોર્ટ

0
18
હાઈકોર્ટે કહ્યું કે, ગર્ભવતી મહિલાઓ અને 65 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ અને કો-મોર્બોડિટી ધરાવતા લોકો ધાબે ન જાય તે હિતાવહ છે.
હાઈકોર્ટે કહ્યું કે, ગર્ભવતી મહિલાઓ અને 65 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ અને કો-મોર્બોડિટી ધરાવતા લોકો ધાબે ન જાય તે હિતાવહ છે.

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. ત્યારે ઉત્તરાયણની ખરીદી તેમજ પતંગ-દોરાની વેચાણ પર પ્રતિબંધની માગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં પક્ષકાર તરીકે જોડાવવા માટે ગુજરાતના પતંગ ઉત્પાદકોના એસોએસિએશને હાઇકોર્ટમાં પિટિશન કરી છે. તેમની માગણી છે કે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો લોકોની જીવાદોરીનો આધાર ઉત્તરાયણના તહેવારની ઉજવણી છે. તેથી હાઇકોર્ટે ઉજવણી કે પતંગ-દોરાના વેચાણ પર પ્રતિબંધ ન ફરમાવવો જોઇએ. આ કેસની આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે સરકારે કોર્ટમાં માર્ગદર્શિકા રજૂ કરી હતી. ધાબા, મેદાન કે રસ્તા પર ઉત્તરાયણ મનાવી શકાશે નહીં. પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ વ્યક્તિ હાજર રહી શકશે નહીં. ટેરસ કે અન્ય સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ શકશે નહીં. ફ્લેટમાં ભીડ ભેગી થઈ તો ચેરમેન જવાબદાર ગણાશે. 11, 12, 13 અને 14 જાન્યુઆરીના રોજ રાત્રિ કર્ફ્યુનો કડકાઈથી અમલ કરવામાં આવશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભંગ બદલ કડક કાર્યવાહી કરાશે. હાઈકોર્ટે કહ્યું કે, ગર્ભવતી મહિલાઓ અને 65 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ અને કો-મોર્બોડિટી ધરાવતા લોકો ધાબે ન જાય તે હિતાવહ છે. અમે કોઈ ધર્મની વિરુદ્ધમાં નથી પરંતુ કોરોના સંક્રમણ ન ફેલાય તેના માટે પૂરતી તકેદારી રાખવી જરૂરી છે.એડવોકેટ જનરલે નિવેદન આપ્યું કે, એક વર્ષમાં 640 કરોડ રૂપિયાથી વધુના પતંગ વેચાય છે એક લાખથી વધુ લોકોને રોજગારી મળે છે તેમને રોજગારી છીનવાઈ તે યોગ્ય નથી.મૂળ જાહેર હિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે ઉત્તરાયણ દરમિયાન મહામારી વકરે નહીં તે માટે 9થી 17મી જાન્યુઆરી સુધી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ ફરમાવવો જોઇએ. આ ઉપરાંત લોકો પતંગ-દોરી ખરીદવા બજારોમાં ઉમટી ન પડે તે માટે પતંગ-દોરીના વેચાણ પર પણ પ્રતિબંધ હોવો જોઇએ. પતંગ ઉત્પાદકોની રજૂઆત છે કે જો આવો પ્રતિબંધ લાદવામાં આવશે તો સમગ્ર વર્ષ દરમિયાન તેમણે કરેલી મહેનત વ્યર્થ જશે અને તેમના જીવનનિર્વાહ પર ખૂબ જ વિપરિત અસર થશે. મૂળ અરજદારે કરેલી માગણી પતંગ ઉત્પાદકોના બંધારણી અધિકાર પર તરાપ સમાન હોવાની રજૂઆત પણ આ અરજદારો દ્વારા
કરવામાં આવી છે.