અધિકારીની પુત્રીએ દંડ ભર્યો પણ મિત્રો સાથે પોલીસનો પીછો કર્યો..!

0
19

અમદાવાદ

  ટ્રાફિક નિયમભંગ માટે દંડ વસૂલાતની કડક કાર્યવાહી કરતી એક મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે અજીબોગરીબ ઘટના બની છે. આંચકારૂપ વાત એ છે કે, મહિલા ટ્રાફિક પોલીસે દંડ વસૂલ્યો તો તેનો ઘર સુધી પીછો કરાયો. પીછો કરનાર વ્યક્તિ એક મહેસૂલી અધિકારીની પુત્રી હતી. મહિલા પોલીસે કન્ટ્રોલ રૂમને ફોન કરતાં ‘મારા પિતા કલેક્ટર છે’ કહી દમ બતાવનાર યુવતી અને મિત્રોએ સોલા પોલીસ સ્ટેશન જવાનો વારો આવ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં કાર્યરત નાયબ મામલતદાર એવા પિતાએ પણ પુત્રીની ભૂલ માટે પોલીસને સજા કરવાની છૂટ આપી દીધી હતી પરંતુ ‘દીકરી અને કોલેજિયન મિત્રોની કારકિર્દી ન બગડે તે જોજો’ તેવી અધિકારીપદે બેઠેલાં એક પિતાની અપીલ મહિલા પોલીસને સ્પર્શી ગઈ હતી. આખરે, માફીપત્ર લખાવીને કોલેજિયનોને મુક્ત કરાયાં હતાં.
રવિવારે સાંજે વસ્ત્રાપુર તળાવ પાસે એ ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ ટ્રાફિક નિયમભંગ કરી રહેલા લોકો પાસેથી દંડ વસૂલી રહી હતી. ટુ વ્હીલર ઉપર ત્રણ સવારીમાં જતી ત્રણ યુવતીને ટ્રાફિક પોલીસની એક મહિલા કર્મચારીએ અટકાવી હતી. ટુ વ્હીલરચાલક યુવતીએ ‘મારા પિતા કલેક્ટર છે’ તેવી શેખી મારી હતી, પરંતુ ટ્રાફિક મહિલા પોલીસે તેની પાસેથી દંડ વસૂલવાનો આગ્રહ સેવ્યો હતો. મિત્રોની નજર સામે પિતાના હોદ્દાની અસર ન થતાં ટુ વ્હીલર ચાલક યુવતી સમસમી ગઈ હતી અને થોડે દૂર જઈને બેસી રહી હતી. ડ્યૂટી પૂરી થતાં ટ્રાફિક મહિલા કોન્સ્ટેબલ ઘરે જવા માટે નીકળી હતી.


દંડ ભરનાર યુવતી અને તેના મિત્રોએ ટ્રાફિક મહિલા પોલીસ કોન્સ્ટેબલનો પીછો કર્યો હતો. પીછો થતો જોઈ મહિલા કોન્સ્ટેબલે કન્ટ્રોલ રૂમને ફોન કરતાં સોલા પોલીસ આવી પહોંચી હતી અને તમામ લોકોને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. સામાન્ય બાબતમાં આઠથી દસ કોલેજિયનને કાયદાના ગુનેગાર ન બને તેવી માનવતા દાખવી યુવતીના પિતાને ફોન કરાયો હતો. અમદાવાદમાં એકલી રહી અભ્યાસ કરતી પુત્રી અને તેના મિત્રોને સજા કરવાની પણ કારકિર્દી ન જોખમાય તેવી અપીલ દક્ષિણ ગુજરાતમાં કાર્યરત નાયબ મામલતદાર પિતાએ કરી હતી. આખરે, મહિલા કોન્સ્ટેબલે ‘માફી’ આપવા તૈયારી બતાવતાં કોલેજિયનો પાસે ‘માફીપત્ર’ લખાવાયું હતું.