મધ્યપ્રદેશની બે આયશાનું UPSCમાં 184મું રેન્ક, બંનેના રોલ નંબર સમાન, સિલેક્શન કોનું થયું એ મૂંઝવણ!

0
0

માથું ફરી જાય તેવો મામલો! બંનેનો રોલ નંબર એક જ હોવાને કારણે ભૂલ થઈ

કોનો દાવો સાચો છે તે તો તપાસ બાદ જ ખબર પડશે

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ મંગળવારે સિવિલ સર્વિસીસ 2022ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. મધ્યપ્રદેશમાં UPSC પરિણામને લઈને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બે છોકરીઓએ એક જ રોલ નંબર પર બે છોકરીઓએ પરીક્ષા અને ઈન્ટરવ્યુ આપ્યો અને હવે બંનેએ 184મો રેન્ક મેળવ્યો છે. કોનો દાવો સાચો છે તે તો તપાસ બાદ જ ખબર પડશે. પરંતુ બંનેના ઘરે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

image : Social Media

એડમિટ કાર્ડમાં રોલ નંબર એકસમાન 

ઉલ્લેખનીય છે કે મંગળવારે પરિણામ આવ્યા બાદ આયશા નામની છોકરીએ 184મો રેન્ક મેળવ્યો હતો. આ પછી બે પરિવારોમાં ઉજવણી શરૂ થઈ. એક પરિવાર દેવાસનો છે, જેમાં આયશા ફાતિમાના પિતા નઝીરુદ્દીનને 184મો રેન્ક મળ્યો છે. બીજો પરિવાર અલીરાજપુર જિલ્લાના આયશા મકરાણીના પિતા સલીમુદ્દીનનો છે, જેને પણ 184મો રેન્ક મેળવ્યો છે. બંનેનો રોલ નંબર એક જ હોવાને કારણે ભૂલ થઈ છે. એડમિટ કાર્ડમાં માત્ર એક રોલ નંબર 7811744નો ઉલ્લેખ છે. બંનેને એક જ રોલ નંબર આપવો એ મોટો પ્રશ્ન ઊભો કરે છે. કોઈ એક કેસમાં જબ્બર લોચો હોવાની શક્યતા દેખાય છે. જોકે, બંનેએ પરીક્ષાની સાથે ઈન્ટરવ્યુ પણ આપ્યો હોવાનો પુરાવા સાથે દાવો કર્યો છે. જેના લીધે કોયડો ગુંચવાયો છે. 

બંને પરિવારના સભ્યો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે 

અલીરાજપુરના આયશા મકરાણીના ભાઈ શાહબાઝુદ્દીન મકરાણી (સિવિલ એન્જિનિયર) દાવો કરે છે કે તેમની બહેને ખૂબ મહેનત કરી હતી. માતાનું સપનું હતું કે બહેન IAS બને. તેણે 184મો રેન્ક મેળવ્યો છે. આ અંગે અમે કોર્ટમાં પણ જઈશું. બીજી તરફ દેવાસની આયશા ફાતિમાના પિતા નઝીરુદ્દીન પણ દાવો કરે છે કે માત્ર તેમની પુત્રીની પસંદગી કરવામાં આવી છે. UPSC આવી ભૂલ ન કરી શકે. હું રાતને દિવસ માની લઈશ, પણ આ પ્રકારની ભૂલ ન સ્વીકારી શકું. મને લાગે છે કે બીજી આયશા સાથે કંઈક ગરબડ થઇ છે. જો કે તપાસ બાદ મામલો સ્પષ્ટ થશે પરંતુ બંને પરિવારો હજુ પણ ઉજવણીમાં ડૂબેલા છે. નિષ્ણાતો કહે છે કે UPSC જેવી પરીક્ષામાં માત્ર એક જ રોલ નંબર જારી કરવો અશક્ય છે. શક્ય છે કે રોલ નંબર નકલી નીકળે.