બેડમિન્ટન ચેમ્પયનશીપને લઇ બાળકોનો ભારે ધસારો

0
40

પીએનબી મેટલાઇફ જૂનિયર બેડમિન્ટન ચેમ્પિયનશીપ અમદાવાદ તબક્કાનું ઉદ્‌ઘાટન : બાળકોમાં ભારે ઉત્સાહ

અમદાવાદ, તા.૧૯
સૌથી મોટી નેશનલ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાંની એક પીએનબી મેટલાઇફ જૂનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ (જેબીસી)-સિઝન પાંચ માટે આજે શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં શટલર્સ બેડમિન્ટન એકેડમી ખાતે બાળકો અને વાલીઓ રજિસ્ટ્રેશનને લઇ ખૂબ મોટી સંખ્યામાં ઉમટયા હતા. માત્ર અમદાવાદ જ નહી ગુજરાત સહિત મધ્યપ્રદેશ, ઉજ્જૈન સહિતના બહારના શહેરોમાંથી પણ બાળકો અને વાલીઓ આવ્યા હોઇ તેમનો ભારે ધસારો રહ્યો હતો. સેંકડો બાળકો અને વાલીઓની હાજરીમાં જેબીસી સિઝન-૫નાં અમદાવાદ તબક્કાનું ઉદ્ઘાટન બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનાં વાઇસ પ્રેસિડન્ટ મયુર પરીખ અને ભૂતપૂર્વ બેડમિન્ટન પ્લેયર અનુજ ગુપ્તાએ કર્યું હતું. આ ટૂર્નામેન્ટમાં શહેરનાં ૬૭૦ યુવાન બેડમિન્ટન ખેલાડીઓએ નોંધણી કરાવી હતી.

ભારતમાં ટોચની ૧૦ ખાનગી જીવન વીમાકંપનીઓમાંની એક પંજાબ મેટલાઇફ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (પીએનબી મેટલાઇફ)એ શહેરમાં સૌથી મોટી નેશનલ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાંની એક પીએનબી મેટલાઇફ જૂનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ (જેબીસી)-સિઝન પાંચ શરૂ કરતાં બેડમિન્ટનનાં ભવિષ્યનાં સિતારાઓ વચ્ચે કોર્ટ પર રોમાંચક મુકાબલો જોવા અમદાવાદમાં બેડમિન્ટનપ્રેમીઓ ભારે ઉત્સુક બન્યા છે. ઓલિમ્પિક મેડલિસ્ટ અને પીએનબી મેટલાઇફની બ્રાન્ડ એમ્બેસેડર પી.વી.સિંધુ અને નેશનલ બેડમિન્ટન ચેમ્પિયન અને કોચ યુ વિમલકુમારે તા.૪ જુલાઈ, ૨૦૧૯નાં રોજ હૈદરાબાદમાં એનું સત્તાવાર ઉદ્ઘાટન કર્યું હતું. ચાલુ વર્ષે જેબીસી યુવા બેડમિન્ટનનાં ઉત્સાહીઓને સહાય કરવા કસ્ટમાઇઝ યુટ્યુબ ચેનલ જેબીસી બૂટ કેમ્પ શરૂ કર્યો છે, જેમાં વિવિધ સેશનનું હોસ્ટિંગ પી વી સિંધુ, યુ વિમલ કુમાર, વિજય લાન્સી, અનુપ શ્રીધર વગેરે જેવા દિગ્ગજો કરશે. ટ્યુટોરિયલ યુટ્યુબ/પીએનબી મેટલાઇફ જેબીસી બૂટ કેમ્પ પર જોઈ શકાશે. જેબીસી ટૂર્નામેન્ટની પાંચમી એડિશનનું આયોજન દેશના ૧૦ શહેરો જેવા કે, ચંદીગઢ, મુંબઈ, પૂણે, કોચી, બેંગાલુરુ, લખનૌ, અમદાવાદ, હૈદરાબાદ, ગૌહાટી અને નવી દિલ્હીમાં થશે. મેચો ચાર વયજૂથની કેટેગરીમાં રમાશે, અંડર-૯, ૧૧, ૧૩, ૧૫ અને ૧૭-છોકરાઓ અને છોકરીઓ એમ બંને માટે. દરેક સિટી ટૂર્નામેન્ટમાંથી દરેક કેટેગરીમાંથી ટોચનાં બે બાળકો નવી દિલ્હીમાં નેશનલ ફાઇનલ માટે આગળ વધશે,

જ્યાં તેમને પી વી સિંધુનાં હસ્તે નેશનલ ટાઇટલ સાથે સન્માન થશે. પીએનબી મેટલાઇફનાં ચીફ માર્કેટિંગ ઓફિસરે નિપુણ કૌશલે જણાવ્યું કે, પીએનબી મેટલાઇફ જૂનિયર બેડમિન્ટન ચેમ્પયિનશિપનાં છેલ્લી એડિશન દરમિયાન અમે દેશમાં ૮૦૦૦થી વધારે યુવાન બેડમિન્ટન ઉત્સાહીઓ સુધી પહોંચી શક્યાં હતાં. પાંચમી એડિશનમાં અમે વધારે સફળતા મેળવવા ઇચ્છીએ છીએ તથા તમામ સ્તરે ઊંડી અસર ઊભી કરવા ઇચ્છીએ છીએ તથા બેડમિન્ટનનાં વધારે યુવાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માગીએ છીએ. છેલ્લાં ચાર વર્ષમાં પોતાની સીએસઆર પહેલનાં ભાગરૂપે પીએનબી મેટલાઇફે કોચિંગ અને તાલીમ માટે ભારતમાં વંચિત બાળકોને વાર્ષિક શિષ્યાવૃત્તિ પ્રદાન કરી છે. ચાલુ વર્ષે ૧૦૦ વંચિત બાળકોને જેબીસી – સિઝન ૫ માટે તાલીમ આપવામાં આવી છે, જેમાં ૩૨ બાળકોને સ્પોર્ટ તરીકે બેડમિન્ટનને લેવા માટે વાર્ષિક શિષ્યાવૃત્તિ પ્રદાન કરવામાં આવશે.