ક્રિકેટરોના ડોપ ટેસ્ટ નાડા જ કરશે : જુલાનિયાની ઘોષણા

0
24

નવી દિલ્હી, તા. ૯
વર્ષો સુધી રુચિ નહીં દર્શાવનાર ભારતીય ક્રિકેટ બોર્ડ છેલ્લે રાષ્ટ્રીય ડોપિંગ નિરોધક એજન્સી (નાડા)ના દાયરામાં આવવા માટે તૈયાર થઇ ગયું છે. રમત સચિવ રાધેશ્યામ જુલાનિયાએ શુક્રવારે આ માહિતી આપી હતી. બીસીસીઆઈ સીઈઓ રાહુજ જાહરી સાથે શુક્રવારે મુલાકાત કર્યા બાદ જુલાનિયાએ કહ્યું હતું કે, બોર્ડે લેખિતમાં આપ્યું છે કે, નાડાની ડોપિંગ નિરોધક નીતિનું પાલન કરશે. તેમણે કહ્યું હતું કે, હવે તમામ ક્રિકેટરોના ટેસ્ટ નાડા કરશે. તેમણે કહ્યું હતું કે, બીસીસીઆઈએ અમારી સમક્ષ ત્રણ મુસદ્દા મુક્યા હતા જેમાં ડોપ ટેસ્ટ કિટ્‌સની ગુણવત્તા, પૈથાલોજિસ્ટની કાબિલિયત અને નમૂના એકત્રિત કરવાની પ્રક્રિયા સામેલ હતી. તેમણે કહ્યું હતું કે, અમે તેમને આશ્વાસન આપ્યું હતું કે, તેમને તેમની જરૂરિયાત મુજબ સુવિધાઓ આપવામાં આવશે પરંતુ તેની થોડીક ફી લાગશે. બીસીસીઆઈ બીજાથી અલગ નથી. હજુ સુધી બીસીસીઆઈ નાડાના દાયરમાં આવવા માટે ઇન્કાર કરી રહ્યું હતું. બીસીસીઆઈનો દાવો હતો કે, તે સ્વાયત્ત સંસ્થા છે, કોઈ રાષ્ટ્રીય ખેલ મહાસંઘ નહીં અને સરકારથી ફંડિંગ પણ નથી લેતું. રમત-ગમત મંત્રાલય સતત કહી રહ્યું હતું કે, તેમને નાડા હેઠળ આવવું જ પડશે. તેમણે હાલમાં જ દક્ષિણ આફ્રિકા-એ અને મહિલા ટીમોના પ્રવાસની મંજુરી રોકી દીધી હતી. ત્યારબાદ અટકળો કરાઈ રહી હતી કે બીસીસીઆઈ પર નાડા હેઠળ આવવાના દબાણ બનાવવાના હેતુસર જ આવું કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ સુધી બીસીસીઆઈ દ્વારા નાડાનો વિરોધ કરાઈ રહ્યો હતો. હવે તમામ ક્રિકેટરોના ડોપ ટેસ્ટ નાડા દ્વારા કરવામાં આવશે.