ઓટો ક્ષેત્રે મંદી : બે લાખથી વધુ કર્મીઓએ જાબ ગુમાવી

0
58

નવી દિલ્હી, તા. ૪
વાહનોના વેચાણમાં ભારે ઘટાડાની વચ્ચે દેશભરમાં વાહન ડીલરની સંખ્યામાં ભારે ઘટાડો થઇ રહ્યો છે. કર્મચારીઓને બહારના રસ્તા બતાવવામાં આવી રહ્યા છે. ઉદ્યોગ સંગઠન ફેડરેશન ઓફ ઓટો મોબાઇલ ડીલર્સ એસોસિએશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા ત્રણ મહિનાના ગાળા દરમિયાન રિટેલ વેચાણકારો દ્વારા વેચાણમાં ભારે ઘટાડો થવાના કારણે બે લાખથી વધુ કર્મચારીઓની નોકરી જતી રહી છે. સંગઠને એમ પણ કહ્યું છે કે, નજીકના ભવિષ્યમાં સ્થતિમાં સુધારો થાય તેવી શક્યતા પણ નહીંવત દેખાઈ રહી છે જેના પરિણામ સ્વરુપે હજુ બીજા શો રુમ પણ બંધ કરવામાં આવી શકે છે. છટણીનો સિલસિલો જારી રહી શકે છે. ફાડાના અધ્યક્ષ આશિષ હર્ષરાજે કહ્યું છે કે, વેચાણમાં ઘટાડાના પરિણામ સ્વરુપે ડિલરોની પાસે શ્રમબળમાં કાપ સિવાય અન્ય કોઇ વિકલ્પો રહ્યા નથી. હર્ષરાજે એમ પણ કહ્યું છે કે, સરકારને વાહન ઉદ્યોગને રાહત આપવા માટે જીએસટીમાં કાપ જેવા ઉપાય કરવાની જરૂર છે. હાલમાં મોટાભાગની કંપનીઓ છટણી કરવાની પ્રક્રિયામાં લાગેલી છે. છટણીની સાથે સાથે વેચાણને લઇને ચિંતાતુર રહેલી કંપનીઓ વલણ બદલી શકે છે. આના કારણે ટેકનિકલ સ્તરની નોકરીઓ ઉપર પ્રતિકુળ અસર થશે. દેશભરમાં ડિલરશીપમાં કેટલા લોકોની નોકરી જતી રહી છે તે અંગે પૂછવામાં આવતા હર્ષરાજે કહ્યું હતું કે, હજુ સુધી બે લાખ લોકોને બહાર કરવામાં આવી ચુક્યા છે. દેશભરમાં ૧૫૦૦૦ ડિલરો દ્વારા સંચાલિત ૨૬૦૦૦ વાહન શો રુમમાં આશરે ૨૫ લાખ લોકોને પ્રત્યક્ષ રોજગાર મળી ચુક્યા છે.