ત્રાસવાદી નેટર્વકને ધ્વસ્ત કરવા વધુ ૧૦ હજાર જવાનો ગોઠવાશે

0
34

શ્રીનગર, તા. ૨૭
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના કાશ્મીર પ્રવાસથી પરત ફર્યા બાદ હવે ૧૦ હજાર વધારાના સુરક્ષા જવાનો મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેટલાક જવાનોની તેનાતી પહેલાથી જ કરી દેવામાં આવી છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, વધારાના કેન્દ્રિય દળોની તૈનાતી કાશ્મીરમાં આતંકવાદી નેટવર્કને ધ્વસ્ત કરવા માટે કરવામાં આવી રહી છે. આતંકવાદી નેટવર્કની ખતમ કરવા માટે આવનાર દિવસોમાં ઓપરેશન વધુ તીવ્ર બનાવવામાં આવનાર છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ કહ્યું છે કે, કેન્દ્ર સરકારના નિર્ણયનો તેઓ વિરોધ કરી છે. મુફ્તીએ ટ્‌વીટ કરીને કહ્યું છે કે, કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ખીણમાં ભયનુ વાતાવરણ સર્જાઈ ગયું છે. મુફ્તીએ કહ્યું છે કે, ખીણમાં વધારાના ૧૦ હજાર જવાનોની તૈનાતીથી લોકોના મનમાં ભય ફેલાશે. કાશ્મીરમાં સુરક્ષા દળોની પહેલાથી જ કોઈ કમી નથી. આવી સ્થતિમાં હવે વધુ સંખ્યામાં જવાનોની તૈનાતી અનેક પ્રશ્નો ઉઠાવે છે. જમ્મુ કાશ્મીરની સમસ્યા રાજકીય છે. જેને સૈન્ય સંસાધનો મારફતે ઉકેલી શકાય તેમ નથી. ભારત સરકારને ફરીવાર વિચારણ કરીને પોતાની નિતીમાં ફેરફાર કરવાની જરૂર દેખાઈ રહી છે. સુત્રોના કહેવા મુજબ દેશના જુદા જુદા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવેલા કેન્દ્રિય સુરક્ષા દળોને વિમાન મારફતે સીધી રીતે કાશ્મીર પહોંચાડવામાં આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ડીજીપી દિલબાગ સિંહે કહ્યું છે કે, કાશ્મીરમાં સુરક્ષા દળોની બીજી ૧૦૦ કંપનીઓ તૈનાત કરવામાં આવી રહી છે. દરેક કંપનીમાં ૧૦૦ જવાનો રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા ૨૫મી જુલાઈના દિવસે વધારાના જવાનોની તૈનાતી આદેશ જારી કર્યો હતો. આ કેન્દ્રિય દળોમાં સીઆરપીએફ, બીએસએફ, એસએસબી અને આઈટીબીપીનો સમાવેશ થાય છે. સુત્રોએ કહ્યું છે કે, ડોભાલ ગુપ્ત રીતે કાશ્મીર ખીણમાં બુધવારના દિવસે પહોંચ્યા હતા. તેઓએ સુરક્ષા અને ગુપ્તચર સંસ્થાઓના ટોપ અધિકારીઓ સાથે અલગ અલગ રીતે બેઠકો યોજી હતી. આમા રાજ્યપાલના સલાહકાર કે વિજય કુમાર મુખ્ય સચિવ સુબ્રમણ્યમ, ડીજીપી દિલબાગસિંહ, આઈજી એસપી પાણીનો સમાવેશ થાય છે. કાશ્મીર પ્રવાસ દરમિયાન દિલ્હીથી આઈબીના ટોપના અધિકારીની ટીમ પણ એનએસની સાથે હતી. અમરનાથ યાત્રામાં પહેલાથી જ ૪૦ હજારથી વધુ જવાનો તૈનાત કરવામાં આવેલા છે.