ગણપતિની પ્રતિમાઓની 70 હજારથી વધુ શહેરમાં સ્થાપના સાથે અક્ષત-કંકુથી શ્રીજીના વધામણાં

0
93
Mumbai: An idol of Coconut Cha Raja being placed in the pandal ahead of Ganesh Chaturthi, in Mumbai, Saturday, Aug 31, 2019. (PTI Photo) (PTI8_31_2019_000050B)

અમદાવાદ
ગણેશચર્તુર્થીની સવારે શુભ મુર્હૂતમાં શહેરમાં ઠેર-ઠેર ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી. એક અંદાજ મુજબ શહેરમાં અંદાજે 70 હજારથી વધુ નાની-મોટી શ્રીજી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. રવિવારે મોડી રાત સુધી શહેરના માર્ગો પર ધામધૂમથી શ્રીજીના આગમનની સવારીઓ નીકળી હતી અને સેંકડો સ્થળો પર શ્રીજીને મંડપમાં બિરાજમાન કરાયા હતા. મહિલાઓ દ્વારા અક્ષત-કંકુથી ગણેશના વધામણા કરીને તેમના આગમનને વધાવવામાં આવ્યું હતું.


ગણેશજીના આગમાન સાથે જ 10 દિવસ માટે શહેર ગણેશમય બની રહેશે. આ વખતે મોટા ભાગના ગણેશમંડળો પર્યાવરણના સંદેશાવાહક બન્યા છે અને તેઓએ ઈકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરી છે. ખાસ કરીને તમામ સોસાયટીઓ વિસ્તારમાં ગણેશજીની માટીની નાની પ્રતિમાઓની જ સ્થાપના કરવામાં આવી છે. જ્યારે મહોલ્લા અને જાહેરમાર્ગો પર જે યુવકમંડળો દ્વારા ગણેશ સ્થાપના કરવામાં આવી છે તેઓએ વિવિધ પોઝિટીવ સંદેશાઓ પ્રમાણે પોતાના મંડપના ડેકોરેશન અને થીમ તૈયાર કર્યા છે. સુરતીઓ અને ખાસ કરીને સુરતના ગણેશ મંડળોની સ્વયંભૂ જાગૃતિના કારણે તેઓ પર્યાવરણ બચાવોની થીમને સૌથી વધુ અપનાવી છે. અંદાજે 9 હજાર ગણેશમંડળો દ્વારા ગણેશ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે.  જોકે મંદીની બુમરાણ વચ્ચે સુરતમાં શ્રીજીની સવારીથી લઈને તેની સ્થાપના, ઈન્ટીરીયર ડેકોરેશન, લાઈટિંગ, પ્રસાદ વગેરે પાછળ લખલૂટ ખર્ચ કરાયો છે. 10 દિવસ દરમિયાન 120 કરોડથી વધુનો ખર્ચ સુરતના ગણેશ ઉત્સવ પાછળ થશે તેવો અંદાજ છે કેમકે સુરતના 50 મોટા ગણેશ મંડળોનું સરેરાશ બજેટ જ 25 લાખ રૂપિયા છે.

આમ પૂજા-અચર્ના, ઢોલ-નગારાં અને લાડુની સાથે અનેક પકવાનોના ભોગની સાથે શહેરમાં રંગેચંગે ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે. અમૂક સામાન્ય ઘટનાઓને બાદ કરતાં માહૌલ ઉત્સાહપૂર્ણ છે પરંતુ તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર વિભાગે વિવિધ ગણેશ મંડળોને ખાસ તકેદારી રાખવા સૂચના આપી છે અને આ વખતે ગણેશ મંડપ માટેના કડક નિયમો પણ પાલિકા દ્વારા બનાવવામાં આવ્યા છે. જેથી કોઈ દુર્ઘટના વિના ઉત્સાહ પૂર્વક ગણેશ ઉત્સવને લોકો માણી શકે.