નર્મદા ડેમની જળ સપાટી ૧૨૭.૫૦ મીટરે પહોચી

0
23

અમદાવાદ, તા.૬
રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં સતત પાણીની આવકને પગલે નર્મદા ડેમની સપાટી હાલ ૧૨૭.૫૦ મીટર ઉપર પહોંચી ગઇ છે અને પાણીની આવક હજુ પણ ૭૨,૯૬૪ ક્યુસેક થઇ રહી છે. નર્મદા ડેમમાં સતત પાણીની આવક અને જળસપાટી વધતાં રાજયના ખેડૂતઆલમમાં પણ ખુશીની લાગણી પ્રસરી છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને અને છેલ્લા ચાર દિવસમાં ડેમની સપાટી ૬ મીટર જેટલી વધી છે. આ ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ આ સીઝનમાં તેની મહત્તમ સપાટીએ પહોંચે તેવી પૂર્ણ શકયતા છે. ગત વર્ષે પાણીનો લાઈવ સ્ટોરેજ સંગ્રહ માત્ર ૪૬.૨૦ એમસીએમ હતો તેની સામે આ વર્ષે ૨૬૩૯ એમસીએમ લાઈવ સ્ટોક ઉપલબ્ધ છે. ગત વર્ષે મધ્યપ્રદેશમાં ઓછા વરસાદને કારણે અડધું અડધ ૪.૫ મિલિયન એકર ફિટ પાણી મળી શક્યું હતું. તેની પાછળનું મુખ્ય કારણ કેચમેન્ટ વિસ્તારમાં પણ માત્ર ૪૫૧ મી.મી. વરસાદ ખાબક્યો હતો. આ વર્ષે તેના કરતાં ડબલ વરસાદ વરસ્યો છે. હાલ પાણીની સપાટી ૧૨૭.૪૩ મીટર છે, ગત વર્ષે માત્ર ૧૧૧.૦૩ મીટર જ હતી. ૨૦૧૭માં નર્મદા ડેમના ગેટ બંધ થયા બાદ ઓવરફ્‌લો બંધ થયો હતો. નહીંતર આ વર્ષે ડેમ ૬ મીટરથી ઓવરફ્‌લો થયો હોત અને લાખો ક્યુસેક પાણી દરિયામાં વહી ગયું હોત. સરકારની ઈચ્છા હતી કે, સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ ક્ષમતાએ ભરાય, જેથી પીવા અને સિંચાઈનું પાણી તેમજ વીજળી ઉત્પન્ન કરી શકાય. ડેમમાં પાણી વધવાથી ગુજરાત સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને પણ ફાયદો થશે. જોકે પાણીની આ વિપુલ આવક માત્ર કેચમેન્ટ વિસ્તારમાં થયેલ વરસાદને કારણે થઇ છે. ખેડૂતઆલમમાં ડેમની જળસપાટી વધતાં ખુશીની લાગણી પ્રસરી છે.