રાજયની તમામ નીચલી કોર્ટો તા.૧લી માર્ચથી પુન: ધમધમતી થશે

0
31
રાજયના મુખ્ય ચાર શહેરોની તમામ નીચલી કોર્ટો હવે ધમધમતી થશે
રાજયના મુખ્ય ચાર શહેરોની તમામ નીચલી કોર્ટો હવે ધમધમતી થશે

વકીલો-પક્ષકારો સહિત લોઅર જયુડીશરીમાં ઉત્સાહની લાગણી

હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં અપાયેલી લીલીઝંડીને પગલે આવતીકાલે તા.૧લી માર્ચથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની તમામ નીચલી કોર્ટો કોર્ટ કામગીરી અને વકીલો-પક્ષકારોની ચહલપહલથી ધમધમતી થઇ જશે

જો કે, માસ્ક, સેનીટાઇઝેશન, સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન સહિતની સરકારની માર્ગદર્શિકા અને નિયમોનું ચુસ્તપણે પાલન કરાવાશે

અમદાવાદ, તા.૨૮

કોરોના મહામારીના કારણે આખરે છેલ્લા 11 મહિના બાદ ગુજરાત રાજયના મુખ્ય ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની તમામ નીચલી કોર્ટો આવતીકાલે તા.1લી માર્ચથી રાબેતા મુજબ કાર્યરત થવા જઇ રહી છે ત્યારે વકીલો, પક્ષકારો સહિત ખુદ કોર્ટ કર્મચારીઓ અને લોઅર જયુડીશરીમાં ભારે ઉત્સાહ અને ખુશીની લાગણી પ્રવર્તી રહી છે. જો કે, છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનું સંક્રમણ શહેરમાં વધ્યુ હોઇ તંત્ર દ્વારા ખાસ કરીને લોઅર જયુડીશરી અને સંલગ્ન સત્તાધીશો દ્વારા માસ્ક, સેનીટાઇઝેશન, સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન સહિતની સરકારની માર્ગદર્શિકા અને નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવાનું પણ આયોજન કરાયું છે. આ સમગ્ર મામલે ખુદ ગુજરાત બાર કાઉન્સીલના હોદ્દેદારો અને નીચલી કોર્ટોના વિવિધ વકીલમંડળોના હોદ્દેદારોએ પણ જાગૃતિ દાખવી છે.

થોડા દિવસ પહેલાં જ ગુજરાત હાઇકોર્ટે એક બહુ મહત્વનો નિર્ણય જાહેર કરી તા.1 લી માર્ચથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરોની તમામ નીચલી અદાલતો ફરી એકવાર રાબેતા મુજબ કાર્યરત કરવાની જાહેરાત કરી હતી, જે મુજબ, હવે આવતીકાલે તા.૧લી માર્ચથી અમદાવાદ સહિત રાજયના મુખ્ય ચાર મોટા શહેરોની તમામ નીચલી અદાલતો કોર્ટ કામગીરીથી અને વકીલો-પક્ષકારો તેમ જ કોર્ટ કર્મચારીઓની ચહલપહલથી પુનઃ ધમધમતી થશે. બીજીબાજુ, ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન જે.જે.પટેલ અને અનિલ સી.કેલ્લાએ ગુજરાત હાઇકોર્ટના આ મહત્વના નિર્ણયને તેમ જ હકારાત્મક અભિગમને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે, હાઇકોર્ટના નિર્ણયને પગલે તા.1 લી માર્ચથી ચારેય મોટા શહેરોની તમામ નીચલી અદાલતો કાર્યરત થવાથી વકીલો-પક્ષકારોમાં પણ ભારે ખુશીની લાગણી ફેલાઇ છે. આ જ પ્રકારે મીરઝાપુર સ્થિત અમદાવાદ ગ્રામ્ય કોર્ટના અમદાવાદ ડિસ્ટ્રીકટ કોર્ટ બાર એસોસીએશનના ઉપપ્રમુખ રાજેશ પારેખે પણ હાઇકોર્ટના નિર્ણયને આવકારતાં અને આવતીકાલથી રાજયની નીચલી અદાલતો શરૂ થઇ રહી છે, તેને લઇને વકીલોપક્ષકારો અને કોર્ટ કર્મચારીઓમા ઉત્સાહ અને ખુશીની લાગણી પ્રવર્તી રહી હોવાની પ્રતિક્રિયા આપી હતી. અમદાવાદ ડિસ્ટ્રીકટ કોર્ટ બાર એસોસીએશનના ઉપપ્રમુખ રાજેશ પારેખે જણાવ્યું હતું કે, મીરઝાપુર સ્થિત અમદાવાદ રૂરલ કોર્ટમાં કોરોનાનું સંક્રમણ વકરે નહી તે માટે વિશેષ પ્રકારે માસ્ક, સેનીટાઇઝેશન, સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિતની સરકારી તમામ ગાઇડલાઇન્સનું પાલન કરાશે અને તંત્રને સાથસહકાર પૂરો પડાશે. આવતીકાલથી રાજયની તમામ નીચલી અદાલતો ખુલી રહી છે અને ૧૧ મહિના બાદ ફરી એકવાર તમામ નીચલી કોર્ટો પુન: ધમધમતી થઇ રહી છે, તેને લઇને વકીલોપક્ષકારોમાં ભારે ઉત્સાહ અને ખુશીની લાગણી જોવા મળી રહી છે. તો, અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશનના ઉપપ્રમુખ ભરત એચ.શાહે પણ જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારીની અસરના કારણે છેલ્લા ઘણા લાંબા સમય બાદ નીચલી કોર્ટો ખુલી રહી છે, તે બહુ આનંદની વાત છે કારણ કે, છેલ્લા ૧૧ મહિનાથી વકીલોપક્ષકારો પણ ભારે હાલાકીનો ભોગ બની રહ્યા હતા પરંતુ હવે કોરોનાનું સંક્રમણ ઘટતાં હાઇકોર્ટના નિર્દેશાનુસાર, રાજયની નીચલી કોર્ટો આવતીકાલે તા.૧લી માર્ચથી ખુલી રહી છે., ત્યારે શહેરની ફોજદારી કોર્ટ(મેટ્રોપોલીટન કોર્ટ)માં પણ કોરાનાનું સંક્રમણ વધુ ના ફેલાય તે હેતુથી તકેદારી અને સલામતીના ભાગરૂપે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સીંગ અને સેનીટાઇઝેશન સહિતની તમામ સરકારી માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવશે. વકીલોપક્ષકારોને પણ આ અંગે જાગૃત કરી તંત્રના અસરકારક પ્રયાસોમાં પૂરતો સાથ સહકાર અપાશે.

ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટે તેના નિર્ણયમાં રાજયના આ ચારેય મહાનગરોમાં તમામ નીચલી કોર્ટો સવારે 10-45 વાગ્યાથી સાંજે 6-10 વાગ્યા સુધી કાર્યરત રાખવા પણ ઠરાવ્યું છે. તો, બીજીબાજુ, આ શહેરોમાં જે માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હોય ત્યાની કોર્ટોને શરૂ નહી કરવા પણ સ્પષ્ટ તાકીદ કરાઇ છે. બાકી, માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તમામ નીચલી કોર્ટો તા.1 લી માર્ચથી ચાલુ કરી દેવા હાઇકોર્ટે લીલીઝંડી આપી દીધી છે. નોંધનીય છે કે, કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે છેલ્લા 11 મહિનાઓથી રાજયની તમામ નીચલી કોર્ટો બંધ હતી, જેના કારણે વકીલો, પક્ષકારો સહિતના સંબંધિત અસરકર્તા લોકોને ભારે હાલાકી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. જો કે, કોરોનાની અસર ધીરે ધીરે ઘટતા અને તેનું સંક્રમણ ઓછુ થતાં ગુજરાત હાઇકોર્ટે થોડા સમય પહેલાં રાજયના મોટા ચાર શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સિવાયની તમામ નીચલી કોર્ટો શરૂ કરવા લીલીઝંડી આપી હતી પરંતુ આ ચાર મોટા શહેરોની નીચલી કોર્ટો જયાં સુધી કોરોના મહામારીની પરિસ્થિતિ વધુ નિયંત્રણમાં ના આવે ત્યાં સુધી નહી ખોલવા તાકીદ કરી હતી. દરમ્યાન હવે કોરોના મહામારીની અસર નોંધપાત્ર રીતે ઘટતા અને કોરોનાના કેસોમાં પણ અસરકારક ઘટાડો નોંધાતા તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયના ભાગરૂપે, હવે રાજયના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એ ચારેય મહાનગરોમાં આવેલી તમામ નીચલી અદાલતો તા.1 લી માર્ચથી શરૂ કરી દેવા લીલીઝંડી આપી છે,

દરમ્યાન ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન જે.જે.પટેલ અને અનિલ સી.કેલ્લાએ હાઇકોર્ટના મહત્વના નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું કે, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા ચારેય મહાનગરો સહિતની નીચલી કોર્ટો તાકીદે શરૂ કરવા માટે હાઇકોર્ટના ચીફ જસ્ટિસને રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇ ગુજરાત હાઇકોર્ટે હકારાત્મક અભિગમ અપનાવી બાર કાઉન્સીલની લાગણી અને માંગણીને ગ્રાહ્ય રાખી વકીલો-પક્ષકારોના હિતમાં નિર્ણય કર્યો છે તે ખરેખર આવકાર્ય છે. ગુજરાત બાર કાઉન્સીલ ઓફ ગુજરાત હાઇકોર્ટના આ નિર્ણયને આવકારે છે. હાઇકોર્ટના આ નિર્ણયથી વકીલો-પક્ષકારોમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે. આવતીકાલે તા.1 લી માર્ચથી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત શહેરની તમામ નીચલી અદાલતો ફરી એકવાર વકીલો-પક્ષકારો અને કોર્ટ કર્મચારીઓની ચહલપહલ અને કોર્ટ કામગીરીથી પુનઃ ધમધમતી થશે. જેને લઇને રાજયભરના વકીલઆલમમાં ભારે ઉત્સાહ અને ખુશીની લાગણી પ્રવર્તી રહી છે.