ફરીથી જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ પર વિચારણા

0
13

સરકાર ટૂંક સમયમાં સરકારી બેંકોના ખાનગીકરણને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ માટે એક પેનલની રચના કરવામાં આવશે. આ પેનલ તે બેંકોના નામ નક્કી કરશે જેનું ખાનગીકરણ કરવામાં આવશે.એપ્રિલ ૨૦૨૧માં, નીતિ આયોગે ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગને જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણની ભલામણ કરી હતી. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકને કથિત રીતે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી, પરંતુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.

ખાનગીકરણ માટે બેંકોની ઓળખ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. જેમાં નાની અને મધ્યમ બેંકોના નામ સામેલ છે. બેંકોની કામગીરી અને તેમના લોન પોર્ટફોલિયો અને અન્ય ઘણા પરિમાણોના આધારે આ સમિતિએ ખાનગીકરણના નામો નક્કી કરવાના રહેશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને નીતિ આયોગના અધિકારીઓને આ સમિતિમાં સામેલ કરવામાં આવી શકે છે.

એ ઊલ્લેખનીય રહેશે કે નિફ્ટી પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં છેલ્લા એક વર્ષમાં ૬૫.૪ ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે, નિફ્ટી સ્પોટ આ સમયગાળા દરમિયાન માત્ર ૧૬ ટકા વધ્યો હતો.

હાલમાં દેશમાં જાહેર ક્ષેત્રની ૧૨ બેંકો છે. તેમાંથી બેંક ઓફ મહારાષ્ટ્ર અને યુકો બેંક જેવી બેંકોનું ખાનગીકરણ કરવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે.

અગાઉ ૨૦૨૧ ના બજેટમાં, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ હેઠળ બે સરકારી બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી. તે જ વર્ષે, સરકારે સંસદમાં પસાર થવા માટે બેંકિંગ કાયદા (સુધારા) બિલ, ૨૦૨૧ ને સૂચિબદ્ધ કર્યું હતું. 

આ બિલ હેઠળ સરકાર ૧૯૭૦ અને ૧૯૮૦ના બેંકિંગ કંપની એક્ટમાં સુધારો કરવા માંગે છે. તેમાં જાહેર ક્ષેત્રની બેંકોના સંપાદન અને ટ્રાન્સફર સંબંધિત નિયમો છે.