ખેડૂતો પ્રજાસત્તાક દિને દિલ્હીમાં ટ્રૅક્ટર પરૅડ યોજવા મક્કમ

0
30
આમ છતાં, ખેડૂતોને આ નવા કૃષિ કાયદાથી પાકના લઘુતમ ટેકાના ભાવને અને ‘મંડી’ યંત્રણાને નુકસાન પહોંચવાનો ભય છે.
આમ છતાં, ખેડૂતોને આ નવા કૃષિ કાયદાથી પાકના લઘુતમ ટેકાના ભાવને અને ‘મંડી’ યંત્રણાને નુકસાન પહોંચવાનો ભય છે.

નવી દિલ્હી: ખેડૂત સંગઠનો નવા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં પ્રજાસત્તાક દિને દિલ્હીમાં ટ્રૅક્ટર પરૅડ યોજવા મક્કમ હોવાની રવિવારે જાહેરાત કરાઇ હતી.ખેડૂત સંગઠનોના નેતાઓએ દિલ્હીના સીમાડે વિરોધ-પ્રદર્શનના સ્થળે પત્રકાર પરિષદ યોજી હતી.ખેડૂત નેતા યોગેન્દ્ર યાદવે રવિવારે જણાવ્યું હતું કે અમે પ્રજાસત્તાક દિને દિલ્હીમાં આઉટર રિંગ રૉડ ખાતે ટ્રૅક્ટર પરૅડ યોજીશું. અમે ઘણી શાંતિથી પરૅડ કરીશું. અમે પ્રજાસત્તાક દિનની પરૅડમાં કોઇ વિઘ્ન ઊભું નહિ કરીએ. ખેડૂતો પોતાના ટ્રૅક્ટરો પર રાષ્ટ્રીય ધ્વજ મૂકશે.સત્તાવાળાઓએ ખેડૂતોની પ્રજાસત્તાક દિને યોજાનારી સૂચિત ટ્રૅક્ટર પરૅડ અને દેખાવ રોકવાની દાદ ચાહતી અરજી સર્વોચ્ચ અદાલતમાં કરી હતી અને તેની સુનાવણી હજી બાકી છે.ખેડૂતોના અન્ય નેતા દર્શનપાલ સિંહે આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોના દેખાવમાં ભાગ લઇ રહેલા અથવા તેઓને ટેકો આપી રહેલા લોકોની સામે નૅશનલ ઇન્વૅસ્ટિગૅશન ઍજન્સી દ્વારા કેસ કરાઇ રહ્યા છે.તેમણે નૅશનલ ઇન્વૅસ્ટિગૅશન ઍજન્સી દ્વારા એક ખેડૂત નેતાને પાઠવાયા હોવાનું કહેવાતા સમન્સના સંદર્ભે જણાવ્યું હતું કે બધા ખેડૂતો આ પગલાંને વખોડી કાઢે છે.દેશમાં તાજેતરમાં ઘડાયેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરવા સેંકડો ખેડૂતો, ખાસ કરીને પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કિસાનો દિલ્હીના સીમાડે છેલ્લા એક મહિનાથી દેખાવ કરી રહ્યા છે.સરકાર દાવો કરે છે કે આ નવા કૃષિ કાયદાથી ખેડૂતોની આવક વધશે.સરકાર ખેડૂત સંગઠનોનો આ ભય ખોટો હોવાનો દાવો કરીને આ કાયદા પાછા ખેંચવાનો ઇનકાર કરી રહી છે.