દિલ્હીમાં ઇઝરાયલી રાજદૂતાલય નજીક વિસ્ફોટ

0
18
.’દરમિયાન, ચાલતી કારમાંથી જિંદાલ હાઉસ નજીકના રસ્તા પરના ડિવાઇડર ખાતે મળી આવેલો વિસ્ફોટક એક ફૂલદાનીમાં હતો.
.’દરમિયાન, ચાલતી કારમાંથી જિંદાલ હાઉસ નજીકના રસ્તા પરના ડિવાઇડર ખાતે મળી આવેલો વિસ્ફોટક એક ફૂલદાનીમાં હતો.

નવી દિલ્હી: અહીં લુટ્યન્સ દિલ્હી નામના વિસ્તારમાં આવેલી ઇઝરાયલની એલચી કચેરીની બહાર શુક્રવારે સાંજે નાનો આઇઇડી (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝીવ ડિવાઇસ) વિસ્ફોટ થયો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ આ ઘટનામાં કોઈને પણ ઈજા નહોતી પહોંચી. જોકે, અમુક કારને નુકસાન પહોંચ્યું હતું, એમ જણાવીને અધિકારીઓએ ઉમેર્યું હતું કે એપીજે અબ્દુલ કલામ રોડ પર ત્રણ બંબા મોકલી આપવામાં આવ્યા હતા.પોલીસે જણાવ્યું હતું કે આ વિસ્ફોટમાં કોઈ જ મિલકતને નુકસાન નથી પહોંચ્યું. જોકે, ત્રણ વાહનોના કાચ તૂટી ગયા હતા. ઘટના શુક્રવારે સાંજે ૫.૦૫ વાગ્યે બની હતી.ઇઝરાયલી વિદેશ મંત્રાલયે જેરુસેલમથી જણાવ્યું હતું કે એની કચેરીમાંના બધા જ રાજદૂતો અને સ્ટાફ મેમ્બરો સલામત છે. જોકે, ઇઝરાયલે આ વિસ્ફોટને ‘આતંકવાદી ઘટના’ ગણાવી છે.ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે ઇઝરાયલી વિદેશ પ્રધાન ગૅબી ઍશ્કનેઝી સાથે ઘટના સંબંધમાં ફોન પર ચર્ચા કરી હતી અને તેમને ખાતરી આપી હતી કે આ ઘટનાના એક પણ દોષીને નહીં છોડવામાં આવે. જયશંકરે પછીથી પત્રકારોને કહ્યું હતું કે ‘અમે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લીધી છે.’દરમિયાન, ચાલતી કારમાંથી જિંદાલ હાઉસ નજીકના રસ્તા પરના ડિવાઇડર ખાતે મળી આવેલો વિસ્ફોટક એક ફૂલદાનીમાં હતો. જોકે, બીજા એક અહેવાલ મુજબ ઝાડી-ઝાંખરામાં વિસ્ફોટક રાખવામાં આવ્યો હતો. સાંજે ૫.૧૧ વાગ્યે બંબા ખાતાને વિસ્ફોટ સંબંધમાં ફોન-કૉલ આવ્યો ત્યારે ઘટનાસ્થળથી થોડા જ કિલોમીટર દૂર રાજપથ ખાતે ‘બીટિંગ ધ રીટ્રીટ’નો કાર્યક્રમ ચાલુ હતો. સમગ્ર દિલ્હીમાં તેમ જ દેશના તમામ ઍરપોર્ટો ખાતે સલામતી વધુ સઘન બનાવવામાં આવી છે. ફૉરેન્સિક ટીમ પણ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી. દિલ્હી પોલીસના વધારાના જનસંપર્ક અધિકારી અનિલ મિત્તલે કહ્યું હતું કે ‘પ્રાથમિક તપાસ પરથી એવું જણાય છે કે સનસનાટી મચાવવા કોઈએ મજાક ખાતર આ વિસ્ફોટ કર્યો હશે.’ દરમિયાન, કેન્દ્રીય અનામત પોલીસ દળની ટુકડી તથા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની ટીમને સતર્ક કરી દેવામાં આવી હતી અને ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીના પોલીસ કમિશનર આલોકકુમાર વર્મા સાથે તથા ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી)ના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.